Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લાઇંગ રાણી કેમ સિંગલ ડેકર કરી? અમે હેરાન થઈ ગયા છીએ

ફ્લાઇંગ રાણી કેમ સિંગલ ડેકર કરી? અમે હેરાન થઈ ગયા છીએ

Published : 30 November, 2023 07:30 AM | IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ડબલ ડેકર કોચમાંથી એલએચબી કોચ થવાથી આ ટ્રેનના મુસાફરો નારાજ : વડોદરા-વાપી ટ્રેનમાં ફ્લાઇંગ રાણીના જૂના કોચ ઉમેરવામાં આવતાં પ્રવાસીઓ વધુ રોષે ભરાયા અને સોશ્યલ મીડિયા પર કર્યો ટીકાનો મારો

ફ્લાઇંગ રાણીના ડબલ ડેકર કોચ કાઢી નખાયા છે

ફ્લાઇંગ રાણીના ડબલ ડેકર કોચ કાઢી નખાયા છે


મુંબઈ અને સુરત વચ્ચે ૧૨૯૨૧/૨૨ ફ્લાઇંગ રાણી ૪૩ વર્ષથી ડબલ ડેકર કોચ સાથે દોડતી હતી. રેલવેએ ડબલ ડેકર કોચની મુદત પૂરી થઈ હોવાનું કહીને એને ડબલ ડેકરથી એલએચબી કોચમાં ફેરવતાં પ્રવાસીઓ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ટ્રેનમાં મોટા પ્રમાણમાં સિટિંગ કૅપેસિટી ઓછી થવાની સાથે દરવાજાની પહોળાઈ ઓછી થવાથી ઓછા પ્રવાસીઓ ઊભા રહીને પ્રવાસ કરી શકે છે. એને કારણે ચડતી-ઊતરતી વખતે અને ઓછા પ્રવાસીઓ મુસાફરી કરી શકતા હોવાથી પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. આ ઉપરાંત ડબલ ડેકરના કોચ હવે ગુજરાતમાં ૦૯૧૬૧/૬૨ વલસાડ-વડોદરા / વડોદરા-વલસાડ ટ્રેન સાથે જોડવામાં આવ્યા છે એને કારણે પ્રવાસીઓ વધુ રોષે ભરાયા છે અને સોશ્યલ મીડિયા પર પણ ટીકાનો મારો કર્યો છે. રેલવે પ્રવાસીઓની સમસ્યાની જાણ હોવા છતાં એના પર ધ્યાન કેમ અપાતું નથી એ પ્રશ્ન રેલવે પ્રવાસીઓ અને પ્રવાસી અસોસિએશન દ્વારા કરાઈ રહ્યો છે.


દરરોજ મુંબઈથી સુરત અને સુરતથી મુંબઈ આવવા સહિત દહાણુ, બોઇસર વગેરે ભાગમાંથી કામકાજ માટે આવતા મુસાફરો આ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. ફ્લાઇંગ રાણી વેસ્ટર્ન રેલવે પર સવારે પાંચ વાગ્યે સુરતથી મુંબઈ આવતી હાઈ-સ્પીડ ટ્રેન છે જે છેલ્લાં આશરે પચાસ વર્ષથી મુસાફરોને સેવા આપે છે. રેલવેપ્રધાન તરીકે મધુ દંડવતેના સમયમાં વધુ મુસાફરોને લઈ જવા માટે સાદા કોચની જગ્યાએ ડબલ ડેકર કોચ ઉમેરવામાં આવ્યા હતા. આ ટ્રેન દ્વારા પ્રવાસીઓ સુરતથી સીધા પાલઘર અને મુંબઈ જતા હતા. વેસ્ટર્ન રેલવેએ હવે આ ટ્રેનના ડબલ ડેકર કોચને બદલીને નવા સિંગલ કોચ એટલે કે એલએચબી કોચ લગાવ્યા છે, પણ એ જૂના છે. આ એલએચબી કોચ સામે પ્રવાસીઓએ ન‌િરાશા વ્યક્ત કરી હતી. એને કારણે ભીડમાં વધારો થતાં પ્રવાસીઓને દરરોજ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 



એલએચબી કોચ શું કામ કર્યા?
રોજ પ્રવાસીઓના હાલ બેહાલ થાય છે અને અમારી ડબલ ડેકર ફ્લાઇંગ રાણીના કોચ ગુજરાતમાં નાખી દેવામાં આવ્યા છે એમ કહેતાં દહાણુ વૈતરણા પ્રવાસી સેવા સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેએ ફ્લાઇંગ રાણીના જૂના કોચ ગુજરાતની વડોદરા-વલસાડ વચ્ચે ચાલતી ૦૯૧૬૧/૬૨ ટ્રેન સાથે જોડી દીધા છે. પહેલાં તો અમને એવું લાગતું હતું કે રેલવેના ઇતિહાસમાં જ આ ડબલ ડેકર રહેશે તેમ જ આ કોચની સમયમર્યાદા પૂરી થઈ હોવાથી કોચ બદલાવાની જાણ રેલવેએ પ્રવાસીઓને કરી હતી. મહત્ત્વનું એ છે કે સુરતથી વલસાડ, નવસારી, અમલસાડ, વાપી, સંજાણ, ઉમરગામ, દહાણુ, પાલઘર સ્ટેશનો પર મુસાફરો અને વેપારીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે.’


