સીએસએમટીનું જબરદસ્ત મેકઓવર કરીને મેટ્રો-11, હાર્બરલાઇન અને જીપીઓ સુધી વિસ્તૃત થનારો ઈસ્ટર્ન ફ્રીવે એમ આ ત્રણેને એક જ જગ્યાએ જોડતા મલ્ટિ-હબને વિકસાવવા માટે હાલમાં જુદા-જુદા વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે
(ઉપર)સીએસએમટીમાં પાર્ક સંખ્યાબંધ ટ્રેનો. (નીચે) પી. ડિ મેલો રોડ પર સીએસએમટીનું પ્રવેશદ્વાર, જ્યાં સ્ટેશનની કાયાપલટ થશે
ઐતિહાસિક સીએસએમટી સ્ટેશનમાં જ મેટ્રો ટ્રેનનો સમાવેશ કરવા માટેના પ્લાન પર અત્યારે રેલવે વિભાગ કામ કરી રહ્યો છે. આ પ્લાનમાં સીએસએમટીની સીમચિહ્નરૂપ ઇમારતનું વિસ્તરણ કરીને એક વિશાળ મેટ્રો પણ લોકલ ટ્રેનના ટર્મિનસમાં બદલવાનો વિચાર છે. આ ઐતિહાસિક સ્ટેશનની કાયાપલટનો અંદાજ ૧૬૦૦ કરોડ જેટલો મંડાય છે.
રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે સામે રજૂ કરવામાં આવેલા પ્લાન પ્રમાણે મુંબઈ રેલવેની હાર્બરલાઇન અને મેટ્રો લાઇનને એક મલ્ટિ-મૉડલ હબમાં ભેગા કરીને લોકો માટે અવરજવરને સરળ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવું મથક સ્ટેશનના પૂર્વ ભાગમાં પી. ડિ’મેલો રોડની સમાંતર તૈયાર કરવામાં આવશે. રેલવે, પોર્ટ ટ્રસ્ટ, એમએમઆરડીએ અને બીએમસીના ઉચ્ચાધિકારીઓની મીટિંગમાં રેલવે રાજ્યમંત્રીએ આ પ્લાનની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
સૂત્રોએ એવું જણાવ્યું છે કે મેટ્રો, હાર્બરલાઇન અને ઈસ્ટર્ન ફ્રી-વે વચ્ચેની અવરજવરને સરળ બનાવે એવા વિશાળ મથકનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે.
આ પ્લાન પ્રમાણે એકબીજા સાથે સંકળાયેલા ડેક બનાવીને મુસાફરોની આવ-જાને વ્યવસ્થિત કરવામાં આવશે. હાર્બર રેલવે પ્લૅટફૉર્મને પૂર્વમાં ખસેડવામાં આવી શકે છે. આ પ્લાન મુજબ સીએસએમટીમાં હાર્બરલાઇન, મુંબઈ મેટ્રો-11 લાઇન અને ઈસ્ટર્ન ફ્રીવે વગેરેના ત્રણ સમાંતર કોરિડોર હશે. હાર્બરલાઇન, મુંબઈ મેટ્રો-11 અને જીપીઓ સુધી વિસ્તારનારા ઇસ્ટર્ન ફ્રી-વે એ ત્રણેય માટે નવું સીએસએમટી એક જોડાણ-કેન્દ્ર સમાન હશે.
શું છે પ્લાન?
આ પ્લાનમાં હાર્બરલાઇનને દિશા બદલી ડોકયાર્ડ સ્ટેશનથી નવા સેન્ડહર્સ્ડ રોડ અને નવા મસ્જિદ બંદર સ્ટેશનને સમાવી પી. ડિ’મેલો રોડની સમાંતરે થઈને સીધો સીએસએમટી પહોંચાડવાનું આયોજન છે. મુંબઈ મેટ્રોની લાઇન પણ આ કોરિડોરની સમાંતર ચાલીને દક્ષિણ મુંબઈ સાથે વડાલાને જોડશે.
પહેલો વિકલ્પ
આ માટે અત્યારના પી ડી’મેલો રોડ પર જ હાર્બરલાઇન તૈયાર કરવા માટેની કામગીરી કરી શકાય એમ છે. એમાં બહુ વધારે જમીન પણ સંપાદિત નહીં કરવી પડે.
ઍડવાન્ટેજ
* અત્યારે ઉપલબ્ધ જમીન અને જગ્યાનો મહત્તમ અને શ્રેષ્ઠત્તમ ઉપયોગ થશે.
* રાહદારીઓ માટે ચાલવાનું અંતર ઘટી જશે.
* ત્રણ મહત્ત્વની લાઇનોને જોડતું એક મથક બનશે, જ્યાં રાહદારીઓ-મુસાફરો માટે ઉત્તમ સુવિધાઓ હશે.
