ગઈ કાલે સવારે ધસારાના સમયે ઘાટકોપરમાં મેટ્રોની એક સર્વિસ રદ થતાં પ્રવાસીઓને પ્લૅટફૉર્મ સુધી અંદર જવાની એન્ટ્રી ન મળતાં બ્રિજ પર થઈ ગઈ હકડેઠઠ ગિરદી
એક મેટ્રો કૅન્સલ ને આ છે હાલત
મુંબઈ : વર્સોવા-અંધેરી-ઘાટકોપર વચ્ચે દોડતી મુંબઈ મેટ્રો બ્લુ લાઇન વનમાં ગઈ કાલે સવારે પીક અવર્સમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. સવારના સમયે પીક અવર્સમાં એક એસી ટ્રેનમાં ઍર-કન્ડિશનિંગમાં ખામી સર્જાતાં એ અચાનક જ રદ કરવામાં આવી હતી. એના પરિણામે રેલવે ફુટઓવર બ્રિજ પર અમાનવીય ભીડ જમા થઈ ગઈ હતી. એની અસર ભીડની હિલચાલ પર પણ જોવા મળી હતી. ફિલ્મનિર્માતા ઓમકાર શેટ્ટીએ સવારના સમયની ભીડના ફોટોગ્રાફ પણ લીધા હતા. તેમણે કહ્યું હતું કે મેટ્રોની લાંબી લાઇન માટે આ બ્રિજ હવે નાનો પડી રહ્યો છે.
મેટ્રો તેમ જ લોકલ ટ્રેનના સ્ટેશન પર જવા માટે એક જ બ્રિજનો ઉપયોગ થતો હોવાથી પીક-અવર્સમાં બનેલી આ ઘટનાથી બ્રિજ પર એલ્ફિન્સ્ટન રોડ જેવી ધક્કામુક્કી સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી. સ્ટેશનની સુવિધાઓ વધારવાની તેમ જ એને અપગ્રેડ કરવાની તાતી જરૂર હોવાનું એક ઉતારુ રશ્મિ સાવંતે કહ્યું હતું.
ADVERTISEMENT
ઘાટકોરપરના જ રહેવાસી નીલય દોશીએ કહ્યું હતું કે ‘મેટ્રો રેલવેના અધિકારીઓને આવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના અગાઉથી પરખાવી જોઈએ, પરંતુ એમ થયું નથી અને હવે તેઓ ઉપલા ડેક સાથે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવા દોડી રહ્યા છે, જેનું કામ હજી પણ પ્રારંભિક તબક્કામાં છે. આટલી મોટી ભીડ એક દિવસ નાસભાગ મચાવશે.’
મુંબઈ મેટ્રો વનના પ્રવક્તાએ સવારે થયેલી ગરબડને કારણે સમસ્યા સર્જાઈ હોવાની વાતનું સમર્થન કરીને મુસાફરોને થયેલી અસુવિધા માટે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક ટ્રેનમાં પૂરતું કૂલિંગ થઈ ન રહ્યું હોવાથી એને સેવામાંથી પાછી ખેંચી લેવાઈ હતી. આવામાં સ્ટેશન પરની ભીડ ન વધે અને મુસાફરોની સુરક્ષા ન જોખમાય એ માટે સિક્યૉરિટી ચેકિંગ અને ટિકિટિંગનું નિયમન કરવામાં આવ્યું હતું જેને પરિણામે લાંબી લાઇન લાગી હતી.’
ભૂતપૂર્વ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે તેઓ રેલવે પ્રધાન હતા એ સમયે ઘાટકોપર સ્ટેશનને અપગ્રેડ કરવાનું વચન આપતાં કહ્યું હતું કે ‘સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને કારણે હવે આ સમયની માગ છે. એલિવેટેડ ડેક સાથેનું નવું સ્ટેશન ત્રણ વર્ષમાં તૈયાર થશે. મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.’
ઘાટકોપર સ્ટેશનની બહાર જગ્યાનો અભાવ હોવાથી મર્યાદિત હેડરૂમ સાથે ભારે સાધનો મૂકવા અને કામ કરવું મુશ્કેલ હોવાનું જણાવતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ભારે ભીડ અને મુસાફરો અને ટ્રેનોની સતત અવરજવરને કારણે ઘાટકોપર સ્ટેશન પર કામ કરવું એક પડકાર બની ગયું છે.
યોજના મુજબ ઘાટકોપર સ્ટેશન હવે ત્રણ નવા ૧૨ મીટર ફુટઓવર બ્રિજ સાથે સાત પૉઇન્ટ અપગ્રેડ કરી રહ્યું છે. આ તમામ બ્રિજ એલિવેટેડ દ્વારા જોડાયેલા છે. એમાં ડેક, રસ્તાની સાથે વધારાનો સ્કાયવૉક અને મુસાફરોની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હશે. ગયા અઠવાડિયે ડિવિઝનલ રેલવે મૅનેજર રજનીશ ગોયલને મળીને સ્થાનિક સંસદસભ્ય મનોજ કોટકે પણ તેમને ઘાટકોપર સ્ટેશનના એલિવેટેડ ડેક પર કામ ઝડપી બનાવવા જણાવ્યું હતું.