મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે અને અનેક શહેરોનાં એટીએમમાં હાથચાલાકી કરી લોકોને છેતરી રૂપિયા કઢાવી લેતા બે રીઢા ગુનેગારોને પંઢરપુર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપ્યા : તેમની પાસેથી ૧૦૧ જેટલાં વિવિધ બૅન્કોનાં એટીએમ કાર્ડ મળ્યાં
Crime News
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે અને નાશિક સહિત અનેક શહોરોનાં એટીએમમાં રૂપિયા કઢાવવા જતા લોકોનાં કાર્ડ હાથચાલાકી કરી પડાવી તેમને છેતરીને તેમના અકાઉન્ટમાંથી રૂપિયા કઢાવી લેનારા બે રીઢા ગુનેગારોને પકડવા થાણે પોલીસની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે પ્રયાસ આદર્યા હતા. એમને માહિતી મળી કે તે બંને હાલ પંઢરપુરમાં છે એટલે તરત જ પંઢરપુર પોલીસનો સંપર્ક કરીને તેમને ગુનેગારોની વિગતો આપવામાં આવી હતી. પંઢરપુર પોલીસે પણ તરત ઍક્શન લઈને તેમનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને તેઓ પોબારા ગણી ગયા હતા, પણ પંઢરપુર પોલીસે ફિલ્મી ઢબે તેમનો પીછો કરીને આખરે બંનેને ઝડપી લીધા હતા અને ત્યાર બાદ તેમની સોંપણી થાણેના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલને કરી હતી. બંનેની ઝડતીમાં તેમની પાસેથી ૧૦૧ જેટલાં વિવિધ બૅન્કોનાં એટીએમ કાર્ડ મળી આવ્યાં હતાં.
બંને આરોપીઓ કલ્યાણનો સની ઉર્ફે ચિકના મુન્ના સિંહ અને ઉલ્હાસનગરનો શ્રીકાંત ગોડબોલે રીઢા ચોર છે. એટીએમમાં પૈસા કઢાવવા આવતા લોકોને તેઓ વાતોમાં ભોળવીને તેમની પાસેનું કાર્ડ બદલી લેવામાં અને તેમના અકાઉન્ટમાંથી રૂપિયા કાઢીને નાસી જવામાં આ બંને આરોપીઓ એક્સપર્ટ છે. અનેક પોલીસ સ્ટેશનોમાં તેમની સામે ગુના નોંધાયેલા છે.
ADVERTISEMENT
પંઢરપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ ફુગેએ આ સંદર્ભે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ દ્વારા અમને આ બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી. એટલે ટેક્નિકલ સપોર્ટ લઈને અમે તેમને સોમવારે ટ્રૅક કર્યા હતા. બંને જણ બાઇક પર પંઢરપુરથી સોલાપુર જઈ રહ્યા હતા. અમારા પીએસઆઇ ભાગવત અને તેમની ટીમ તેમની પાછળ હતી. અંદાજે ત્રણથી સાડાત્રણ કિલોમીટર સુધી પાછો કરીને આખરે તેમને ઝડપી લેવાયા હતા. પહેલાં તો તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ પછી કરડાકી વાપરતાં જ તેમણે બધું કબૂલી લીધું હતું. અમે તેમની સોંપણી થાણેના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલને કરી છે.’