ફેરફાર કર્યા બાદના ગઈ કાલના પહેલા વર્કિંગ દિવસે નવા પ્લૅટફૉર્મ અને બ્રિજ પર ધસારાના સમયે સ્ટૅમ્પીડ થાય એવી સ્થિતિ જોવા મળી
મલાડ રેલવે-સ્ટેશન પર ગઈ કાલે જોવા મળેલી ચિક્કાર ભીડ.
વેસ્ટર્ન રેલવે દ્વારા ગોરેગામથી કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલવે લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે એના ભાગરૂપે મલાડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક અને બેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચર્ચગેટથી બોરીવલી તરફની સ્લો લોકલમાંથી ઊતરીને ડાયરેક્ટ મલાડ-વેસ્ટમાં બહાર નીકળી જવાતું હતું એને બદલે હવે લોકોએ બ્રિજ ચડવો પડે છે. જેને કારણે ધસારાના સમયે ખૂબ ગિરદી થઈ રહી છે. જેને લીધે લોકોએ એકબીજાને ધક્કો મારીને નવા પ્લૅટફૉર્મ અને બ્રિજની ઉપર જવું પડી રહ્યું છે. બે નંબરના પ્લૅટફૉર્મમાં બદલાવ કર્યા બાદ ગઈ કાલે પહેલા વર્કિંગ દિવસે મલાડના રહેવાસીઓએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.
મલાડમાં રહેતા શૈલેષ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેમાં મુંબઈમાં સૌથી વધુ લોકો મલાડમાં રહે છે. આથી સ્વાભાવિક છે કે રેલવેમાં પણ વધુ લોકો પ્રવાસ કરે છે. વેસ્ટર્ન રેલવેએ એક અને બે નંબરના પ્લૅટફૉર્મમાં ફેરફાર કરવાથી મુશ્કેલી ઊભી થઈ છે. પહેલાં બે નંબરના પ્લૅટફૉર્મ પર ઊભી રહેતી લોકલમાંથી ઊતરતા કે ચડતા લોકોએ સ્ટેશનની બહાર જવા માટે બ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો. હવે એક નંબરની સ્લો લોકલના પ્રવાસીઓએ ફરજિયાત બ્રિજ ચડવો પડે છે. ધસારાના સમયે એક અને બે નંબરના પ્લૅટફૉર્મ પર એકસાથે ટ્રેન આવે છે ત્યારે પ્લૅટફૉર્મ અને બ્રિજ ઉપર ચિક્કાર ભીડ થાય છે. રેલવે વિભાગે નવી છઠ્ઠી લાઇન નાખતાં પહેલાં સ્ટેશનના બ્રિજની સંખ્યામાં વધારો કરવાની જરૂર હતી. રેલવેના ખરાબ પ્લાનિંગને લીધે મારા જેવા સામાન્ય પ્રવાસીઓએ ભોગવવું પડે છે.’