પાલિતાણાની રક્ષા માટે ગઈ કાલે સાંતાક્રુઝમાં યોજાયેલી ધર્મસભામાં રજૂ કરાયેલા મુદ્દાઓ પર ગુજરાત સરકાર શનિવાર સુધીમાં નિર્ણય નહીં લે તો ૨૫ ડિસેમ્બરે મુંબઈ સહિતનાં શહેરોમાં જૈનોની મહારૅલી નીકળશે
ગઈ કાલે પંન્યાસ શ્રી નયનપદ્મસાગરવિજયજી મહારાજસાહેબ અને અન્ય સાધુસંતોની નિશ્રામાં સાંતાક્રુઝમાં યોજાયેલી મુંબઈ જૈન સંઘ સંગઠનની ધર્મસભા.
ભાવનગરની બાજુમાં આવેલા જૈનોના શત્રુંજય મહાતીર્થમાં અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વારંવાર તીર્થ પર અને સાધુભગવંતો પર થતા હુમલાઓ તથા ગુરુવારે તીર્થ પર મૂકવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ અને સમગ્ર દેશભરના તીર્થનું સંચાલન કરી રહેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી નાખ્યા બાદ દેશભરના જૈન સમાજમાં પાલિતાણાનાં અસામાજિક તત્ત્વો સામેનો વિરોધ ઉગ્ર બની ગયો છે. આ વિરોધ અંતર્ગત ગઈ કાલે સવારે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા પૂજ્ય રાષ્ટ્રીય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના શિષ્ય પંન્યાસ શ્રી નયપદ્મસાગરવિજયજી મહારાજસાહેબ અને અન્ય સાધુસંતોની નિશ્રામાં સાંતાક્રુઝના શ્રી કુંથુનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં મુંબઈના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘો, સંઘોના વહીવટદારો અને સર્વે શાસનલક્ષી સંસ્થાઓની એક ધર્મસભા યોજવામાં આવી હતી. વિશાળ સમુદાયની આ ધર્મસભામાં ગિરિરાજની રક્ષા અને પવિત્રતા માટે કલેક્ટરના માધ્યમથી ગુજરાત સરકારની સામે અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. જો ગુજરાત સરકાર આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં શનિવાર સુધીમાં નિષ્ફળ જશે તો રવિવાર, ૨૫ ડિસેમ્બરે મુંબઈ, અમદાવાદ, સુરત, જામનગર, બૅન્ગલોર, ચેન્નઈ, રાજકોટ જેવાં ભારતનાં અનેક શહેરોમાં રાજનગર-અમદાવાદના માર્ગદર્શન હેઠળ રૅલીઓ યોજીને જૈન સમાજ શત્રુંજય તીર્થની રક્ષા માટે તેમનો અવાજ બુલંદ કરશે.
આ માહિતી આપતાં નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજ અને જૈન સમાજના સાધુભગવંતો ઘણાં વર્ષોથી શત્રુંજય ગિરિરાજ પર્વત પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓ સહન કરી રહ્યા છે. તીર્થસ્થાનનું વાતાવરણ ડહોળાઈ રહ્યું હોવા છતાં અહિંસા અને શાંતિને પ્રથમ સ્થાન આપનાર જૈન સમાજ આજે નહીં ને કાલે પ્રશાસન આ અસામાજિક તત્ત્વો પર કાયદાકીય કાર્યવાહી કરીને તેમની ગેરપ્રવૃત્તિઓને ડામશે એવી આશા રાખી રહ્યો છે. જોકે હવે આ તત્ત્વોએ તેમની સીમા પાર કરી નાખીને તીર્થસ્થાનો પર હુમલા શરૂ કર્યા છે જે અસહ્ય છે. આથી રાજનગર-અમદાવાદના જૈન સંઘમાં મહાસભા યોજીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં હવે દેશભરના જૈન સમાજ જોડાયા છે અને અમે નિર્ણય લીધો છે કે સરકાર જ્યાં સુધી અમે તેમની સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓનું નિરાકરણ લાવશે નહીં ત્યાં સુધી હવે જૈન સમાજ જંપીને બેસશે નહીં.’
ADVERTISEMENT
ગઈ કાલે સાંતાક્રુઝના શ્રી કુંથુનાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં જમા થયેલા જૈન સંઘોએ નિર્ણય લીધો હતો કે ગુજરાત સરકાર પવિત્ર શત્રુંજય ગિરિરાજ બાબતે જૈનો દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ પર તાત્કાલિક અમલ કરે એ આજના સંજોગો જોતાં અત્યંત જરૂરી છે. આ બાબતે ગુજરાત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓનું પાલન કરવું આવશ્યક છે. આ આદેશમાં મહત્ત્વનો આદેશ એ છે કે તમામ મંદિરો પર નિયંત્રણ અને વહીવટ જૈનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. એ પણ સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે ગઢની અંદર આવેલી મહાદેવની દેરીમાં આવનારનું આચરણ અને શિસ્તના વાજબી નિયમો જૈનો બનાવી શકવાના અધિકારી છે. આ મંદિર માટેના નિર્ણયો જૈનો સાથે પરામર્શ કરીને પછી લેવાના, જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ શકે અને જૈનોની ધર્મ લાગણીઓ ન દુભાય એ માટે સંગઠન તરફથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ત્યાર પછી સરકાર જો કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો ૨૫ ડિસેમ્બરે દેશભરમાં મહારૅલીનું આયોજન કરવામાં આવશે.
