નવી સરકારમાં પહેલા મેગા પ્રોજેક્ટ સમૃદ્ધિ એક્સપ્રેસવેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન કરવાની સાથે નવા ૭૫ હજાર કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું
ગઈ કાલે નાગપુરમાં ખુશખુશાલ નરેન્દ્ર મોદી અને એકનાથ શિંદે (તસવીર : પી.ટી.આઈ.)
રાજ્યમાં પાંચ મહિના પહેલાં સત્તા-પરિવર્તન થયા પછી અસ્તિત્વમાં આવેલી એકનાથ શિંદેની આગેવાનીની સરકારમાં ગઈ કાલે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું. આ સમયે નાગપુર આઇઆઇએમ, નાગપુર મેટ્રો અને નાગપુર-બિલાસપુર વચ્ચે વંદે ભારત ટ્રેનનું અનાવરણ પણ થયું હતું અને સાથે-સાથે વિદર્ભ તથા આસપાસના વિસ્તારો માટે ૭૫ હજાર કરોડ રૂપિયાની યોજનાનું ભૂમિપૂજન પણ હાથ ધરાયું હતું. આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બીજેપીના અનેક મોટા નેતાઓ અને એકનાથ શિંદે જૂથના નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે સમૃદ્ધિ એક્સપ્રેસવેએ રાજ્યની સમૃદ્ધિનો દરવાજો ફરી ખોલી નાખ્યો હોવાનો દાવો કર્યો હતો. નાગપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એના પરથી એવું પ્રતીત થયું છે કે સમૃદ્ધિ એક્સપ્રેસવેના ઉદ્ઘાટનમાં બીજેપી, એકનાથ શિંદે અને રાજ્ય સરકારે એક રીતે શક્તિપ્રદર્શન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નાગપુરમાં એકસાથે મેટ્રો, વંદે ભારત ટ્રેન અને નાગપુર એઇમ્સની સાથે નાગપુર-મુંબઈ વચ્ચેના એક્સપ્રેસવેના પહેલા તબક્કાનું ઉ્દઘાટન કર્યું હતું. આ સિવાય વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથે વિદર્ભ અને આસપાસના વિસ્તારોના વિકાસ માટેના ૭૫ હજાર કરોડ રૂપિયાનાં વિવિધ કામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને મેટ્રો ટેનમાં મુસાફરી કરીને સ્થાનિક વિદ્યાર્થીઓ અને કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી હતી.
ADVERTISEMENT
એકનાથ શિંદે શિવસેનામાં બળવો કર્યા બાદ બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બન્યા હતા. એકનાથ શિંદે અને બીજેપીનો સામનો કરવા માટે ઉદ્ધવ ઠાકરેએ લોકોનું સમર્થન મેળવવા વિવિધ જગ્યાએ સભાઓ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. આવી જ રીતે કૉન્ગ્રેસે ભારત જોડો યાત્રા દ્વારા મહારાષ્ટ્રમાં એક રીતે પક્ષને મજબૂત કરવા માટેના પ્રયાસ કર્યા હતા. આ બંને પક્ષ અને એનસીપીને ટક્કર આપવા માટે એકનાથ શિંદે અને બીજેપીએ નાગપુરમાં વિવિધ કાર્યક્રમોનું એકસાથે આયોજન કરીને ગઈ કાલે શક્તિપ્રદર્શન કર્યું હતું.
ગઈ કાલે નાગપુરમાં નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન એક શિશુને પોતાના ખોળામાં લઈને રમાડ્યું હતું
ભાષણની શરૂઆત મરાઠીમાં કરી
નાગપુરમાં આયોજિત જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભાષણની શરૂઆત મરાઠીમાં કરી હતી અને રાજ્યના વિકાસનાં કામોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવાનો આનંદ થઈ રહ્યો હોવાનું કહ્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે ‘આજે સંકષ્ટી છે. કોઈ પણ શુભ કામ કરતાં પહેલાં ગણેશપૂજન થાય છે. આજે નાગપુરમાં ટેકડીના ગણપતિબાપ્પાને મારા વંદન.’
વડા પ્રધાને મરાઠીમાં સંબોધન કરતાં ઉપસ્થિતોએ તાળીઓ વગાડીને અભિવાદન કર્યું હતું.
૭૫મા વર્ષના અમૃત મહોત્સવમાં ૭૫ હજાર કરોડનાં કામ
વડા પ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘અત્યારે આપણે સ્વતંત્રતાના ૭૫મા વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. મહારાષ્ટ્ર અને રાજ્યની જનતા માટે આજે હું ૭૫ હજાર કરોડ રૂપિયાનાં ડેવલપમેન્ટ કામની જાહેરાત કરી રહ્યો છું. આજના આ વિકાસ કામથી ડબલ એન્જિનની સરકાર રાજ્યમાં ખૂબ જ વેગથી કામ કરી રહી છે. સમૃદ્ધિ એક્સપ્રેસવે નાગપુર અને મુંબઈને જોડતો હોવાની સાથે એ રાજ્યના ૨૪ જિલ્લાને જોડે છે. આથી ખેડૂતો, સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગોને મોટો ફાયદો થશે તથા રોજગારની તકો ઊભી થશે.’
