આ ટ્રેન અમદાવાદ, સુરત જવા સારો અને ઝડપી વિકલ્પ બની રહ્યો છે
ફાઇલ તસવીર
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેન સુપરફાસ્ટ ટ્રેન તરીકે ગણાય છે. આ ટ્રેન અમદાવાદ, સુરત જવા સારો અને ઝડપી વિકલ્પ બની રહ્યો છે. જોકે આ ટ્રેન સવારે ૬.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઊપડીને સીધી વાપી ઊભી રહેતી હોવાથી પ્રવાસીઓ એને પસંદ કરતા નહોતા. ઉપનગરીય સ્ટેશનોના પ્રવાસીઓ માટે સામાન સાથે એટલે દૂર સુધી વહેલી સવારે પ્રવાસ કરવો શક્ય નહોતો. એથી આ ટ્રેનને બોરીવલીમાં સ્ટૉપેજ મળે એવી માગણી અનેક સંસ્થાઓ અને અસોસિએશન દ્વારા કરાઈ હતી. ‘મિડ-ડે’એ પણ પ્રવાસીઓને થતી હાલાકી અને બોરીવલી સ્ટૉપ મળતાં એમને કેટલો લાભ થશે જેવી વિગતો સાથે પ્રવાસીઓનો અવાજ રેલવે તંત્ર સુધી પહોંચાડ્યો હોવાથી રેલવેએ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને વંદે ભારત ટ્રેનને બોરીવલી સ્ટૉપેજ આપ્યું છે. ઉપરાંત હવે આ ટ્રેન સોમવારથી શનિવારને બદલે બુધવાર સિવાય રવિવારથી શનિવાર સુધી દોડશે.
રેલવેનું પગલું આવકારદાયક છે : રમણીકલાલ છેડા, ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ
ADVERTISEMENT
મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડતી આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સીધી વાપી સ્ટેશને ઊભી રહેતી હતી એટલે બોરીવલી, વિરાર કે અન્ય સ્ટેશનોના પ્રવાસીઓ માટે આ ટ્રેનનો કોઈ અર્થ રહ્યો નહોતો. એથી પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને બોરીવલી સ્ટૉપ આપતાં એ ખૂબ આવકારદાયક છે. મુંબઈ સેન્ટ્રલ સવારે ૬.૧૦ વાગ્યે પહોંચવું અશક્ય હતું. હવે આ ટ્રેન બોરીવલી ઊભી રહેવાની હોવાથી દાદરથી વિરાર અને થાણે-કલ્યાણ સુધીનાં પરાંઓના પ્રવાસીઓને ખૂબ રાહત મળશે. એ સાથે આ ટ્રેનના પ્રવાસીઓ પણ મોટો વધારો થશે. અમે ‘મિડ-ડે’નો આભાર માનીએ છીએ કે એ સતત પ્રવાસીઓની માગણી અને સમસ્યાને પ્રાધાન્ય આપીને રેલવે તંત્ર સુધી પહોંચાડતું હોય છે.
હવે પ્રવાસીઓનો સમય બચી જશે : ભરત સતીકુંવર
રેલવે વિભાગ દ્વારા આધુનિક સુવિધા અને મહત્તમ ગતિ સાથે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને બોરીવલીમાં સ્ટૉપેજ આપવાનો નિર્ણય સરાહનીય અને પ્રવાસીઓ માટે લાભકારી છે. બોરીવલીમાં વંદે ભારત ટ્રેન ઊભી રહેવાથી દહિસર, કાંદિવલી, મલાડ સહિતના રહેવાસીઓનો સમય બચશે. આધુનિક સુવિધા અને મહત્તમ ગતિ સાથે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન સુરત, વાપીથી સીધી અંતિમ સ્ટૉપ મુંબઈ સેન્ટ્રલ ઊભી રહેતી હતી જેને કારણે ઉપનગરોમાં રહેતા પ્રવાસીઓને બહુ ઉપયોગી રહેતી નહોતી. પ્રવાસી સંસ્થા સાથે ‘મિડ-ડે’ને પણ ધન્યવાદ કે રેલવે સુધી પ્રવાસીઓની માગણી પહોંચી છે.
મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે : ધવલ શાહ
સવારે ૬.૧૦ વાગ્યાની ટ્રેન હોય એટલે સવારે ૫.૪૫ વાગ્યા સુધીમાં સ્ટેશન પર પહોંચવું પડે. બોરીવલી, ભાઈંદર, વિરારના પ્રવાસીઓને ટ્રેન પકડવી હોય તો સવારના ૪.૩૦ વાગ્યે નીકળવું પડે. એને કારણે ઘણા લોકો આ ટ્રેન પકડતા નહોતા. જોકે ‘મિડ-ડે’એ આ વિષય પર અહેવાલો પ્રસિદ્ધ કર્યા હોવાથી હવે આ ટ્રેનને બોરીવલી સ્ટૉપ આપવાથી ઘણી રાહત થશે અને ટ્રેનને વધુ પૅસેન્જરો પણ મળશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપનગરીય વિસ્તારમાં બોરીવલી, વિરાર સુધી સામાન સાથે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. હવે રેલવેના આવા નિર્ણયથી મુંબઈના ઉપનગરીય વિસ્તારના મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે અને રેલવેને પણ આર્થિક ફાયદો થશે.
