પહેલી જાન્યુઆરીએ યોજાનારી મહારૅલીમાં બધા સમુદાયના લોકો જોડાશે અને મુંબઈથી ગુજરાત સુધી શત્રુંજય તીર્થની રક્ષા કરવાના અવાજને બુલંદ કરશે, પણ જો રવિવાર સુધીમાં સકારાત્મક કાર્યવાહી નહીં થાય તો હવે પછીનો નારો હશે ચાલો જૈનો ગાંધીનગર
મંગળવારે ઘાટકોપર-વેસ્ટના નવરોજી લેન જૈન સંઘમાં પહેલી જાન્યુઆરીની મહારૅલીના આયોજન માટેની શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠન અને ઘાટકોપરના જૈન સંઘોની મીટિંગમાં સ્થાનકવાસી જૈન અગ્રણીઓએ હાજરી આપી હતી.
અનેક જૈન શ્રાવકો-શ્રાવિકાઓ અને સાધુભગવંતોએ આ દિવસે ઉપવાસ, એકાસણાં અને આયંબિલ તપની ઉગ્ર તપશ્ચર્યા કરવાની તૈયારી કરી
મુંબઈ : આજે નહીં તો ક્યારેય નહીં. આપણે બધા જ મહાવીરનાં સંતાનો છીએ. ભાવનગર પાસે આવેલા શત્રુંજય તીર્થ પણ થયેલા હુમલા જિનશાસન પરના હુમલા સમાન છે. આમાં મહાવીરનાં બધાં જ સંતાનો અને સમુદાયોએ આંતરિક વિખવાદ ભૂલીને તીર્થની રક્ષા કાજે યા હોમ કરીને લડત આપવાની છે. તાજેતરમાં થયેલા શત્રુંજય તીર્થ પરના હુમલાને દોઢ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ગુજરાત સરકાર શત્રુંજય તીર્થના મુદ્દે ધીમી ગતિએ પાલિતાણાનાં અસામાજિક તત્ત્વો પર કાર્યવાહી કરી રહી છે. જૈનો દ્વારા પહેલા દિવસથી જ શત્રુંજય તીર્થની પવિત્રતાને જોખમમાં મૂકી રહેલાં તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને સુપ્રીમ કોર્ટના આદેશના અમલીકરણની માગણી કરવામાં આવી રહી છે. આમ છતાં ગુજરાત સરકાર આજ સુધી જૈનોની તરફેણમાં એક પણ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. આ સંજોગોમાં દેશ અને વિદેશના ૧૧૦૦થી વધુ જૈન સંઘો દેશ-વિદેશમાં શત્રુંજય તીર્થની રક્ષાર્થે ગુજરાત સરકારને જગાડવા માટે પહેલી જાન્યુઆરીએ મહારૅલીનું આયોજન કરવાની તડામાર તૈયારી કરી રહ્યા છે. એમાં મુંબઈના છ સંસદસભ્યોનાં ક્ષેત્રોમાં મહારૅલી કાઢવાની શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠન તરફથી હાકલ કરવામાં આવી છે. બે દિવસથી રોજ મુંબઈમાં અલગ-અલગ ક્ષેત્રોમાં જૈનોના દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી સંઘોની સભાઓ શરૂ થઈ ગઈ છે. આ સંઘોના અગ્રણીઓ કહે છે કે જો પહેલી જાન્યુઆરીની દેશ-વિદેશના સંઘોની મહારૅલી પછી પણ ગુજરાત સરકાર અને ગુજરાત પ્રશાસન શત્રુંજય તીર્થની રક્ષાર્થે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમલ નહીં કરે તો હવે પછીની રૅલી ગાંધીનગરમાં યોજાશે.
ADVERTISEMENT
શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠનના ઘાટકોપરના પ્રતિનિધિ કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી મંગળવારની ઘાટકોપરની ધર્મસભાની મીટિંગમાં ઘાટકોપરથી લઈને મુલુંડ સુધીના બધા જ જૈન સંઘોના પ્રતિનિધિઓ મહારૅલીને સફળ કરવાની યોજના ઘડવા હાજર થયા હતા. એમાં તેમણે ઉગ્રતાપૂર્વક શત્રુંજય તીર્થની રક્ષાના માધ્યમથી જિનશાસનની રક્ષાનો નારો લગાડ્યો હતો. અમારી આ સભામાં ઘાટકોપરના સ્થાનકવાસી સમુદાયના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને કહ્યું હતું કે શત્રુંજય તીર્થની રક્ષા એટલે મહાવીરના શાસનની રક્ષા. એમાં દેરાવાસી, સ્થાનકવાસી, દિગમ્બર, તેરાપંથી એવા કોઈ જ ભેદભાવ ન હોય.’
