Palghar Crime News: નેપાળની આ મહિલાની હત્યા પ્રેમ સંબંધને કારણે કરવામાં આવી હતી. હત્યા બાદ તેની બૉડીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પાલઘરમાંથી ચોંકાવનારા સમાચાર (Palghar Crime News) મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક નેપાળી યુવકે તેની લિવ ઇન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહને નદીમાં ફેંકી દીધો છે. આ મામલે પોલીસ દ્વારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
પ્રેમ સંબંધને કારણે મહિલાને મારી નાખવામાં આવી
ADVERTISEMENT
નેપાળની આ મહિલાની હત્યા પ્રેમ સંબંધને કારણે કરવામાં આવી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. મહિલાની કથિત રીતે હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તેની બૉડીને એક ગુણીમાં ભરીને જવાહર-નાસિક રોડ પર આવેલી વાઘ નામની નદીમાં ફેંકી દેવામાં આવી હતી. ૧ એપ્રિલના રોજ નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. મોખાડા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ જે ગુણીમાં મહિલાનો મૃતદેહ ભરવામાં આવ્યો હતો તેની પર અંકાયેલા SM 28 આ અક્ષરોના આધારે મહિલાના બોયફ્રેન્ડ અને અન્ય બે સાથીઓની ધરપકડ કરવામાં પોલીસ ટીમને સફળતા મળી છે.
Palghar Crime News: નેપાળમાં રહેનારા કાજોલ ગુપ્તા અને રાજકુમાર વરહી બંને જણ છેલ્લા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં હતા. કાજોલ રાજુકુમારને તેની સાથે પરણી જવા માટે સતત આગ્રહ રાખતી હતી. જો કે આ વાતથી છટકવા માટે રાજકુમારે તેની પ્રેમિકાને પતાવી નાખવાનો પ્લાન બનાવ્યો. જેથી તે લગ્નથી બચી શકે. ત્યારબાદ રાજકુમારે તેના પિતાજીનાં સેલવાસ ખાતેના મિત્ર સુરેશ સિંગની અને ડ્રાઈવર બાલાજી વાઘમારેની મદદ લેવાનું નકકી કર્યું. ત્યારબાદ રાજકુમાર તેની પ્રેમિકા કાજોલને સેલવાસા ખાતે લઈ ગયો. બાલાજીની ગાડીમાં બેસાડીને દહાણુ ખાતે આવેલા મંદિરનાં દર્શન પણ કરાવ્યા.
૩૧ માર્ચે ત્ર્યંબકેશ્વર મંદિરથી પાછા આવતી વખતે જંગલમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. ઓઢણી લઈને તેનું ગળું રૂંધી નાખવામાં આવ્યું હતું. અને તેના મૃતદેહને ગુણીમાં ભરીને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આ મામલે (Palghar Crime News) તપાસ કરવામાં આવી હતી અને તેના આધારે મહિલાના પ્રેમી રાજુકુમાર વરહી, સુરેશ સિંગ તથા ડ્રાઈવર બાલાજી વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ મોખાડા પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક અને સ્થાનિક ગુના બાબતની શાખા દ્વારા કરવામાં આવી રહી છે. આ આરોપીઓને ૧૧ એપ્રિલ સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે.
પોલીસ અધિકારીએ આ માંમળે જણાવ્યું હતું કે કાજોલ ગુપ્તા અને રાજકુમાર વરહી દોઢ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં (Palghar Crime News) હતાં. આરોપીને દિલ્હીમાં નોકરી મળી હતી પણ તે છોડીને અહીં આવી ગયો હતો. પીડિતાએ કથિત રીતે રાજકુમાર પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને અનેક પ્રસંગોએ દિલ્હીમાં તેમની મુલાકાત લીધી હતી. જોકે, આરોપીએ સંબંધનો અંત લાવવાનો નિર્ધાર કર્યો હતો અને તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