શૉર્ટકટનું રાજકારણ કરનારાઓથી સાવધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરે પર આડકતરી રીતે નિશાન તાકતાં ભાષણમાં કહ્યું હતું કે ‘હું આજે મહારાષ્ટ્ર અને દેશભરના લોકોને ભારતીય રાજકારણમાં નવેસરથી પ્રવેશેલી એક વિકૃતિથી સાવધ રહેવા કહું છું. આ વિકૃતિ એટલે શૉર્ટકટનું રાજકારણ. દેશના કેટલાક નેતાઓ શૉર્ટકટનું રાજકારણ કરીને દેશની તિજોરી અને કરદાતાઓની કમાણીને ઉડાવી રહ્યા છે. આવા સ્વાર્થી રાજકારણને લીધે ભારતને મોટું આર્થિક નુકસાન થવાનું જોખમ છે. આથી કોઈ પણ મૂળભૂત પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં લાંબા ગાળાનું પ્લાનિંગ અને શાશ્વત વિકાસનો દૃષ્ટિકોણ હોવો જોઈએ.’
પ્રોજેક્ટ ખોરંભે ચડવાથી મોટું આર્થિક નુકસાન
વડા પ્રધાને કોઈ પ્રોજેક્ટ ખોરંભે ચડે તો કેટલું નુકસાન થાય છે અને લોકોને સુવિધા માટે કેટલી રાહ જોવી પડે છે એ માટે મહારાષ્ટ્રના ગોસીખુર્દ પ્રોજેક્ટનો દાખલો આપતાં કહ્યું હતું કે ‘આ યોજનાનું ખાતમુહૂર્ત ૩૦થી ૩૫ વર્ષ પહેલાં કરવામાં આવ્યું ત્યારે ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જોકે અસંવેદનશીલ રીતે કામ કરવાને લીધે આ ડેમનું કામ અનેક વર્ષ રખડ્યું હતું. હવે આ ડેમના પ્રોજેક્ટનો ખર્ચ ૧૮ હજાર કરોડ થઈ ગયો છે. ડબલ એન્જિનની સરકાર હવે આ પ્રોજેક્ટને આગળ વધારવાનું કામ કરી રહી છે.’
શૉર્ટકટની રાજનીતિ કરતા પક્ષો જનતાના રૂપિયાનો ઉપયોગ પોતાની મતબૅન્ક ઊભી કરવામાં અને ભ્રષ્ટાચાર માટે કરતા હોવાનો આરોપ પણ આ સમયે વડા પ્રધાને મૂક્યો હતો. અરવિંદ કેજરીવાલની રેવડી સંસ્કૃતિથી પણ લોકોને સાવધ રહેવા તેમણે કહ્યું હતું.
ગુજરાતની જનતાએ શાશ્વત વિકાસને સમર્થન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં તાજેતરમાં પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ઐતિહાસિક વિજયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૨૭ વર્ષથી બીજેપીની સરકાર છે અને સતત વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત જ નહીં, દેશભરની જનતા શૉર્ટકટના રાજકારણને બદલે હવે શાશ્વત વિકાસને સમર્થન આપી રહી છે. ગુજરાતની ચૂંટણીનું રિઝલ્ટ શાશ્વત વિકાસને લોકોના મળી રહેલા સમર્થનનું ઉદાહરણ છે.’
ફડણવીસે મૂકેલો વિશ્વાસ ફળ્યો
મુંબઈ-નાગપુર વચ્ચેના હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ એક્સપ્રેસવેનું ગઈ કાલે વડા પ્રધાનના હાથે ઉદ્ઘાટન થયું ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરેલા ભાષણમાં કહ્યું હતું કે ‘તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મારા પર વિશ્વાસ મૂક્યો હતો એટલે સમૃદ્ધિ એક્સપ્રેસવેની યોજના આગળ વધી હતી. આજે અમે બંને સાથે છીએ અને આ હાઇવેનું લોકાર્પણ થઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે. અમે બંનેએ આ હાઇવેનું કામ શરૂ કરેલું અને આજે અમારા જ કાર્યકાળમાં એ જનતા માટે ખુલ્લો મુકાઈ રહ્યો છે. આ કામમાં ઘણી મુશ્કેલીઓ આવી. લોકો જમીન ન આપે એ માટે અનેક લોકોએ વિરોધ કર્યો. જોકે અમે ખેડૂતોને વિશ્વાસમાં લઈને કામ પૂરું કર્યું. જમીન સંપાદન કરવાનું કામ રેકૉર્ડ સમયમાં થયું. અમે આ હાઇવે માટે જરૂરી તમામ કાળજી રાખી છે. આ ઇકો-ફ્રેન્ડ્લી હાઇવે હોવાથી ૧૧ લાખ વૃક્ષો રોપવામાં આવશે. ૧૨૦૦થી વધુ ખેતતળાવ બનાવ્યાં. જંગલનાં પ્રાણીઓને પણ ધ્યાનમાં રાખીને અન્ડરપાસ બનાવાયા છે. અત્યારે નાગપુરથી શિર્ડી સુધી હાઇવે તૈયાર થઈ ગયો છે. આગામી દસ મહિનામાં મુંબઈ સુધી હાઇવે કનેક્ટ થઈ જશે. રાજ્યનું ભાગ્ય બદલનારો આ હાઇવે છે. ટેસ્ટ-ડ્રાઇવ વખતે દેવેન્દ્ર ફડણવીસે કાર ચલાવી ત્યારે પેટનું પાણી પણ નહોતું હલ્યું એટલો સરસ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.’