‘અમારી માગણી એ છે કે અમે આરેમાં કોઈ કારશેડ નથી ઇચ્છતા. કાંજુરમાર્ગમાં સરકારી માલિકીની જમીન પર મેટ્રો કારશેડનું બાંધકામ અટકાવવાનું બંધ કરો. સરકારે કાંજુરમાર્ગની જમીન પર ઇન્ટિગ્રેટેડ શેડ બાંધીને આરેના જંગલને બચાવવું જોઈએ.’
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : નવી રાજ્ય સરકારે કારડેપો આરે ખાતે ખસેડવાનો નિર્ણય લેતાં અનેક મુંબઈગરા એનો વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવે એવી શક્યતા છે. સોશ્યલ મીડિયા પર સેવ આરે મૂવમેન્ટ શરૂ થઈ ચૂકી છે. આરે કન્ઝર્વેશન ગ્રુપ સાથે જોડાયેલા એક સભ્યે કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે આપણા જંગલને બચાવવા મુંબઈગરાઓ એક થાય. આજે સવારે ૧૧ વાગ્યે પિકનિક પૉઇન્ટ પર એક શાંતિપૂર્ણ વિરોધ યોજાશે, જેમાં ભાગ લેવા માટે પ્રકૃતિપ્રેમીઓ એકઠા થઈ શકે છે. શાંતિપૂર્ણ વિરોધમાં જોડાવા ઇચ્છતા લોકોએ પોતાનાં પોસ્ટર્સ પોતે જ લાવવાનાં રહેશે.’
એક પ્રકૃતિપ્રેમીએ કહ્યું હતું કે ‘અમારી માગણી એ છે કે અમે આરેમાં કોઈ કારશેડ નથી ઇચ્છતા. કાંજુરમાર્ગમાં સરકારી માલિકીની જમીન પર મેટ્રો કારશેડનું બાંધકામ અટકાવવાનું બંધ કરો. સરકારે કાંજુરમાર્ગની જમીન પર ઇન્ટિગ્રેટેડ શેડ બાંધીને આરેના જંગલને બચાવવું જોઈએ.’
ભારે વિરોધની અપેક્ષાએ પોલીસ વહીવટી તંત્ર ફરી ઍક્શનમાં આવ્યું છે અને આરે મિલ્ક કૉલોનીમાં પિકનિક પૉઇન્ટની નજીક કારશેડની જગ્યા નજીક ભારે પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો.
સોશ્યલ મીડિયા પર અનેક મુંબઈગરાઓ સરકારના પગલાની ટીકા કરી રહ્યા છે, જ્યારે કેટલાક વિકાસતરફી મુંબઈગરાઓએ કારશેડને ફરી આરેમાં સ્થાપિત કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો હતો.