અમદાવાદ જવાના વિકલ્પ વધ્યા : રમેશ દેઢિયા
છેક વિરારથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મુંબઈ સેન્ટ્રલ જવું ખૂબ મુશ્કેલ છે. અમદાવાદ જતી અન્ય ટ્રેનોમાં વેઇટિંગ અથવા ટ્રેનોમાં સીટની ઉપલબ્ધતા ઓછી હોય છે. જો આ ઑપ્શન ઉમેરાયો છે તો પ્રવાસીઓ માટે ઝડપી વિકલ્પ પણ મળ્યો હોવાથી અન્ય ટ્રેનોનો ભાર ઓછો થશે. ‘મિડ-ડે’એ પણ બોરીવલી સ્ટૉપ માટે અહેવાલ પ્રસિદ્વ કર્યો હોવાથી લોકોની માગણી રેલવે સુધી પહોંચી શકી છે.
વન-ડે જર્ની શક્ય બનશે : દીપક બોરડિયા
રેલવેએ બોરીવલી સ્ટૉપ આપ્યું એ બહુ જ સારી વાત છે. એક તો મુંબઈથી જતી વખતે સવારનો ટાઇમ હોય છે એટલે સવારના ભાગમાં તમે અમદાવાદ પહોંચી જાવ એટલે ધંધાનું કામ હોય તો એ થઈ જાય. એની સાથે દર્શન વગેરેનું કામ હોય તો એ પણ થઈ જાય અને સાંજના એ જ ટ્રેનમાં પાછું આવી જવું હોય તો સેમ ડે તમે રિટર્ન પણ થઈ શકો છો. હવે આ જ ટ્રેન જો મુંબઈ સેન્ટ્રલથી પકડવાની હોય તો આવવા-જવામાં જ તમારા ત્રણ કલાક બગડી જાય તો સેમ ડેનું તો પ્લાનિંગ કરવું અશક્ય છે. અમારા જેવા અનેક પ્રવાસીઓ છે જેમને અમદાવાદ અવારનવાર જવાનું થાય છે અને મહુડી દર્શન કરવા જવાનું તો દર બે-ત્રણ મહિનામાં એક વાર થઈ જ જાય છે. સામાન લઈને મુંબઈ સેન્ટ્રલથી અવરજવર કરવી એ તો ખરેખર અડચણભરેલું બની જાય છે. આ નિર્ણય ખરા અર્થે રેલવેની પ્રવાસીઓ માટે મોટી ભેટ છે.
હવે મુસાફરો વંદે ભારતમાં પ્રવાસ કરવાનું પસંદ કરશે : ભાવેશ ગાબાણી
વંદે ભારત ટ્રેનને બોરીવલી સ્ટૉપ આપવામાં આવ્યું છે તેમ જ આ ટ્રેન સોમવારથી શનિવારને બદલે બુધવાર સિવાય રવિવારથી શનિવાર સુધી ચાલશે. આ સમાચાર કદાચ બધા ગુજરાતીઓ માટે મોટા જ હશે. મેં પોતે ડિસેમ્બર મહિનામાં કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંત્રાલયને બોરીવલી સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટૉપ આપવા માટે પત્ર લખ્યો હતો. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી વંદે ભારત ટ્રેનની સેવા મુસાફરો માટે ઉત્તમ છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬.૧૦ વાગ્યે ઊપડે છે અને બપોરે ૧૨.૨૫ વાગ્યે ગાંધીનગર પહોંચે છે તેમ જ અ જ ટ્રેન ગાંધીનગરથી બપોરે ૨.૦૫ વાગ્યે ઊપડે છે અને ૮.૧૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. વંદે ભારત ટ્રેનને બોરીવલી સ્ટૉપેજની ઉપલબ્ધતા ન હોવાથી મુંબઈ શહેરના ઉપનગરીય વિસ્તારના મુસાફરોને આ ટ્રેનમાં મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉપનગરીય મુસાફરોએ વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરવા માટે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન જવા લોકલ ટ્રેન પકડવી પડતી હતી. એને કારણે બોરીવલીથી વિરાર સુધીના મુસાફરોનો સમય દોઢથી બે કલાક વધી જતો હતો. પરિણામે ઉપનગરીય વિસ્તારોના મુસાફરો વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા નહોતા. જોકે ‘મિડ-ડે’ દ્વારા પણ આની નોંધ લેવાઈ હોવાથી અંતે અનેક પ્રયાસો બાદ વંદે ભારત ટ્રેનને બોરીવલી સ્ટેશન પર સ્ટૉપેજ આપવામાં આવ્યું હોવાથી મુંબઈના ઉપનગરીય વિસ્તારના મુસાફરો સરળતાથી એમાં મુસાફરી કરી શકશે અને રેલવેને પણ આર્થિક ફાયદો થશે.