ગિરિરાજ અમારો છે, અમારો જ રહેશે અને એમાં કોઈ પણ અસામાજિક તત્ત્વોની દાદાગીરી અમે ચાલવા નહીં દઈએ એમ જણાવીને ઘાટકોપર શ્વેતામ્બર જૈન તપાગચ્છ સંઘના સક્રિય કાર્યકર ભાવેશ દોશીએ કહ્યું હતું કે ‘અત્યારે મુંબઈનાં છ સંસદ ક્ષેત્રોમાં જૈનો બાંય ચડાવીને તૈયાર થઈ ગયા છે. પાઠશાળાનાં નાનાં બાળકોથી લઈને વૃદ્ધજનોના દિલમાં શત્રુંજય તીર્થની રક્ષા માટે આગની જ્વાળા ભભૂકી રહી છે. અનેક જૈન શ્રાવકો-શ્રાવિકાઓ, સાધુભગવંતોએ પહેલી જાન્યુઆરીએ મહારૅલીની સાથે ઉપવાસ, એકાસણાં, આયંબિલ તપની ઉગ્ર તપશ્ચર્યા કરવાની પણ તૈયારી કરી લીધી છે. આ તપશ્ચર્યામાં નાની ઉંમરનાં બાળકોથી લઈને વૃદ્ધો જોડાવાના છે.’
મહારૅલીના દિવસે મુંબઈના છ સંસદસભ્યોને શત્રુંજય તીર્થની રક્ષાર્થે આવેદનપત્ર આપવામાં આવશે એમ જણાવીને શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠનના ચૅરમૅન અને મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલા નવજીવન સોસાયટી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના અધ્યક્ષ નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બે દિવસથી અલગ-અલગ ક્ષેત્રોમાં મહારૅલીના આયોજનની તૈયારી માટે સંઘોમાં મીટિંગની શરૂઆત કરી દીધી છે. એ મુજબ મુંબઈ પોલીસની રૅલીના માર્ગ માટેની પરવાનગી લઈ લીધી છે. અલગ-અલગ સંસદ ક્ષેત્રોમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાવાના છે. આ જૈનોનું પ્રતિનિધિમંડળ જે-તે ક્ષેત્રમાં જઈ, ત્યાંના સંસદસભ્યને આવેદનપત્ર આપીને શત્રુંજય તીર્થમાં અમારા જૈન સાધુભગવંતો અને અમારા તીર્થ પર થઈ રહેલા હુમલાઓમાં સંકળાયેલા
લોકો પર કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરશે. આ મહારૅલી સમગ્ર મુંબઈમાં બિરાજમાન સાધુભગવંતોની નિશ્રામાં યોજવામાં આવી છે.’
રૅલીના કારણની માહિતી આપતાં નીતિન વોરાએ કહ્યું હતું કે ‘ભાવનગરની બાજુમાં આવેલા જૈનોના શત્રુંજય મહાતીર્થમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર તીર્થ પર અને સાધુભગવંતો પર થતા હુમલાઓ કરવામાં આવે છે તથા તેમણે ગુરુવારે તીર્થ પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને સમગ્ર દેશભરના તીર્થનું સંચાલન કરી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી નાખ્યાં હતાં. આ ઘટનાને એક મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા પછી અને દેશભરમાં જૈન સમાજો દ્વારા આ ઘટનાના વિરોધમાં મહારૅલીઓ યોજ્યા બાદ જૈનોની ઉગ્રતા જોઈને સરકાર અને પોલીસ ઍક્શનમાં આવી હતી.’
જે વિસ્તારના સંસદસભ્ય રવિવારે તેમના ક્ષેત્રમાં ગેરહાજર હશે એ વિસ્તારના જૈન સંઘો ફરીથી તેમના વિસ્તારમાં મહારૅલીનું આયોજન કરશે એમ જણાવીને ભાવેશ દોશીએ કહ્યું હતું કે ‘ઈશાન મુંબઈના સંસદસભ્ય ભારતીય જનતા પાર્ટીના મનોજ કોટક રવિવારે બપોર પછી મુંબઈમાં આવવાના છે. તો આ વિસ્તારમાં અત્યારે પહેલાં ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના જૈન વિધાનસભ્ય પરાગ શાહને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યાર પછી મંગળવારે મુલુંડમાં ફરીથી સંઘો મહારૅલી યોજીને મનોજ કોટકને આવેદનપત્ર સુપરત કરશે. મુંબઈના જૈન સંઘોના જૈનોએ ચાલી રહેલી મહારૅલીની મીટિંગોમાં નિર્ણય લીધો છે કે જો રવિવાર સુધીમાં ગુજરાત સરકાર સકારાત્મક કાર્યવાહી નહીં કરે તો હવે પછીનો નારો હશે ચાલો જૈનો ગાંધીનગર.’