ઘાટકોપર પોલીસ સ્ટેશનના ૭૦ મીટરના અંતરમાં ૧૮ વર્ષના સ્ટુડન્ટ પાસેથી ચાકુની અણીએ સાડાચાર હજાર રૂપિયા લૂંટી લીધા હતા : પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી ત્રણે આરોપીઓની કરી ધરપકડ
Crime News
ટીનેજરને લૂંટવા બદલ ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ, પોલીસે તેમને બે કલાકમાં જ પકડી પાડ્યા હતા
સોમૈયા કૉલેજમાં બારમા ધોરણમાં અભ્યાસ કરી રહેલો અને સાથે-સાથે વ્યવસાય કરતો ૧૮ વર્ષનો ગુજરાતી કિશોર રાતે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ઘાટકોપર પોલીસ સ્ટેશનથી માત્ર ૭૦ મીટરના અંતરમાં ત્રણ આરોપીઓ ચાકુ દેખાડી તેની પાસેથી સાડાચાર હજાર રૂપિયા લૂંટને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ફરિયાદી પાસેથી આરોપીઓની ઓળખ કરી બે કલાકમાં ત્રણે આરોપીઓની ધરપકડ કરી હતી અને લૂંટાયેલા સાડાચાર હજાર રૂપિયા પણ જપ્ત કર્યા હતા.
ઘાટકોપર-વેસ્ટમાં પારસીવાડીમાં રહેતા અને સોમૈયા કૉલેજમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા આદિત્ય ચોખલિયાએ કરેલી ફરિયાદ અનુસાર તે રોજ સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી કૉલેજ જતો હતો. ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે ઘાટકોપરમાં મિલન માર્કેટ નજીક કપડાંનો વ્યવસાય કરી ત્યાંથી રાતે ૧૦ વાગ્યે ઘરે આવવાનો તેનો રોજિંદો ક્રમ છે. દરમ્યાન ગુરુવારે રાતે સાડાઅગિયાર વાગ્યે તે પારસીવાડી પાલિકા સ્કૂલ પાસે રિક્ષામાંથી ઊતરીને રિક્ષાવાળાને પૈસા આપી રહ્યો હતો ત્યારે અચાનક એક યુવક તેની પાસે આવ્યો હતો. તેણે આદિત્યનું પર્સ ખેંચ્યું હતું. એનો વિરોધ કરવા જતાં તે યુવાન આદિત્યને ખેંચીને નજીકમાં ઊભેલી રિક્ષા પાસે લઈ ગયો હતો, જ્યાં બીજા બે યુવકો હાજર હતા. તેમણે આદિત્યને ચાકુ દેખાડીને કાપી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ એ ત્રણે જણ તેના સાડાચાર હજાર રૂપિયા લઈને નાસી ગયા હતા. આ બનાવથી ગભરાઈ ગયેલા આદિત્યએ ઘરે જઈને મમ્મીને તમામ વાત કરતાં આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુનાની તપાસ મુજબ આરોપીઓને શોધવા માટે સિનિયર ઇન્સ્પેક્ટર દ્વારા બે ટીમ તૈયાર કરવામાં આવી હતી. તેમણે ગુનામાં વૉન્ટેડ આરોપીઓની ઓળખ કરીને સાકીનાકા, અંધેરી, ઘાટકોપર રેલવે સ્ટેશન વિસ્તારમાં તેમની શોધખોળ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા. ત્યાર બાદ આરોપીઓના રહેઠાણ વિસ્તારમાં છટકું ગોઠવીને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઇમરાન ઉર્ફે કલ્યા આસિફ ખાન, અક્ષય સુરેશ દાભાડે અને સુલતાન ઉર્ફે મન્ના મોહમ્મદ અલી સૈયદની ધરપકડ કરવામાં આવી છે.’
ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બલવંત દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ અમારી સામે આવતાં તરત ટીમ તૈયાર કરીને તપાસ કરવામાં આવી હતી, જેમાં બે કલાકમાં ત્રણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસથી લૂંટના પૈસા પણ જપ્ત કરવામાં આવ્યા છે.’
આદિત્ય ચોખલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ઘરમાં હું અને મારી મમ્મી એમ બે જણ જ છીએ. હું સવારે કૉલેજ જાઉં છું અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બપોર પછી કામ કરું છું. મારી મહેનતના પૈસા ચોરો લૂંટીને ચાલ્યા ગયા હતા. આ ઘટના સમયે હું ખૂબ ગભરાઈ ગયો હતો, કારણ કે મને ચાકુ દેખાડીને કાપી નાખવાનું આરોપીઓએ કહ્યું હતું. અંતે મેં મમ્મીને વાત કરતાં તેમણે મને હિંમત આપી હતી અને મેં પોલીસ-ફરિયાદ કરી હતી.’