હું પણ માણસ છું, દેવતા નહીં; એટલે મારાથી પણ ભૂલો થઈ જાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદી કહે છે...
ઝીરોધાના સહસ્થાપક નિખિલ કામતના પૉડકાસ્ટમાં વડા પ્રધાને કરી અનેક રસપ્રદ વાતો
ઑનલાઇન બ્રોકરેજ પ્લૅટફૉર્મ ઝીરોધાના સહસ્થાપક નિખિલ કામત દર મહિને એક પૉડકાસ્ટ પણ પ્રસારિત કરે છે. આ પૉડકાસ્ટમાં તેમના લેટેસ્ટ મહેમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીએ પહેલી વાર કોઈ પૉડકાસ્ટમાં ભાગ લીધો છે. આ પૉડકાસ્ટમાં તેમણે બાળપણથી રાજકારણમાં આવવા સુધીની અને મુખ્ય પ્રધાનથી વડા પ્રધાન બનવા સુધીની સફર વિશે ઘણી રસપ્રદ વાત કરી છે.
નિખિલ કામતે ગુરુવારે આ પૉડકાસ્ટનું ટ્રેલર જાહેર કર્યું હતું અને ગઈ કાલે આખી પૉડકાસ્ટનો વિડિયો રિલીઝ કર્યો હતો. આ વાતચીત દરમ્યાન નરેન્દ્ર મોદીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ઘણા કેસમાં તેમનાથી ભૂલ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે હું પણ માણસ છું, દેવતા નહીં એટલે મારાથી પણ ભૂલો થઈ જાય છે.
ADVERTISEMENT
નિખિલ કામતના પૉડકાસ્ટ ‘પીપલ બાય ડબ્લ્યુ.ટી.એફ.’માં નરેન્દ્ર મોદીએ તેમના જીવનની અનેક વાતો કરી હતી અને કહ્યું હતું કે ‘મારી રિસ્ક લેવાની જે ક્ષમતા છે એનો હજી સુધી પૂર્ણપણે ઉપયોગ નથી થયો, ઘણો ઓછો ઉપયોગ થયો છે. મારી રિસ્ક લેવાની ક્ષમતા અનેકગણી છે.’
પૉડકાસ્ટના ઇન્ટરવ્યુની શરૂઆતમાં નિખિલ કામત કહે છે, ‘હું તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું. મને ગભરાટ થાય છે. આ મારા માટે એક મુશ્કેલીભરી વાતચીત છે.’
એ સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ મારું પણ પહેલું પૉડકાસ્ટ છે. મને ખબર નથી કે એ તમારા દર્શકોને કેવું લાગશે. મને આશા છે કે તમને બધાને પણ એટલો જ આનંદ આવશે જેટલો મને આપના માટે આ બનાવવામાં આવ્યો છે.’
વિવિધ મુદ્દે વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
ખરાબ ઇરાદાથી કંઈ નહીં કરું
હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન બન્યો ત્યારે મારું એક ભાષણ હતું. એ સમયે સાર્વજનિક રીતે મેં કહ્યું હતું કે ‘મારાથી ભૂલો થાય છે. હું પણ માણસ છું, કોઈ દેવતા નથી. હું સખત મહેનતથી પાછળ નહીં હટું. હું મારા પોતાના માટે કંઈ નહીં કરું. હું માણસ છું જે ભૂલો કરી શકે છે; પણ હું કામ કરતો રહીશ, કોઈ પણ ખરાબ ઇરાદાથી કોઈ કામ નહીં કરું અને આ મારા જીવનનો મંત્ર છે.’
રાજકારણમાં સફળ થવાનો મંત્ર
રાજનેતા બનવી એક વાત છે અને રાજનીતિમાં સફળ થવું અલગ વાત છે. મારું માનવું છે કે એમાં સમર્પણ અને પ્રતિબદ્ધતાની આવશ્યકતા છે. તમારે લોકો માટે ઉપસ્થિત રહેવું પડે અને તમારે એક સારા ટીમ-ખેલાડી બનવું પડે. જો તમે પોતાને બધાથી ઉપર માનતા હો અને એવું વિચારતા હો કે લોકો તમારું અનુસરણ કરે તો થઈ શકે છે કે તેની રાજનીતિ કામ કરે, તે ચૂંટણી પણ જીતી જાય; પણ એ વાતની કોઈ ગૅરન્ટી નહીં કે તે એક સફળ રાજનેતા થશે.
