પરમધામના પ્રાંગણે અનેક ક્ષેત્રોથી પધારેલા સેંકડો ભાવિકો ઍન્ગર-કન્ટ્રોલની માસ્ટર કી પામી ધન્ય બન્યા
બેદિવસીય શિબિર એવમ સંયમ અભિવંદનાના ભાવો સાથે ઊજવાઈ
હે પ્રભુ, મને સ્વીકારભાવનું દાન આપી દે
ક્રોધ પર વિજય પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્વીકારભાવ
ADVERTISEMENT
સ્વીકાર દીક્ષાનો મહામંત્ર છે : જી, હા, ઓકે, થઈ જશે
સ્વીકારમાં સમાધિ, પ્રતિકારમાં ઉપાધિ
જે સ્વીકારભાવમાં રહી શકે એ જ દીક્ષા લઈ શકે.
દરેક પરિસ્થિતિને સ્વીકારી શકે, તેને પ્રભુ પણ વેલકમ કરે.
-નમ્રમુનિ
બધું જ ત્યાગીને દીક્ષા ચાહે લઈ શકાય કે ન લઈ શકાય, પરંતુ કોઈ પણ પરિસ્થિતિનો પ્રસન્નતાથી સ્વીકાર કરવા સ્વરૂપ સ્વીકારભાવ રાખી શકાયનો બોધ પ્રસારીને પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની ૩૪મી દીક્ષા જયંતીનો અવસર ભક્તિભાવથી ઉજવાયો હતો.
જેમનું અપ્રતિમ સંતત્વ અનેક હૃદયમાં સંતત્વના સંસ્કાર જાગૃત કરી રહ્યું છે એવા પરમ ગુરુદેવની દીક્ષા જયંતી અવસરે તેમને શુભેચ્છાવંદના અર્પણ કરવા અનેક ક્ષેત્રોથી પધારેલા સેંકડો ભાવિકો માટે વિશેષરૂપે બે દિવસીય ક્રોધ-વિજય શિબિર યોજાઈ હતી.
સંયમ જીવનનાં ૩૪ વર્ષની સાધનાનો અર્થ આપતા આ અવસરે પરમ ગુરુદેવે પ્રતિકારભાવનું પ્રાયશ્ચિત અને સ્વીકારભાવ રાખવાનો પ્રેરકબોધ ફરમાવીને કહ્યું હતું કે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની કૅપેસિટી કદાચ બધાની ન હોઈ શકે, પણ દીક્ષા તે જ લઈ શકે જેની દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય. અણગમતી, ન ગમતી કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે જેનો પ્રતિકારભાવ છે તે દીક્ષિત હોવા છતાં તેની દીક્ષા કદી સાર્થક નથી થતી, પરંતુ યોગ્ય કે અયોગ્ય, ગમતી કે ન ગમતી દરેક નાની-નાની વાતમાં જે સ્વીકારભાવ રાખે છે એનો સંયમ ૧૦૦ ટચનો બની જાય છે.
પરમાત્મા કહે છે કે સ્વીકારમાં સમાધિ છે, પ્રતિકારમાં ઉપાધિ છે; સ્વીકારમાં સમભાવ છે અને સમભાવ એ ઇચ્છા-મુક્તિનો ઉપાય છે. સ્વીકારભાવ એ ક્રોધ અને ગુસ્સા પર વિજય પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જી, હા, ઓકે, થઈ જશેરૂપી સ્વીકારભાવ રાખવાના મહામંત્રથી જીવનને શાંતિ -સમાધિથી સમૃદ્ધ બનાવીએ.
આત્માનું પરમ કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરુદેવની આ બોધધારા સાથે જ પરમધામના પ્રાંગણે એક દિવસીય નિ:શુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર પશુપાલન વિભાગના ઉપક્રમે રિલાયન્સ ફાઉન્ડેશનના અનુદાન તેમ જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને ઑલ્વેઝ ઍનિમલ કૅર સેન્ટર તેમ જ ટિન્કુ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગે આયોજિત આ કૅમ્પમાં કૅન્સર, વિવિધ રોગોથી પીડાતાં ઘાયલ અને પીડિત એવાં ૬૨ જેટલાં અબોલ નિઃસહાય પશુઓનું સફળ નિ:શુલ્ક ઑપરેશન કરીને એમને દર્દમુક્તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આમ જીવદયા, માનવતા અને આત્મગુણોની વૃદ્ધિની પ્રેરણા પ્રસારીને ઊજવાયેલો પરમ ગુરુદેવની દીક્ષા જયંતીનો આ અવસર સૌના માટે વંદનીય બની ગયો.

