બૉમ્બે હાઈ કોર્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશનોને કહ્યું...
ફાઇલ તસવીર
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ આવતી કાલથી શરૂ થઈ રહ્યા છે ત્યારે બૉમ્બે હાઈ કોર્ટે આ વિશે ગઈ કાલે મહારાષ્ટ્રનાં મ્યુનિસિપલ કૉર્પોરેશનોને ૩૧ ઑગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન પશુની કતલ અને માંસના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવા વિશે વિચાર કરવા કહ્યું છે. શેઠ મોતીશા લાલબાગ જૈન ચૅરિટીઝ અને પુણેના જૈન સંઘના એક ટ્રસ્ટે પર્યુષણ દરમ્યાન મુંબઈ, પુણે, મીરા-ભાઈંદર અને નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત રાજ્યમાં પશુની કતલ અને માંસના વેચાણ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી કરતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે ગઈ કાલે આ અરજીની સુનાવણી વખતે કહ્યું હતું કે ‘અમે ઑથોરિટીને જૈન ધર્મના પર્યુષણ દરમ્યાન કતલ અને માંસના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવા માટે વિચાર કરીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ૩૧ ઑગસ્ટથી પર્યુષણ શરૂ થઈ રહ્યા છે એટલે વહેલી તકે આનો નિર્ણય લેવાનું કહ્યું છે.’
બૉમ્બે હાઈ કોર્ટે તો વિચારીને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, પણ કેટલાં મ્યુનિસિપલ કૉર્પોરેશનો જૈનોની લાગણીને માન આપે છે એ જોવું રહ્યું.