પરલી વિધાનસભા બેઠકના ઉમેદવારે આપ્યું અજબ આશ્વાસન
યુવાનોને અજબ આશ્વાસન આપનારા રાજેસાહેબ દેશમુખ.
ચૂંટણીમાં મત મેળવવા માટે નેતાઓ જાત-જાતનાં વચન અને આશ્વાસન આપતા હોય છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાની પરલી વિધાનસભા બેઠકના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર રાજેસાહેબ દેશમુખે પરલીમાં રહેતાં યુવકો-યુવતીઓને અજબ આશ્વાસન આપ્યું છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. રાજેસાહેબ દેશમુખે કહ્યું હતું કે ‘પરલીના યુવાનોનાં લગ્ન કરવા માટેની વાત ચલાવવામાં આવે છે ત્યારે લોકો પૂછે છે કે દીકરો નોકરી કરે છે? કોઈ ધંધો છે? સરકાર યુવાનોને નોકરી આપતી નથી અને ધંધા માટે લોકો પાસે રૂપિયા નથી. આથી યુવાનોનાં લગ્ન કરવાનું મુશ્કેલ બની ગયું છે. આથી પરલીના બધા યુવાનોને હું આશ્વાસન આપું છું કે જો હું વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ તો તમારા બધાનાં લગ્ન કરાવી આપીશ એટલું જ નહીં, કામધંધો પણ અપાવીશ.’
ઉલ્લેખનીય છે કે પરલી વિધાનસભાનો સમાવેશ રાજ્યની હાઈ વૉલ્ટેજ બેઠકમાં થાય છે. અહીં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સિટિંગ વિધાનસભ્ય ધનંજય મુંડે અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) વચ્ચે સીધો મુકાબલો છે.