મલાડ અને દેવનારમાં શરૂ કરવામાં આવશે પ્રાણીઓ માટેનાં સ્મશાનગૃહ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરમાં અને ઉપનગરોમાં પાળેલાં અને રોડ પર રખડતાં-રઝળતાં પ્રાણીઓ માટે દફનના કે અંતિમસંસ્કાર આપવા માટેના સ્મશાનનો અભાવ છે. આથી પ્રાણીના માલિકો માટે તેમનાં પ્રાણીઓને અંતિમ વિદાય આપવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. આથી મુંબઈમાં પ્રાણીઓ માટે સ્મશાનગૃહ હોવું જોઈએ એવી માગ ઘણાં વર્ષોથી કરવામાં આવી રહી છે.
જોકે આ સંદર્ભમાં મહાનગરપાલિકા કહે છે કે મુંબઈમાં મલાડ અને દેવનાર એમ બે ઉપનગરોમાં એપ્રિલ મહિનામાં પ્રાણી માટે સ્મશાનગૃહ શરૂ થઈ જશે. આ સિવાય મહાલક્ષ્મીમાં પણ એક પ્રાણી માટેનું સ્મશાનગૃહ આકાર પામી રહ્યું છે.
ADVERTISEMENT
આમ તો પ્રાણીઓ માટેના સ્મશાનગૃહની માગ ખૂબ જ જૂની છે, પરંતુ બે દિવસ પહેલાં આ માગ ફરીથી શરૂ થઈ હતી. વાત એવી બની કે ઘાટકોપર (ઈસ્ટ)ના રહેવાસી ભરત પારેખનો ડૉગી લાલુ ૧૨ નવેમ્બરે ગંભીર રીતે બીમાર પડ્યો હતો. ભરત પારેખના પરિવારને ચિંતા થઈ કે તેમનો ડૉગી મૃત્યુ પામશે તો એના અંતિમસંસ્કાર ક્યાં કરીશું. તેમણે તેમના ડૉગીને ગોવંડીની પ્રાણીની હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. બે દિવસમાં ડૉગીનું મૃત્યુ થયું હતું.
આ માહિતી આપતાં ભરત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નસીબજોગે અમારા ડૉગીનું મૃત્યુ હૉસ્પિટલમાં થવાથી હૉસ્પિટલે એના અંતિમસંસ્કાર કરી લીધા હતા. જોકે એનાથી એ સવાલનો અંત નહોતો આવ્યો કે રસ્તા પરનાં કે પાળેલાં પ્રાણીઓ મૃત્યુ પામે તો એમના અંતિમસંસ્કાર ક્યાં કરવા. મારા ડૉગીના મૃત્યુ પછી મેં મ્યુનિસિપલ કૉર્પોરેશનને અને સ્થાનિક વિધાનસભ્યને પત્ર લખી વિનંતી કરી હતી કે દરેક વિધાનસભા વિસ્તારમાં પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિની સુવિધા હોવી જોઈએ. જોકે મારા જેવી માગણી વર્ષો પહેલાંથી અનેક પ્રાણીપ્રેમીઓ કરી ચૂક્યા છે. આમ છતાં આજદિન સુધી આ બાબતમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રાણીના માલિકો લાઇસન્સ ફી ભરતા હોવા છતાં મહાનગરપાલિકા પ્રાણીઓના અંતિમસંસ્કાર માટે સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી.’
મુંબઈમાં માણસો માટે ઘણાં કબ્રસ્તાન અને સ્મશાનગૃહો છે, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે ફક્ત એક જ અંતિમ વિદાય સ્થાન પરેલમાં છે. પરેલમાં પ્રાણીઓની ૧૪૦ વર્ષ જૂની સાકરબાઈ દિનશૉ પેટિટ હૉસ્પિટલમાં એક ઇલેક્ટ્રિક સ્મશાન છે. એવું પણ જાણવા મળે છે કે અનેક લોકો તેમનાં પ્રાણીઓના મૃતદેહને દફનાવવા કે એના અંતિમસંસ્કાર કરવા માટે કારમાં અઠવાડિયાંઓ સુધી રખડ્યા પછી માણસોની સ્મશાનભૂમિમાં વધુ રૂપિયા આપીને અંતિમસંસ્કાર કરે છે, જે આરોગ્ય માટે જોખમી છે. આથી જ એક પારસી સ્મશાનભૂમિમાં પ્રાણીઓના મૃતદેહને દફનાવવાની બાબતે થોડા મહિના પહેલાં જ વિવાદ સર્જાયો હતો.
નાગરિકોની જોરદાર માગણી પછી મહાનગરપાલિકાએ કૂતરા અને બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓ માટે દેવનાર, મલાડ અને મહાલક્ષ્મીમાં એમ ત્રણ પ્રાણીઓનાં સ્મશાનગૃહ બાંધવાની શરૂઆત કરી છે. આ સ્મશાનગૃહો નૅચરલ ગૅસથી સંચાલિત હશે.
આ બાબતની માહિતી આપતાં દેવનારના વેટરનિટીના જનરલ ડિરેક્ટર ડૉ. યોગેશ શેટ્યેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ મુંબઈમાં ત્રણ પર્યાવરણને અનુકૂળ સ્મશાનગૃહ વિકસાવવાની યોજના બનાવી હતી. હાલમાં પ્રાણીના માલિકો જે રીતે તેમનાં પાલતુ પ્રાણીઓના અંતિમસંસ્કાર કરે છે એ રીત સાચી છે કે ખોટી એનો કોઈને અભ્યાસ નથી. જોકે મહાનગરપાલિકા દ્વારા દેવનાર અને મલાડમાં એપ્રિલ,૨૦૨૧ સુધીમાં બે ઈકો-ફ્રેન્ડ્લી સ્મશાનગૃહો શરૂ કરવામાં આવશે.’
ડૉ. યોગેશ શેટ્યેએ આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ બન્ને સ્મશાનભૂમિમાં જેનાં લાઇસન્સ હશે એવાં પ્રાણીઓના અંતિમસંસ્કાર વિના મૂલ્યે કરવામાં આવશે. આ બન્ને સ્મશાનભૂમિઓ સ્મોક અને ગંધથી મુક્ત રહેશે. મલાડની સ્મશાનભૂમિમાં ફક્ત નાનાં પ્રાણીઓને અને દેવનારમાં નાનાં-મોટાં બન્ને પ્રાણીઓને અંતિમસંસ્કાર આપવાની સુવિધા કરવામાં આવી છે. રખડતાં પ્રાણીઓ માટે બિનસરકારી સંસ્થાઓએ ડેથ સટિર્ફિકેટ રજૂ કરવું પડશે. હાલમાં પરેલના સ્મશાનગૃહમાં પ્રાણીઓના નજીવા ખર્ચથી અંતિમસંસ્કાર કરવામાં આવે છે, જ્યારે અમુક પ્રાઇવેટ સ્મશાનભૂમિઓ મનફાવે એ રકમ વસૂલ કરે છે.’