રાજનીતિમાં મિશન જરૂરી, અૅમ્બિશન નહીં
હું તો કહું છું કે રાજનીતિમાં સારા લોકો આવવા જોઈએ. દેશને યુવાઓની જરૂર છે. નવા વિચારની જરૂર છે. રાજનીતિમાં જો યુવાનો આવે તો તેમણે એક મિશન લઈને આવવું જોઈએ, ઍમ્બિશન લઈને આવશે તો કામ નહીં ચાલે.
ચા વેચતાં હિન્દી શીખી
ગુજરાતમાં મહેસાણાના એક રેલવે-સ્ટેશન પર ચા વેચતાં હું હિન્દી ભાષા શીખ્યો હતો. ઉત્તર પ્રદેશના ઘણા ડેરી-ખેડૂતો વેપાર માટે આ વિસ્તારનો પ્રવાસ કરતા હતા. એમાં ૩૦થી ૪૦ લોકો હંમેશાં રેલવે-પ્લૅટફૉર્મ પર મોજૂદ રહેતા હતા જ્યાં હું ચા વેચતો હતો. તેમની સાથે વાતચીત કરતાં-કરતાં મેં ધીમે-ધીમે હિન્દી શીખી લીધી.
પહેલી અને બીજી ટર્મમાં ફરક
વડા પ્રધાન તરીકે પહેલી ટર્મમાં તો લોકો મને સમજવાની કોશિશ કરતા હતા, હું પણ દિલ્હીને સમજવાની કોશિશ કરતો હતો. હવે લોકો પણ મને સમજી ગયા છે અને હું પણ તેમને સમજી ગયો છું.
ભારત શાંતિના પક્ષે
યુદ્ધના મુદ્દે અમે લગાતાર કહીએ છીએ કે અમે (ભારત) ન્યુટ્રલ નથી. હું શાંતિના પક્ષમાં છું. ભારત હંમેશાં શાંતિપૂર્ણ વાતચીત દ્વારા વિવાદને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે.
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે
ઘણા લોકો જીવનમાં એટલા માટે નિષ્ફળ નીવડે છે કારણ કે તેઓ કમ્ફર્ટ ઝોનમાં રહેવા માગે છે. એક મોટો ઉદ્યોગપતિ પણ જો રિસ્ક નહીં લે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવે તો તે કાળક્રમે ખતમ થઈ જશે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. રિસ્ક લેવાની મનોભૂમિકા હંમેશાં ડ્રાઇવિંગ ફોર્સ બને છે. મને લાગે છે કે મારી રિસ્ક લેવાની જે ક્ષમતા છે એનો હજી સુધી પૂર્ણપણે ઉપયોગ નથી થયો, ઘણો ઓછો ઉપયોગ થયો છે. મારી રિસ્ક લેવાની ક્ષમતા અનેકગણી છે. જે ખુદના માટે વિચારતો નથી તેની રિસ્ક લેવાની ક્ષમતા બેહિસાબ હોય છે. હું શાયદ કમ્ફર્ટ માટે અનફિટ છું. હું જે જીવન જીવીને આવ્યો છું એમાં આ મારી માટે મોટી ચીજ છે. નાની ખુશી પણ મારા મનને સંતોષ આપે છે.
ભૂલોમાંથી શીખું છું
જ્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કામ કરતો હતો ત્યારે RSSવાળાઓએ એક જીપ લીધી હતી. ત્યારે હું પણ નવું-નવું ડ્રાઇવિંગ શીખ્યો હતો. એક આદિવાસી ક્ષેત્રમાં પદાધિકારીઓને લઈને અમે યાત્રા કરી રહ્યા હતા. અમે ઉકાઈ ડેમથી પાછા ફરી રહ્યા હતા. ઢોળાવવાળા રસ્તા પર મેં જીપ બંધ કરી, વિચાર્યું કે સ્લોપને કારણે જીપ બંધ હશે તો પેટ્રોલની બચત થશે. જોકે એમ કરતાં જીપ અનિયંત્રિત થઈ. મને સમજાયું કે મેં ભૂલ કરી છે, પણ લોકો પોતાની ભૂલોમાંથી જ શીખે છે.
ચીનના પ્રેસિડન્ટનો ફોન
૨૦૧૪માં હું જ્યારે વડા પ્રધાન બન્યો ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાના નેતાઓ કૉલ કરે છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનો કૉલ આવ્યો. તેમણે મને શુભકામના આપી અને સામેથી કહ્યું કે હું ભારત આવવા માગું છું. મેં કહ્યું કે આપનું સ્વાગત છે, તમે જરૂર આવો. જોકે તેમણે કહ્યું કે મારે ગુજરાત આવવું છે. મેં કહ્યું કે એ તો સારી વાત છે. તેમણે મને કહ્યું કે હું તમારા ગામ જવા માગું છું. મેં તેમને પૂછ્યું કે શું વાત છે, તમે તો લાંબો કાર્યક્રમ બનાવી દીધો. તેમણે મને કહ્યું કે તમારો અને મારો સ્પેશ્યલ નાતો છે, ચીનના દાર્શનિક હ્યુ-એન-ત્સાંગ તમારા ગામમાં સૌથી વધારે રોકાયા હતા, તેઓ ભારતથી પાછા આવ્યા તો તેઓ ચીનમાં મારા ગામમાં આવ્યા હતા, આમ આપણું આ કનેક્શન છે.
બાળપણના મિત્રો
મેં નાની ઉંમરથી ઘર છોડી દીધું હતું અને તમામ સંબંધો છોડી દીધા હતા. હું એક ભટકતા માણસની જેમ જીવન વિતાવતો હતો. તમામથી મારો સંપર્ક તૂટી ગયો હતો. હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન બન્યો તો મેં મારી સ્કૂલના મારી સાથે ભણતા તમામ મિત્રોને મુખ્ય પ્રધાનના બંગલા પર આમંત્રિત કર્યા હતા. મારો ઇરાદો તેમને એ દર્શાવવાનો હતો કે હું આજે પણ એ જ વ્યક્તિ છું જે વર્ષો પહેલાં ગામમાં તેમની સાથે રહેતી હતી. હું એ ક્ષણોને ફરી જીવવા માગતો હતો. એ સમયે આશરે ૩૦થી ૩૫ લોકો આવ્યા હતા. અમે સાથે જમ્યા, જૂની વાતો કરી; પણ એમાં મને મજા ન આવી, કારણ કે હું તેમનામાં મારા મિત્રોને શોધવાની કોશિશ કરતો હતો પણ તેઓ મને મુખ્ય પ્રધાનના રૂપમાં જોઈ રહ્યા હતા. હવે મારા જીવનમાં એવું કોઈ નથી જે મને ‘તું’ કહી શકે.
ગોધરાકાંડ
૨૦૦૨માં ૨૪ ફેબ્રુઆરીએ હું પહેલી વાર વિધાનસભ્ય બન્યો અને ત્રણ દિવસ બાદ ૨૭ ફેબ્રુઆરીએ હું ગુજરાત વિધાનસભામાં ગયો. હું ત્રણ દિવસનો વિધાનસભ્ય હતો અને એ સમયે ગોધરામાં ઘટના બની. પહેલાં તો અમને ટ્રેનમાં આગ લાગવાના સમાચાર મળ્યા, પછી લોકોનાં મૃત્યુની જાણ થઈ. હું સદનમાં હતો અને ચિંતિત હતો. હું બહાર આવ્યો અને મેં કહ્યું કે મારે ગોધરા જવું છે. ત્યારે માત્ર એક જ હેલિકૉપ્ટર હતું, મને લાગે છે કે એ ONGCનું હતું, પણ તેમણે કહ્યું કે આ સિંગલ એન્જિન છે એટલે એમાં VIPને ઊડવાની અનુમતિ ન આપી શકીએ. અમારી વચ્ચે આ મુદ્દે થોડી રકઝક થઈ, પણ મેં કહ્યું કે જે કંઈ થશે એના માટે હું જવાબદાર હોઈશ. હું ગોધરા પહોંચ્યો અને મેં એ દર્દનાક ઘટના જોઈ. મેં બધું મહેસૂસ કર્યું, પણ મને ખબર હતી કે હું એક એવી પરિસ્થિતિમાં બેઠો છું જ્યાં મને પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવવો પડશે. મેં ખુદને કન્ટ્રોલ કરવા માટે જે કરવું પડે એ કર્યું, કારણ કે હું મુખ્ય પ્રધાન હતો.
મનમાં સાધુજીવન જીવવાની ઇચ્છા
મારા મનમાં સાધુજીવન જીવવાની ઇચ્છા હતી. પહેલો પ્રયાસ એ હતો કે હું રામકૃષ્ણ મિશન સાથે જોડાઈ જાઉં. સ્વામી આત્માસ્થાનંદજીનો હમણાં જ સ્વર્ગવાસ થયો છે. તેમણે મારા માટે ઘણું કહ્યું છે. હું તેમની પાસે રહ્યો, પણ રામકૃષ્ણ મિશનમાં કેટલાક એવા નિયમો હતા જેમાં હું ફિટ નહોતો. મને ના પાડવામાં આવી. હું નિરાશ ન થયો, મારું સપનું અધૂરું રહ્યું. આ પણ મોટો ઝટકો હતો મારા જીવનમાં.