ડિસઍડવાન્ટેજ
* અત્યંત ખીચોખીચ બાંધકામો અને ગીચતા રહેશે.
* રેલવેલાઇન સાથે ઈસ્ટર્ન ફ્રીવે પસાર કરવામાં મોટી સંખ્યામાં લોકોને સમાવવા વધારાની જગ્યાની જરૂર પડશે.
* બાંધકામ અને કામગીરી ચાલુ રહેશે ત્યાં સુધી અહીં ચાલતી નાગરિકી પ્રવૃત્તિ ઓ માટે ખૂબ અસુવિધા ઊભી થશે.
બીજો વિકલ્પ
બીજો વિકલ્પ હાર્બરલાઇનનું બાંધકામ પોર્ટ ટ્રસ્ટની જમીન પર કરવામાં આવે એવો છે.
ઍડવાન્ટેજ
* વસ્તી ન હોવાથી બાંધકામ સહેલાઈથી થઈ શકશે. પોર્ટ ટ્રસ્ટની જમીન પણ દાવારહિતની છે.
* અન્ડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો લાઇન-11, જમીન પર ઇસ્ટર્ન ફ્રી-વે અને હાર્બરલાઇનની સમાંતરે ગોઠવણ થઈ શકે એમ છે.
ડિસઍડવાન્ટેજ
* પોર્ટ સંબંધિત પ્રવૃત્તિઓને અસર થઈ શકે છે અને ભવિષ્યમાં પોર્ટ ખાલી કરવામાં આવે તો વિકાસની સંભાવના ધરાવતી જમીનનું નુકસાન થઈ શકે છે.
* લાઇન-11ના અન્ડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર અને જમીન પરની ગોઠવણી વચ્ચે અત્યંત ઉત્તમ દરજ્જાનું સંકલન સધાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
* મેટ્રો, રોડ અને રેલ ત્રણેયની ગોઠવણ કરવાની હોવાથી એકેએક કામને તબક્કાવાર ગોઠવવા અત્યંત મુશ્કેલ છે.
* સ્ટેશને પહોંચવા માટે રાહદારીઓએ લાંબું અંતર કાપવું પડશે.
એક્સપર્ટ શું કહે છે?
મુંબઈ મોબિલિટી ફૉરમ અને મુંબઈ વિકાસ સમિતિ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટના નિષ્ણાત એ. વી. શેણોય કહે છે, ‘ટૂંકા અંતર માટે હાર્બર અને મેટ્રો લાઇનને સમાંતરે દોડાવવાથી બહુ ફાયદો નહીં થાય. પોર્ટની પ્રવૃત્તિઓ ઓછી થશે એમ હાર્બરલાઇનનો ઉપયોગ માત્ર નવી મુંબઈના મુસાફરો માટે રહેશે. જ્યારે મેટ્રોનો ઉપયોગ થાણે-કાસરવડવલી-ગાયમુખ તરફ જતા મુસાફરો માટે રહેશે. આ પ્લાનના અમલ પહેલાં મેટ્રો ટ્રેન આવ્યા પછી મુસાફરોની ટ્રાવેલ પૅટર્ન કેવી હશે એ વિશે વ્યાપક અભ્યાસ થવો જરૂરી છે.’
પબ્લિક પૉલિસી (ટ્રાન્સપોર્ટ)ના નિષ્ણાત પરેશ રાવલ જણાવે છે કે ‘પરિવહનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલાં કેન્દ્રો અને આયોજન ખૂબ જરૂરી છે. તમામ વિકસિત દેશોએ તેમનું જાહેર પરિવહન આ જ રીતે આયોજિત કર્યું છે. આપણે આ બાબતે ઘણા મોડા છીએ, પણ અંતે એ દિશામાં પગલું ભરી રહ્યા છીએ એ આનંદની વાત છે. મોટા ભાગના દેશોમાં પરિવહનના એવા વિભાગો હોય છે, જે સબઅર્બન ટ્રેનો, મેટ્રો અને બસ વગેરેનું સંચાલન કરે, આપણે ત્યાં જુદી-જુદી એજન્સીઓ છે, જે પોતપોતાની રીતે કામ કર્યે જાય છે. અલબત્ત, આવાં કેન્દ્રોના નિર્માણ સાથે આવશ્યક માળખા અંગે આયોજન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે આ નિર્માણ સાથે મુસાફરો-રાહદારીઓની સંખ્યા અનેકગણી વધી જશે. આવા આયોજનને કુશળતાપૂર્વક પાર પાડવા જરૂરી છે, જેથી એલ્ફિન્સ્ટન રોડ જેવી હોનારતને ખાળી શકાય.’