કાળારામ મંદિરમાં પૂજા કરીને નરેન્દ્ર મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યાં
મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાળારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા.
મુંબઈ ઃ શ્રીરામજન્મભૂમિ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ નિર્માણ કરવામાં આવેલા રામલલ્લા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા છે એમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાથી તેમણે આ દિવસે નાશિકમાં આવેલા કાળારામ મંદિરમાં પૂજા કરવાની જાહેરાત કરી હતી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નાશિકની મુલાકાત કરવાની સાથે કાળારામ મંદિરમાં પૂજા-અર્ચના કરતાં ઉદ્ધવ ઠાકરેના પ્લાનિંગ પર ઝાડુ ફેરવી દીધું હોવાનું કહેવાય છે. હવે ઉદ્ધવ ઠાકરે કાળારામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ પૂજા કરશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે.
અહીંના કાળારામ મંદિરનું ધાર્મિક અને સામાજિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અહીં પૂજા કરી હતી. એટલું જ નહીં, તેમણે મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઝાડુ અને પોતું માર્યું હતું. આમ કરીને તેમણે ઉદ્ધવ ઠાકરેના કાળારામ મંદિરમાં પૂજા કરવાના આયોજન પર ઝાડુ ફેરવી દીધું હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ભૂતકાળમાં એટલે કે ૧૯૩૦ના સમયમાં મંદિરોમાં સમાજના કેટલાક વર્ગને પ્રવેશ નહોતો અપાતો. આથી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સમાજસુધારક સાને ગુરુજીએ તમામ વર્ગના લોકોને મંદિરોમાં પ્રવેશ મળે એ માટેનાં આંદોલન શરૂ કર્યાં હતાં. ત્યાર બાદ પશ્ચિમ ભારતમાં આ માગણીએ જોર પકડ્યું હતું. કાળારામ મંદિરમાં બધાને પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ હતી એટલે આ મંદિર ધાર્મિકની સાથે સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. આથી અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થવા માટેનું આમંત્રણ ન મળતાં ઉદ્ધવ ઠાકરેએ ૨૨ જાન્યુઆરીએ કાળારામ મંદિરમાં પૂજા કરવાની સાથે ૨૩ જાન્યુઆરીએ નાશિકમાં રૅલી કાઢવાનો પ્લાન બનાવ્યો છે. જોકે વડા પ્રધાને ઉદ્ધવ ઠાકરે તેમનો કાર્યક્રમ કરે એના દસ દિવસ પહેલાં જ નાશિકમાં ધાર્મિક કાર્યક્રમ કરી નાખ્યો છે.
વડા પ્રધાને નાશિકમાં કાળારામ મંદિરમાં પૂજા કરવાની સાથે રામકુંડ પરિસરની પણ મુલાકાત કરી હતી. અહીં તેમનું બ્રાહ્મણોએ ચાંદીનો કુંભ અને પાઘડી આપીને સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને રામકુંડમાં જળપૂજન કરીને ભારતને વિકસિત કરવા માટેનો સંકલ્પ કર્યો હતો.
ADVERTISEMENT
રામકુંડ ગોદાવરી નદી પરનો મહત્ત્વનો ધાર્મિક કુંડ છે. હિન્દુ ધર્મમાં આ કુંડને પવિત્ર માનવામાં આવે છે. અહીં સ્નાન કરવાથી પાપમુક્ત થતા હોવાની માન્યતા છે. સમુદ્રમંથન વખતે અમૃત કળશમાંથી કેટલાંક ટીપાં અહીં પડ્યાં હતાં એટલે રામકુંડ પવિત્ર બન્યો હોવાનું કહેવાય છે. નાશિકમાં દર બાર વર્ષે પૂર્ણ કુંભમેળો ભરાય છે. આથી પણ રામકુંડનું મહત્ત્વ છે.