દુબઈથી ત્રણ આતંકવાદી મુંબઈમાં દાખલ થયા હોવાનો નનામો કૉલ ગઈ કાલે મુંબઈ પોલીસના મેઇન કન્ટ્રોલ-રૂમમાં આવ્યા બાદ પોલીસ અલર્ટ થઈ ગઈ હતી.
આતંકવાદી
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ ઃ દુબઈથી ત્રણ આતંકવાદી મુંબઈમાં દાખલ થયા હોવાનો નનામો કૉલ ગઈ કાલે મુંબઈ પોલીસના મેઇન કન્ટ્રોલ-રૂમમાં આવ્યા બાદ પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. પોલીસના કન્ટ્રોલ-રૂમમાં શુક્રવારે એક કૉલ આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે મુંબઈમાં ફરી આતંકવાદી હુમલો કરવા માટે દુબઈથી ત્રણ જણ મુંબઈ આવ્યા છે.
શુક્રવારે ત્રણ આતંકવાદી મુંબઈ પહોંચ્યા હોવાનો કૉલ મળ્યા બાદ ગઈ કાલે મુંબઈ પોલીસ અલર્ટ થઈ ગઈ હતી અને શહેરનાં મહત્ત્વનાં સ્થળોએ બંદોબસ્ત વધારી દીધો હતો. આ કૉલ એક મોબાઇલ નંબર પરથી કન્ટ્રોલ-રૂમમાં આવ્યો હતો. એની તપાસ કરતાં ફોન કર્યા બાદ મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દેવામાં આવ્યો હતો.
ફોન કરનારે કહ્યું હતું કે દુબઈથી ત્રણ લોકો મુંબઈમાં વહેલી સવારે આવી પહોંચ્યા છે. આ લોકોનો પાકિસ્તાન સાથે સંબંધ છે. ત્રણમાંથી એક વ્યક્તિનું નામ મુજીબ સૈયદ છે. ફોન કરનારે આ વ્યક્તિના મોબાઇલ અને વાહનનો નંબર પણ પોલીસને આપ્યો હતો.
પોલીસે ફોન કરનારની તપાસ કરતાં જણાઈ આવ્યું છે કે રાજા ઠોંગે નામની વ્યક્તિએ આતંકવાદીઓના બે નંબરના ધંધા બાબતે પોલીસને જાણ કરવા માટે ફોન કર્યો હતો. આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે.