શ્રી મામલ માતા ભાવિક સંઘે શરૂ કરેલી આ પહેલમાં જોડાવા માટે પરિવારે સમાજની સમૂહ, સ્વમાન અથવા સ્વાભિમાન લગ્નની યોજનામાં જોડાવું જરૂરી છે
શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજ દ્વારા ૩૦ ડિસેમ્બરે આયોજિત ભામાશા સ્વમાન લગ્નમાં દીકરીનાં લગ્ન કરાવવાનો લાભ શ્રી મામલ માતા ભાવિક સંઘ (પટેલ ચોક - ભુજપુર)ને મળ્યો હતો.
છેલ્લાં ૩૫ વર્ષથી મામલ માતાજીના સમૂહ જુહાર કરાવતા શ્રી મામલ માતા ભાવિક સંઘ (પટેલ ચોક - ભુજપુર)એ હવે એક નવી સામાજિક પહેલ કરી છે. કચ્છના ભુજપુર ગામે પટેલ ચોક ખાતે મામલ માંને નમતા જરૂરિયાતમંદ ભાવિકોની દીકરીઓ (નિયાણી)નાં લગ્નની જવાબદારી શ્રી મામલ માતા ભાવિક સંઘ ઉપાડશે. લગ્નદીઠ ૫૪,૦૦૦ રૂપિયાની સહાય દીકરીના પરિવારને કરવામાં આવશે.
કચ્છના ભુજપુર ગામે પટેલ ચોકમાં આવેલા મામલ ધામે ભુજપુર, મોખા, ગુંદાલા, કપાયા, કાંડાગરા, મોટી ખાખર, બાડા, ભીંસરા, ગોધરા, નાગલપુર, મોટા આસંબિયા, નાની તુંબડી, મોટી રાયણ, પ્રાગપુર, કોડાય અને પુનડી એમ મળીને કુલ સોળ ગામના દેઢિયા નુખના ભાવિકો નમે છે. આ નવી પહેલ કરવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે માહિતી આપતાં શ્રી મામલ માતા ભાવિક સંઘ (પટેલ ચોક - ભુજપુર)ના પ્રમુખ ચંદ્રકાન્ત દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગામમાં રહેતા રણશી દેઢિયાને જરૂરિયાતમંદ દીકરીનાં લગ્ન કરાવવાનો વિચાર આવ્યો જેની રજૂઆત તેમણે અમને કરી હતી. અમને પણ આ વિચાર યોગ્ય લાગ્યો હતો, કારણ કે આજના મોંઘવારીના યુગમાં લગ્ન જેવા પ્રસંગોના મોટા ખર્ચાઓ ઉપાડી શકે એવી અનુકૂળતા બધાની હોતી નથી અને દીકરી એ તો માતાજીનું સાક્ષાત્ સ્વરૂપ છે. તેનાં લગ્નની જવાબદારી લેવી એટલે માતાજીના આશીર્વાદ મેળવવા બરાબર છે.’
ADVERTISEMENT
આ પહેલ વિશે વધુ માહિતી આપતાં કમિટી મેમ્બર અશ્વિનભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘‘લગ્નદીઠ અમારા ભાવિક સંઘ વતી ૫૪,૦૦૦ રૂપિયાની સહાય જરૂરિયાતમંદ પરિવારોને કરવામાં આવશે. આ માટે પરિવારે સમાજની સમૂહ, સ્વમાન અથવા સ્વાભિમાન લગ્નની યોજનામાં જોડાવું જરૂરી છે જેથી લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાથી બચી શકાય અને સમાજના જ કરોડો રૂપિયાની બચત થઈ શકે. અમારી આ પહેલ માટે સમાજના અનેક દિલેર દાતાઓનો અમને સાથ-સહકાર મળી રહ્યો છે. જો અન્ય સમાજ પણ આવી પહેલ શરૂ કરે તો એક પિતાને પોતાની દીકરીનાં લગ્ન કરવાની ચિંતાનો ભાર ઓછો થઈ શકે. અત્યાર સુધી અમારા ભાવિક સંઘ દ્વારા બે પરિવારોનાં લગ્ન કરાવવામાં આવ્યાં છે. લગ્ન બાદ હવે અમે શૈક્ષણિક અને મેડિકલ સહાય વિશે પણ વિચારી રહ્યા છીએ.’