અનેક ઘરમાં કમર સુધી તો અનેક ઘરમાં આઠથી દસ ફુટ પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : બીએમસીના ‘એલ’ વૉર્ડ (કુર્લા) હેઠળ આવતા ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ બેથી અઢી વાગ્યા દરમિયાન વર્ષો જૂની બ્રિટિશ સમયની ૭૨ ઇંચની મોટી પાઇપલાઇન ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ઘરમાં કમર સુધી તો અનેક ઘરમાં આઠથી દસ ફુટ પાણી ભરાઈ જવાથી લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. અસલ્ફાનો એ વિસ્તાર પહાડ પર આવ્યો હોવાથી અને ત્યાં બેઠી ચાલીઓ અને ગ્રાઉન્ડ પ્લસ વનનાં સ્ટ્રક્ચર્સ હોવાથી નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ માળિયા પર આશરો લેવો પડ્યો હતો. રસ્તાનો કેટલોક ભાગ પણ ધસી પડ્યો હતો.
આ બનાવ સંદર્ભે માહિતી આપતાં બીએમસીના ‘એલ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મહાદેવ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતના બનેલી આ ઘટનાને જોઈને અમારા હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અન્ય સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું હતું. સવાર સુધીમાં એ પાઇપલાઇન વેલ્ડિંગ કરીને સાંધી લેવાઈ હતી અને અન્ય લાઇનમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હતું. જોકે હાલ સાવચેતી રાખીને પાણીનું પ્રેશર ઓછું રાખવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં શનિવારે પાણી ઓછું છોડવામાં આવ્યું હતું અને સાથે લોકોને પાણી સાચવીને વાપરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ૭૨ ઇંચની મોટી પાઇપલાઇન હોવાથી પાણીનો ફોર્સ ખૂબ હતો. હવે ત્યાં તરત જ સમારકામ કરાયું હોવાથી પરિસ્થિતિ સુધારા પર છે. એક રસ્તો જે ખોદાઈ ગયો છે એનું કારણ એ કે એ પાઇપલાઇન ફાટી ત્યારે પાણીના ફોર્સે અંદરથી બધું સખળડખળ કરી નાખતાં રોડ પણ ધસી પડ્યો હતો અને મોટો ખાડો પડી ગયો છે. હવે એના વિશે શું કરી શકાય એની એક્સપર્ટ સાથે ચર્ચા કરીને ઉપાય યોજના કરીશું.’