જૈનોની સરકાર પાસે મુખ્ય માગણી શું છે એ બાબત પર પ્રકાશ ફેંકતાં સંગઠનના સક્રિય કાર્યકર કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌપ્રથમ તો રોહિશાળામાં પ્રાચીન ત્રણ ગાઉના પવિત્ર યાત્રામાર્ગની તળેટીમાં આવેલી પ્રભુ આદિનાથની પ્રાચીન ચરણપાદુકાને ૨૬ નવેમ્બરે રાતે અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવી એને ૨૦ દિવસ ઉપરાંત થઈ ગયા છે છતાં પણ કોઈ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ તપાસ એજન્સીને આની તપાસ સોંપવામાં આવે અને એના ઊંડાણમાં જઈને કોમી વૈમનસ્ય અને વર્ગવિગ્રહ ફેલાવવાના ઉદ્દેશથી ગુનાહિત કૃત્ય કરનારાં, કરાવનારાં અને સહાય કરનારાં તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ડુંગરપુર, જીવાપુર અને આદપુર વગેરે ગામોમાં પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ પર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગેરકાયદે ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગે ૨૦૧૭થી અનેક વાર રજૂઆતો અને ફરિયાદો લાગતા-વળગતા ખાતા, મિનિસ્ટરો વગેરેને કરવામાં આવી છે; પરંતુ લોભ, લાલચ કે ભયના કારણે કોઈ પણ પ્રકારના ગેરકાયદે ખનનનું કાર્ય કાયમ માટે અટકે એવાં કડક પગલાં સરકાર તરફથી આજ સુધી લેવામાં આવ્યાં નથી. મના રાઠોડ, ભરત રાઠોડ, રાજુ ચૌહાણ, નરેન્દ્ર ત્રિવેદી, રાજપાલ સરવૈયા જેવાં કેટલાંક મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની ચડવણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવીને હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય એ પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યાં છે. શરણાનંદ બાપુ દ્વારા લોકોમાં ભાષણો તથા સોશ્યલ મીડિયા દ્વારા જુઠ્ઠી માહિતી ફેલાવીને અને લોકલાગણીને ભડકાવીને પોતાનો અંગત સ્વાર્થ સાધવા માગતાં આવાં થોડાંક લેભાગુ અસામાજિક તત્ત્વોને કારણે વિશ્વભરના જૈન સંઘોમાં આક્રોશ અને ભયનો માહોલ છે. વિશ્વસ્તરે ગુજરાતની છબિ બગાડવાનું કાર્ય આવાં મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વો દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. એ માટે ગામેગામ વર્ગવિગ્રહ સર્જાય એવી જુઠ્ઠી રજૂઆતો કરીને જૈનો વિરુદ્ધ ઉશ્કેરવાનું કાર્ય સતત ચલાવવામાં આવે છે. શરણાનંદ બાપુ, મના રાઠોડ અને ભરત રાઠોડ પર સખત કાયદેસરની કાર્યવાહી કરીને હિન્દુ પ્રજામાં ધર્મો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના કાવતરાના ભાગરૂપે તેમને તડીપાર કરવામાં આવે.’
કમલેશ શાહે વધુમાં કહ્યું હતું કે ‘લોકલાગણીને જૈનો વિરુદ્ધ ભડકાવવા આ લોકો દ્વારા ગિરિરાજ પરની સુપ્રીમ કોર્ટ દ્વારા પણ માન્ય કરવામાં આવેલા ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોની માલિકીના શ્રી શત્રુંજય ગિરિરાજ પરના ગઢની અંદરની આશરે બે એકર જેટલી જગ્યા માલિકીહકના કોઈ પણ આધાર કે પુરાવા વગર કાયદા વિરુદ્ધની રીતરસમો અજમાવીને ગેરકાયદે રીતે પોતાના તાબામાં લેવાની પેરવી કરવામાં આવી રહી છે. આ માટે તેઓ જૈનોની માલિકીની જગ્યા પરનાં બોર્ડ કાઢી લે છે. તેઓ આખા વિસ્તારમાં પોતાની ધજાઓ બળજબરી ફરકાવી દે છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. હાઈ કોર્ટ તથા સરકારના હુકમોની ખિલાફ જઈને મનમાની રીતે પોતાના લોકોને ગઢની અંદર બેસાડી દે છે, પોતાની વસ્તુઓ કાયમી ધોરણે ત્યાં મૂકી રાખે છે તથા ગઢના નિયમો વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય લોકોને ઉશ્કેરીને તેમની પાસે પણ કરાવે છે. એ કાયમ માટે અટકાવવામાં આવે તથા આવું કૃત્ય કરવા કે કરાવવામાં સામેલ દરેક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યાં સુરક્ષાનાં કારણોસર લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાના થાંભલાઓ પણ તેઓ પોતાનાં ગેરકાયદે કૃત્યો કૅમેરામાં ન ઝડપાઈ જાય એ માટે બળજબરીથી ઉખાડી લે છે. આમ તેઓ ત્યાં એકલદોકલ દર્શન માટે આવતી બહેનો વગેરે યાત્રિકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પરનાં ગેરકાયદે ઠેર-ઠેર થઈ ગયેલાં દબાણોને તપાસ કરીને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને દબાણો બાબતે આવેલ જે-તે કોર્ટના ચુકાદાઓનો કડકપણે અમલ થાય. આ માટે શ્રી શત્રુંજય મહાતીર્થની સંપૂર્ણ માપણી પણ કરવામાં આવે. શ્રી શત્રુંજય ગિરિરાજ પરની નીચેની બાજુમાં ગોચર આદિ જગ્યામાં ગેરકાયદે રીતે લોકોનો વસવાટ વધારવામાં આવી રહ્યો છે. એ માટે મોટા પાયે ડુંગર તોડવામાં આવી રહ્યો છે. આ કાર્યને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે. આવી અનેક માગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરી છે.