અમારા મારફત શૅરબજારમાં રોકાણ કરશો તો ટૂંકા ગાળામાં મોટો નફો મેળવી શકશો એમ કહીને સાઇબર ગઠિયાઓએ પાલઘરમાં રહેતા ૭૬ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝનને છેતરીને ૧.૦૮ કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી. સાઇબર ગઠિયાઓએ છેતરપિંડી ડિસેમ્બર ૨૦૨૪થી લઈને માર્ચ ૨૦૨૫ સુધી કરી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમારા મારફત શૅરબજારમાં રોકાણ કરશો તો ટૂંકા ગાળામાં મોટો નફો મેળવી શકશો એમ કહીને સાઇબર ગઠિયાઓએ પાલઘરમાં રહેતા ૭૬ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝનને છેતરીને ૧.૦૮ કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી હતી.
સાઇબર ગઠિયાઓએ આ છેતરપિંડી ડિસેમ્બર ૨૦૨૪થી લઈને માર્ચ ૨૦૨૫ દરમ્યાન કરી હતી. ફરિયાદી મોહન અર્જુન નિવૃત્ત છે અને હાલ પાલઘરમાં રહે છે. તેમણે શૅરબજારને લઈને સેમ્કો સિક્યૉરિટી સ્કીમનો એક વિડિયો જોયો હતો અને એ લાઇક કર્યો હતો. થોડી જ વારમાં તેમને ‘VIP 826’ નામના વૉટ્સઍપ ગ્રુપમાં ઍડ કરવામાં આવ્યા હતા. એ પછી એક ગઠિયા દ્વારા તેમને ફોન કરીને કઈ રીતે તેમના મારફત ઇન્વેસ્ટ કરી શકાય એ સમજાવવામાં આવ્યું હતું અને VIP ગ્રુપ પ્લૅટફૉર્મ પર તેમનું અકાઉન્ટ ઓપન કર્યું હોવાનું જણાવ્યું અને એ માટેનું સર્ટિફિકેટ પણ તેમને મોકલાવ્યું. એ પછી તેમને સર્ટિફિકેટમાં જણાવેલા બૅન્ક અકાઉન્ટ નંબરમાં રકમ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. એથી તેમણે ૧૭.૧૦ લાખ રૂપિયા એમાં જમા કર્યા હતા. ત્યાર બાદ તેમને કહેવામાં આવ્યું કે તેમણે જે ૧૭.૧ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું એ વધીને ૨.૯૫ કરોડ રૂપિયાનું થઈ ગયું છે, જો તેઓ એ રકમ કઢાવવા માગતા હોય તો તેમણે સર્વિસ ટૅક્સના ૪૦ લાખ રૂપિયા ભરવા પડશે. આથી મોહન અર્જુને ૪૦ લાખ રૂપિયા પણ ભર્યા હતા. એ પછી ફરી એક વાર તેમને કહેવામાં આવ્યું કે તેમનું રોકાણ હવે વધીને ૩.૧૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, એ કઢાવવા સર્વિસ ટૅક્સના ૫૧ લાખ રૂપિયા ભરવા પડશે. એથી મોહન અર્જુને એ પણ ભર્યા હતા. આમ તેમણે ૧.૦૮ કરોડ રૂપિયા ભરી દીધા હતા. એ રકમ ભર્યા પછી મોહન અર્જુને તેમના રોકેલા રૂપિયા કઢાવવાની કોશિશ કરી હતી, પણ એમાં સફળતા મળી નહોતી અને સાઇબર ગઠિયાઓ પણ કોઈ જવાબ આપતા નહોતા. આથી ૨૮ માર્ચે પાલઘર સાઇબર પોલીસ-સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ એ રકમ કયા-કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ અને કોણે ક્યાંથી પૈસા કઢાવ્યા એની વિગતો મેળવી રહી છે.

