Palghar Blast: પરફ્યુમની બોટલોની એક્સપાયરી ડેટ બદલવાનો પ્રયાસ કરતી વખતે ફ્લેટમાં વિસ્ફોટ, બે સગીર સહિત એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા
પ્રતીકાત્મક તસવીર
પરફ્યુમની હળવી સુગંધ દરેકને આકર્ષે છે, પરંતુ ક્યારેક આ સુગંધ મુસિબત બની શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લાના નાલાસોપારા (Nala Sopara) વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક પરિવાર માટે આ શોખ મોટા અકસ્માતનું કારણ બન્યો. બન્યું એવું કે પરફ્યુમની બોટલોની એક્સપાયરી ડેટ બદલવાનો પ્રયાસ કરતી વખતે ફ્લેટમાં વિસ્ફોટ (Palghar Blast) થયો જેમાં પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ફ્લેટમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે સગીર સહિત એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા. પરિવારનો સભ્ય પરફ્યુમની બોટલો પરની એક્સપાયરી ડેટ બદલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે જ આ અકસ્માત થયો. શુક્રવારે એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આ અકસ્માત ગુરુવાર અને શુક્રવારની રાત્રે મુંબઈની બહારના નાલ્લા સોપારામાં રોશની એપાર્ટમેન્ટના રૂમ નંબર ૧૧૨માં થયો હતો.
ADVERTISEMENT
પોલીસે ઘાયલોની ઓળખ મહાવીર વાદર (૪૧ વર્ષ), સુનિતા વાદર (૩૮ વર્ષ), કુમાર હર્ષવર્ધન વાદર (૯ વર્ષ) અને કુમારી હર્ષદા વાદર (૧૪ વર્ષ) તરીકે કરી છે.
પ્રાથમિક અહેવાલોને ટાંકીને, અધિકારીએ જણાવ્યું હતું કે, પરફ્યુમની બોટલો પર એક્સપાયરી ડેટ બદલવાના પ્રયાસ દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ પ્રવૃત્તિમાં જ્વલનશીલ પદાર્થોનો સમાવેશ થઈ શકે છે. તેમણે કહ્યું કે, કુમાર હર્ષવર્ધનની સારવાર નાલા સોપારા સ્થિત લાઇફ કેર હોસ્પિટલ (Life Care Hospital)માં ચાલી રહી છે, જ્યારે અન્ય લોકોની સારવાર તે જ વિસ્તારની ઓસ્કાર હોસ્પિટલ (Oscar Hospital)માં ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, દરેકની હાલત સ્થિર છે પરંતુ સારવાર ચાલુ રહેશે.
એક એજન્સીના અહેવાલ મુજબ, આ પ્રક્રિયામાં જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કદાચ અકસ્માતનું મુખ્ય કારણ હતું. જોકે, આ પરિવાર પરફ્યુમના વ્યવસાયમાં છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકી નથી. આ અકસ્માતે પરફ્યુમ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના સલામત ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, આવા પદાર્થો સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ટાળવી જોઈએ. પરિવારે આવું પગલું કેમ ભર્યું તે સ્પષ્ટ કરવા માટે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
વસઈમાં ઘરના વોશિંગ મશીનમાં વિસ્ફોટ થતા આગ લાગી, જાનહાનિ નહીં
સોમવારે, મુંબઈ (Mumbai) નજીક વસઈ (Vasai)માં એક રહેણાંક મકાનમાં વોશિંગ મશીન વિસ્ફોટથી આગ લાગી હતી. વસઈમાં આવેલી દોસ્તી કોરલ હાઉસિંગ સોસાયટી (Dosti Coral Housing Society)માં થોમસ મેથ્યુના ફ્લેટના રસોડાના ડક્ટ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. ડક્ટ વિસ્તારમાં વોશિંગ મશીન મૂકવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. તેમ છતાં, ડક્ટમાં વોશિંગ મશીન અને અન્ય વસ્તુઓ આગમાં નાશ પામી હતી. વિસ્ફોટ થયો ત્યારે ઘરમાં એક મહિલા હાજર હતી, પરંતુ તે બચી ગઈ. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (Vasai-Virar Municipal Corporation)ના ફાયર વિભાગના ઝડપી પ્રતિભાવથી આગ કાબૂમાં રહી હતી અને વધુ નુકસાન ટાળવામાં આવ્યું હતું. વિસ્ફોટના કારણની તપાસ થવાની શક્યતા છે. આ દુર્ઘટના ઘરગથ્થુ ઉપકરણો સાથે સંકળાયેલા જોખમો તેમજ નિયમિત જાળવણીના મહત્વની યાદ અપાવે છે.