મીઠીબાઈ અને અન્ય કૉલેજોની સ્ટુડન્ટ્સની છેડતી સંદર્ભે પોલીસ થઈ અલર્ટ, બૅનરો લગાડીને કહ્યું કે તમારી સાથે આવું કંઈ થાય તો નિર્ભયા પથકને ૮૫૯૧૯ ૩૫૮૧૫ નંબર પર કૉલ કરો
કૉલેજની સ્ટુડન્ટ્સની છેડતી કરતા વિકૃત યુવાનનો ફોટો પાડીને સ્ટુડન્ટ્સે ગ્રુપમાં સર્ક્યુલેટ કર્યો છે અને કહ્યું છે કે આનાથી ચેતતા રહેજો, આ બીજો વિકૃત યુવાન પણ લાગ મળે ત્યારે અણછાજતો સ્પર્શ કરી લે છે. સ્ટુડન્ટ્સે તેનો પણ વિડિયો અપલોડ કર્યો છે.
વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાં અને આસપાસની કૉલેજોમાં રોજેરોજ આવતી-જતી કૉલેજની સ્ટુડન્ટ્સને થોડા વખતથી બે રોડ-રોમિયો તંગ કરીને તેમની છેડતી કરી રહ્યા છે. તેમના બે વિડિયો કૉલેજ-ગર્લ્સના ઇન્સ્ટા અને વૉટ્સઍપ ગ્રુપમાં સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. એમાં બે અલગ-અલગ યુવાનોને દર્શાવવામાં આવ્યા છે. એક યુવાન કૉલેજ પાસે ફરે છે, જ્યારે બીજો યુવાન વિલે પાર્લે સ્ટેશન પાસે ઍક્ટિવ હોય છે. જુહુ પોલીસ પાસે પણ આ વિડિયો પહોંચ્યા છે અને તેમણે એની દખલ લઈને પોલીસનું પૅટ્રોલિંગ વધાર્યું છે અને તે બન્ને વિકૃત યુવાનોની શોધ ચલાવવામાં આવી રહી છે. પોલીસે કૉલેજ-ગર્લ્સને મદદ કરવા માટે નિર્ભયા પથક પણ તહેનાત કર્યું છે. કોઈ પણ છોકરીને કોઈનાથી પણ ડર લાગે કે તે વિકૃત દેખાય તો તરત જ નિર્ભયા પથકના નંબર ૮૫૯૧૯ ૩૫૮૧૫ ઉપર કૉલ કરીને મદદ મેળવવા આહવાન કરવામાં આવ્યું છે.



