વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં હોવાથી તેમની સુરક્ષાવ્યવસ્થા પાછળ ૯૦૦ ઑફિસરો અને ૩૫૬૨ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે
વડાપ્રધાનના આગમનની ચાલે છે તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કુલ ૩૮,૦૦૦ કરોડ રૂપિયાના માળખાકીય સુવિધાઓના વિવિધ પ્રોજેક્ટ્સ લૉન્ચ કરવાના છે.
લિન્ક રોડ પર એલિવેટેડ કૉરિડોર પર દોડનારી મેટ્રો ૨એ (રેડ લાઇન) દહિસરથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર સુધી લંબાવાશે. ૬,૪૧૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ મેટ્રો રેડ લાઇન પર ૧૭ સ્ટેશન આવેલાં છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન એક્સપ્રેસવે પર બનાવાયેલા એલિવેટેડ કૉરિડોર પર દોડનારી મેટ્રો ૭ (યલો લાઇન) ૬,૨૦૮ કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને દહિસરથી અંધેરી-ઈસ્ટના ગુંદવલી સુધીના ૧૬.૫ કિલોમીટર લાંબા રૂટ પર ૧૩ સ્ટેશન આવેલાં છે.
બીએમસીનાં ૨૦ નવાં હિન્દુ હૃદયસમ્રાટ બાળસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવશે. એમાં મફત દવા અપાશે અને વૈદ્યકીય તપાસ પણ મફતમાં કરાશે. લોહીનું ૧૪૭ જાતનું ટેસ્ટિંગ મફત થશે અને એક્સપર્ટ ડૉક્ટરોની સલાહ પણ મફતમાં મળશે.
૧૭,૧૮૨ કરોડના ખર્ચે વરલી, બાંદરા, વર્સોવા, મલાડ, ધારાવી, ભાંડુપ અને ઘાટકોપરમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન થવાનું છે. એમાં રોજ ૨,૫૪૬ મિલ્યન લિટર પાણી ફિલ્ટર કરાશે જેનો મુંબઈના ૮૦ ટકા લોકોને લાભ મળશે.
ભાંડુપ, ગોરેગામ અને ઓશિવરામાં આવેલી મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલનું ૧,૧૦૮ કરોડના ખર્ચે બાંધકામ અને રીડેવલપમેન્ટ કરાશે.
મુંબઈગરાને રસ્તા પરના ખાડાથી મુક્તિ મળે એ માટે મુંબઈના ૪૦૦ કિલોમીટરના રસ્તાનું કૉન્ક્રીટીકરણ કરવામા આવશે. આ માટે ૬,૦૭૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનનું ૧,૮૧૩ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. એમાં હેરિટેજ ઇમારતના જતન સાથે પાર્કિંગ માટેની જગ્યા અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ એક લાખથી વધુ ફેરિયાઓને આર્થિક સહાય કરવામા આવશે અને તેમને લોન આપવામાં આવશે.