સેકન્ડ ક્લાસની ટિકિટ લેનારો પ્રવાસી આ નેટવર્કમાં પ્રતિ કિલોમીટર ૧૧ પૈસાના દરે સફર કરી શકે છે : ટ્રેનો ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વન ટાઇમ સિંગલ જર્ની ટિકિટ ખરીદનારા પ્રવાસીઓ સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિલોમીટર ૧૧ પૈસા, ફર્સ્ટ ક્લાસમાં ૧.૨૫ રૂપિયા અને ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં ૧.૪૦ રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે પ્રવાસ કરી શકે છે. ઉપનગરીય રેલવે નેટવર્કમાં ટ્રેનો ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને એ દર્શાવે છે કે દુનિયામાં કોઈ પણ સર્વિસમાં આ સૌથી સોંઘો અને સૌથી ઝડપી પ્રવાસ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ સબર્બન નેટવર્કમાં ૫૨,૭૨૪ કરોડ રૂપિયાના ખર્ચે એની કૅપેસિટી વધારવાનાં કામ થઈ રહ્યાં છે.
લોકલ ટ્રેનોમાં જે મન્થ્લી પાસ ખરીદવામાં આવે છે એ તો પ્રવાસને ઔર સસ્તો બનાવે છે. નોકરિયાત વર્ગ નોકરી પર જવા માટે આવા માસિક પાસ ખરીદે છે અને સરેરાશ પચીસ દિવસની એની સફર માટે તે પ્રતિ કિલોમીટર ૧૩ પૈસા ચૂકવે છે. ફર્સ્ટ ક્લાસમાં આ દર ૦.૪૪ પૈસા અને AC લોકલમાં આ દર ૧.૦૬ રૂપિયા રહે છે. જો ૩૦ દિવસ પ્રવાસ કરવામાં આવે એમ ગણવામાં આવે તો આ દર અનુક્રમે સેકન્ડ ક્લાસમાં ૧૧ પૈસા, ફર્સ્ટ ક્લાસમાં ૩૭ પૈસા અને AC લોકલમાં ૮૮ પૈસા આવે છે.