ઍર સર્ક્યુલેશન થતું નથી 
મહેશ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ‘ડબલ ડેકર કોચમાં લગભગ ૧૩૬ બેઠકની ક્ષમતા હતી. હવે જૂના સાદા સિંગલ ડેકર કોચ લગાવવાથી આ સંખ્યા ૧૦૨ થઈ ગઈ છે. ઊભા રહીને પ્રવાસ કરવા માટે પહેલાં જગ્યા હોવાથી ૧૦૦ લોકો જઈ શકતા હતા અને હવે ફક્ત ૫૫ લોકો જ ઊભા રહી શકે છે. આ ઉપરાંત દરવાજાની પહોળાઈ પહેલાં ૪ ફુટની હતી અને હવે ૨.૫ ફુટની જ થઈ ગઈ છે. એનાથી પ્રવાસીઓને ફ્લાઇંગ રાણીના કોચમાં બેસવા માટે જગ્યા મળતી નથી. ઊભા રહેવાની પણ ક્ષમતા ઓછી થતાં વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી શકતા નથી. એથી ટ્રેનમાં ભીડ પણ વધી ગઈ હોવાથી ઝઘડાનું પ્રમાણ પણ વધી ગયું છે. આ ઉપરાંત ઍર સર્ક્યુલેશન પણ થતું ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.’

કૅમ્પેન શરૂ કર્યું
ફ્લાઇંગ રાણીના કોચ બદલ્યા અને એ બીજી બાજુ આપી દેવાયા અને આ એલએચબી કોચથી અમે હેરાન થઈ ગયા હોવાથી અમે લડત ચલાવીશું એમ જણાવીને મહેશ પાટીલે કહ્યું હતું કે ‘જ્યારથી એલએચબી કોચ શરૂ કરાયા છે ત્યારથી અમને હેરાનગ‌તિ થઈ રહી છે. ફર્સ્ટ ક્લાસ કોચ પણ હવે સેકન્ડ ક્લાસ બની ગયા છે. કોઈ બદલાવ કરતાં પહેલાં રેલવેએ પ્રવાસીઓનો ઓપિનિયન લેવો જોઈતો હતો કે સર્વે કરવો જોઈતો હતો. રાણીના કોચ વલસાડ-વડોદરા ટ્રેનમાં લગાવી દેવાયા છે અને અમે અહીં હેરાન થઈ રહ્યા છીએ. એથી હવે અમે ‌વિરોધ દાખવવા સોશ્યલ મીડિયા પર કૅમ્પેન શરૂ કર્યું છે અને આગામી દિવસોમાં એ વધુ ઉગ્ર કરીશું.’


વેસ્ટર્ન રેલવેએ ૨૫ વર્ષ પહેલાં વિરાર અને દહાણુ વિભાગને ઉપનગરીય વિભાગ જાહેર કર્યો હતો. લગભગ ૧૬ વર્ષ પછી દહાણુથી વિરાર, બોરીવલી, અંધેરી, દાદર સુધીની લોકલ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે આ લોકલ સેવા ખૂબ જ અપૂરતી છે અને એને વધારવાની સતત માગણી પ્રવાસી સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રવાસીઓનો રોષ વ્યક્ત કરતાં દહાણુ વૈતરણા પ્રવાસી સેવાના સભ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ભાગની લોકલ ટ્રિપની સંખ્યામાં વધારો કરવામાં અવગણના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લાંબા અંતરની ટ્રેનો જે કોરોનાના સમયગાળા દરમિયાન પાલઘર, દહાણુ, બોઇસર, સફાલા રેલવે સ્ટેશન વચ્ચે રોકાતી હતી એમને પણ બંધ કરી દેવામાં આવી છે. આવા સંજોગોમાં અમારી ડબલ ડેકર ફ્લાઇંગ રાણીના કોચ હટાવીને એમનો વડોદરાથી વાપી વચ્ચે દોડતી ટ્રેનમાં ઉપયોગ કરવામાં આવતો હોવાથી રેલવે અમારી સાથે અન્યાય કરી રહી છે.’

રેલવેનું શું કહેવું છે?
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑ‌ફિસર સુમ‌િત ઠાકુરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ફ્લાઇંગ રાણીના ડબલ ડેકર જૂના કોચને નવા કોચ સાથે બદલવામાં આવ્યા હતા. પ્રવાસીઓને સિટિંગ કૅપેસિટીમાં પ્રવાસ કરવામાં કેવી સમસ્યા આવે છે એ ‌વિશે તપાસ કરવામાં આવશે. જોકે જૂની રૅક વાપરવામાં આવે છે કે કેમ એ વિશે માહિતી લેવી પડશે.’

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2023 07:30 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK