હૉલમાર્ક સાથેના દાગીના કઈ રીતે ખોટા હોઈ શકે એવી ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ તાત્કાલિક ઘટનાની જાણ મેં પંતનગર પોલીસને કરી હતી
ભારતી જ્વેલર્સમાં ખોટા હૉલમાર્કવાળા દાગીના સાથે આવેલી મહિલા.
ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર ભારતી જ્વેલર્સમાં ખોટા હોલમાર્ક સાથે દાગીના વેચવા આવેલી ૫૪ વર્ષની ઉષા દિનેશ રામની પંતનગર પોલીસે ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી. ઉષા આશરે અઢી તોલાની ચેઇન આપી સામે બંગડીઓ ખરીદવા માગતી હતી. જોકે જ્વેલર્સને તેના પર શંકા આવતાં તેણે આપેલી ચેઇનની બારીકાઈથી તપાસ કરતાં એ ખોટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અંતે ભારતી જ્વેલર્સની પાર્થ દોશીએ સતર્કતા વાપરી મહિલાને વાતોમાં ભોળવી રાખીને પોલીસને જાણ કરી હતી. મહિલા સાથે તેની ગૅન્ગના મેમ્બરોએ ઘાટકોપર, ચેમ્બુર સહિત આસપાસના વિસ્તારોમાં આવી રીતે જ્વેલર્સને છેતર્યા હોવાની માહિતી પોલીસને મળી છે.
મહિલાએ અમારી દુકાનમાં આવીને અઢીથી ત્રણ લાખ રૂપિયાના દાગીના બતાવવા માટે કહ્યું હતું, પણ મને તેના પર શંકા આવી હતી એમ જણાવતાં ભારતી જ્વેલર્સના પાર્થ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ આ મહિલાએ અમારી દુકાનમાં આવીને સોનાના કાઉન્ટર પર જઈને પોતાની પાસે રહેલી ચેઇન બદલી કરીને બેથી અઢી લાખ રૂપિયાની બંગડીઓ બતાવવાનું કહ્યું હતું. જે ચેઇન તેને બદલી કરવી હતી એમાં યોગ્ય હૉલમાર્ક કરેલા હતા. જોકે મહિલાના હાવભાવ જોઈને તેણે આપેલી ચેઇનની વધુ તપાસ કરવા અમે ચેનને ટેસ્ટિંગ માટે લૅબોરેટરીમાં મોકલાવી હતી જેના રિપોર્ટમાં એ ખોટી હોવાનું અમને માલૂમ પડ્યું હતું. હૉલમાર્ક સાથેના દાગીના કઈ રીતે ખોટા હોઈ શકે એવી ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ તાત્કાલિક ઘટનાની જાણ મેં પંતનગર પોલીસને કરી હતી. આ મહિલા અમારા બીજા જ્વેલર્સને આ રીતે ન છેતરે એ હેતુથી મેં તેને પોલીસમાં પકડાવી હતી.’