મૅનેજર દ્વારા પૂલ બંધ કરી દેવાયો : કૉન્ટ્રૅક્ટરે ૩ મહિનાથી પગાર ચૂકવ્યો ન હોવાથી લાઇફગાર્ડ-ઇન્સ્ટ્રક્ટર હડતાળ પર
kandivli
કાંદિવલીના સ્વિમિંગ-પૂલના ગેટ પર ઊભા રહીને લાઇફગાર્ડના સપોર્ટમાં નારાબાજી કરીને દેખાવો કરી રહેલા મેમ્બરો.
મુંબઈ : કાંદિવલી-વેસ્ટમાં આવેલા બીએમસીના સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે સવારે સ્વિમિંગ કરવા ગયેલા મેમ્બરોએ ડેલે હાથ દઈને પાછા આવવું પડ્યું હતું. ત્યાંના કૉન્ટ્રૅક્ટરે દસ ઇન્સ્ટ્રક્ટર-લાઇફગાર્ડનો પગાર ચૂકવ્યો ન હોવાથી તેઓ હડતાળ પર ઊતરી ગયા હતા. જો લાઇફગાર્ડ હાજર ન હોય તો સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ કરનારાઓની સેફ્ટીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી મૅનેજરે તકેદારી દાખવી ગઈ કાલે સ્વિમિંગ-પૂલ બંધ કરી દીધો હતો અને એનું સભ્યપદ ધરાવવા છતાં મેમ્બરોએ પાછા ફરવું પડ્યું હતું. રોજ સ્વિમિંગ કરવા આવનારા મેમ્બરોએ પણ મૅનેજરને પત્ર લખીને તેમને પડતી અગવડ બાબતે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં, તેમણે લાઇફગાર્ડના સપોર્ટમાં સ્વિમિંગ-પૂલના ગેટ પર ઊભા રહીને દેખાવો પણ કર્યા હતા અને નારાબાજી કરી હતી.
કાંદિવલીના સ્વિમિંગ-પૂલ પર ગઈ કાલે સવારે રેગ્યુલર સભ્યો પહોંચ્યા ત્યારે ગેટ બંધ જોઈને તેમને આશ્ચર્ય થયું હતું. તપાસ કરતાં તેમને કહેવામાં આવ્યું કે ત્રણ મહિનાથી પગાર મળ્યો ન હોવાથી લાઇફગાર્ડ હડતાળ પર ઊતરી ગયા છે એટલે સ્વિમિંગ-પૂલ બંધ છે. ત્યાર બાદ તેમણે લાઇફગાર્ડને સપોર્ટ આપ્યો હતો અને સ્વિમિંગ-પૂલના ગેટ પર ભેગા મળીને નારાબાજી કરી હતી. કેટલાક સભ્યોએ કહ્યું હતું કે બીએમસી દ્વારા દરેક સભ્ય પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા વાર્ષિક સભ્યપદ-ફી લેવાઈ છે, એમ છતાં જો કૉન્ટ્રૅક્ટર દ્વારા પગાર આપવામાં ન આવે તો એ ખોટું છે.
લાઇફગાર્ડ ધવલ ધરોડે ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘ત્રણ મહિનાથી અમને પગાર નથી મળ્યો. અમે જ્યારે એ માટે કૉન્ટ્રૅક્ટરને પૂછીએ છીએ તો તે કહ્યે રાખે છે કે થોડું થોભો, આપી દઈશ. મને હજી બીએમસી તરફથી જ પૈસા નથી મળ્યા એટલે લેટ થઈ રહ્યું છે. અમને બે મહિનાથી પગાર નથી મળ્યો અને હવે તો ત્રીજો મહિનો પણ ચાલુ થઈ ગયો છે. અમારે ઘર કેમ ચલાવવું?’
સ્વિમિંગ-પૂલનું સભ્યપદ ધરાવતા પ્રણેશ ઇનરકરે કહ્યું હતું કે ‘બીએમસીએ એપ્રિલમાં જ ૧૦૦૦ ફૉર્મ કાઢ્યાં હતાં. હવે ફરી પાછાં ૧૫૦૦ ફૉર્મ વેચ્યાં છે, જેમાંથી ૪૫૦ લોકોએ તો તેમના સભ્યપદ માટેના ૧૦,૧૦૦ રૂપિયા પણ ભરી દીધા છે. આમ બીએમસી પાસે કરોડો રૂપિયા જમા થયા છે તો પછી સ્ટાફનો પગાર કેમ નથી આપતી એ સમજાતું નથી. આજે તેમણે અચાનક જ નોટિસ આપ્યા વગર સ્વિમિંગ-પૂલ બંધ કરી દીધો. તેમણે પગાર નથી આપ્યો એટલે અમારું સ્વિમિંગ કરવાનું બંધ થઈ ગયું. આજે તો સ્વિમિંગ કરવાનું નથી મળ્યું, હવે આવતી કાલે શું થાય છે એ જોઈએ.’
બીએમસીના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘જો અમારો પગાર એકાદ-બે દિવસ મોડો આવે તો અમે તકલીફમાં મુકાઈ જતા હોઈએ છીએ તો આ લોકોને તો બે મહિનાથી પગાર નથી મળ્યો અને હવે તો ત્રીજો મહિનો શરૂ થઈ ગયો. તેમની પાસે તો આવવા-જવાના પૈસા પણ નથી. તો એ લોકો શું કરે?’