Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારને તેમના ગઢમાં ઘેરવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે

શરદ પવારને તેમના ગઢમાં ઘેરવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે

Published : 03 December, 2023 09:37 AM | Modified : 03 December, 2023 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારે બારામતીથી પોતાનો ઉમેદવાર આપવાની જાહેરાત કર્યા બાદ બીજેપીએ સુનેત્રા પવાર અથવા પવાર પરિવારમાંથી કોઈ મેદાનમાં ઊતરે તો વિજયી કરવા તાકાત લગાવવાનું કહ્યુ

શરદ પવાર

શરદ પવાર


મહારાષ્ટ્રમાં એનસીપીના ચાર સાંસદ છે. એમાંથી ત્રણ અત્યારે શરદ પવાર જૂથમાં અને એક અજિત પવાર જૂથમાં છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ બારામતી સહિત ચારેય લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ સાથે જ લાંબા સમયથી શરદ પવારને તેમના ગઢમાં જ પરાસ્ત કરવા માટેનો પ્રયાસ કરી રહેલી બીજેપીએ પણ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર મેદાનમાં ઊતરે તો તેમને વિજયી કરવા માટે પૂરી તાકાત લગાવવાનું કહ્યું છે. પવાર પરિવારના સભ્યને ટિકિટ આપવામાં આવે તો બીજેપી બારામતીમાં પોતાનો દાવો જતો કરવા પણ તૈયાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.


નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે લોકસભાની ચાર બેઠક લડવાની જાહેરાત કર્યા બાદ રાજકીય હિલચાલને વેગ મળ્યો છે. બારામતી, સાતારા, શિરુર અને રાયગડ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત અજિત પવારે કરી છે. અજિત પવારે કાકા શરદ પવારને તેમના ગઢમાં જ ઘેરવાનો નિર્ણય લીધો છે ત્યારે બીજેપીએ પણ શરદ પવારને ઘરભેગા કરવા માટે બારામતીની બેઠક પરનો દાવો જતો કરીને જો પવાર પરિવારમાંથી સુનેત્રા પવાર કે બીજી કોઈ વ્યક્તિને ટિકિટ ફાળવવામાં આવે તો તેને વિજયી બનાવવા માટે પૂરી તાકાત લગાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.



જોકે લોકસભાની ચૂંટણી માટેની બેઠકોની ચર્ચા હજી સત્તાધારી પક્ષોમાં ચાલી રહી છે એટલે બારામતીમાં શરદ પવારને ઘેરવા માટે કોને ટિકિટ આપવામાં આવશે એ વિશે કોઈ ખૂલીને નથી બોલતું. અજિત પવારે પણ બીજેપી અને એકનાથ શિંદે જૂથ સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવાનું કહ્યું છે.


સુપ્રિયા સુળે વિરુદ્ધ સુનેત્રા પવાર
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર રાજકારણમાં સક્રિય નથી, પણ તેઓ આડકતરી રીતે સામાન્ય જનતા અને મહિલાઓ સાથે જોડાયેલાં છે. તાજેતરમાં તેમનો બર્થ-ડે હતો ત્યારે પુણેમાં બૅનર લાગ્યાં હતાં એમાં સંસદભવનના ફોટો લગાવવામાં આવ્યા હતા. આથી આગામી ચૂંટણીમાં સુનેત્રા પવાર રાજકારણમાં સક્રિય થવાની ચર્ચા શરૂ થઈ છે. બીજેપી દ્વારા પણ મિશન બારામતી હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુપ્રિયા સુળેને ટક્કર આપવા માટે સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવામાં આવે એવી ચર્ચા થોડા સમય પહેલાં શરૂ થઈ હતી, પરંતુ અજિત પવારે એ સમયે આવો કોઈ વિચાર ન હોવાનું કહ્યું હતું. 

૩૫ વર્ષથી બારામતી શરદ પવારનો ગઢ
બારામતી લોકસભા બેઠક શરદ પવાર પાસે ૧૯૮૪થી છે. ખુદ શરદ પવાર અહીંથી ૧૯૯૪, ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪માં તો સુપ્રિયા સુળે ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ચૂંટાઈ આવ્યાં છે. આમ આ લોકસભા બેઠકમાં શરદ પવારની ૩૫ વર્ષથી પકડ છે. આ લોકસભા બેઠકમાં બારામતી, ઇંદાપુર, દૌંડ, પુરંદર હવેલી, ખડકવાસલા અને ભોર-વેલ્હા એમ છ વિધાનસભા આવેલી છે. આ છ વિધાનસભામાંથી બે બીજેપી, બે કૉન્ગ્રેસ અને બે એનસીપી પાસે છે. અજિત પવાર બારામતીના વિધાનસભ્ય છે. તેમની સાથે વિધાનસભ્ય દત્તાત્રય ભરણે છે. કૉન્ગ્રેસના વિધાનસભ્ય સંજય જગતાપ અજિત પવારના સહયોગથી વિજયી થયા છે. કૉન્ગ્રેસના વિધાનસભ્ય સંગ્રામ થોપટેના શરદ પવાર સાથેના સંબંધ સારા નથી. આથી બારામતી લોકસભાની બેઠકમાં અજિત પવાર જો તેમના પરિવારના સભ્યને મેદાનમાં ઉતારે તો તેમને બીજેપીનો સહયોગ તો મળશે જ, પણ કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓનો સાથ પણ મળી શકે છે એટલે શરદ પવારની તુલનાએ તેમનું પલડું ભારે રહી શકે છે.


૨૦૧૪ અને ૨૦૧૯માં ટક્કર મળેલી
બીજેપીના વિધાનસભ્ય રાહુલ કુલનાં પત્ની કાંચન કુલને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ સુપ્રિયા સુળેની સામે ઉતાર્યાં હતાં. સુપ્રિયા સુળે ૧,૫૫,૭૭૪ મતના તફાવતની વિજયી થયાં હતાં. ૨૦૧૪માં મહાદેવ જાનકરે સુપ્રિયા સુળેને સારી ટક્કર આપી હતી. તેમનો માત્ર ૫૯,૬૬૬ મતથી પરાજય થયો હતો. આગામી લોકસભા ચૂંટણીમાં સુનેત્રા પવાર મેદાનમાં આવે તો બીજેપીના સહયોગથી તેઓ સુપ્રિયા સુળે પર ભારે પડી શકે છે. સુનેત્રા પવાર એન્વાયર્નમેન્ટલ ફોરમ ઑફ ઇન્ડિયા, હાઈ-ટેક ટેક્સટાઇલ પાર્ક કાપડ ઉદ્યોગ તેમ જ ગ્રામ સ્વચ્છતા, સ્માર્ટ વિલેજ, પર્યાવરણ સંતુલિત ગામ વગેરેના માધ્યમથી સામાન્ય જનતા અને ખાસ કરીને મહિલાઓના સંપર્કમાં છે.

શરદ પવાર જૂથ ૧૪થી ૧૫ લોકસભા બેઠક લડશે
એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલે પત્રકારો સાથે ગઈ કાલે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘શરદ પવાર જૂથ આગામી લોકસભાની ચૂંટણીમાં ૧૪થી ૧૫ બેઠક લડશે. અમરાવતી, ભંડારા, બારામતી, સાતારા, શિરુર, રાયગડ, રાવેર, દિંડોરી સહિતની બેઠકોમાં પોતાના ઉમેદવાર ઉતારવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે એ માટે અમારી તૈયારી પૂરી થઈ છે.’

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2023 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK