મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકારે એનસીપીના વડા શરદ પવારને જાનથી મારી નાખવાની મળેલી ધમકીની ગંભીર નોંધ લીધી છે
શરદ પવાર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકારે એનસીપીના વડા શરદ પવારને જાનથી મારી નાખવાની મળેલી ધમકીની ગંભીર નોંધ લીધી છે અને તપાસ માટે સૂચના આપી છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આવી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં.
મુંબઈ પોલીસે એક બાજુ ધમકી અંગે એફઆઇઆર નોંધ્યો છે તો બીજી બાજુ પુણે પોલીસે શિવાજીનગર વિસ્તારમાં આવેલા શરદ પવારના નિવાસસ્થાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી. એકનાથ શિંદેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘શરદ પવારની સુરક્ષા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે. જરૂર પડે તો પોલીસને તેમની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે.’
શરદ પવારે આ બાબતે કહ્યું હતું કે જો કોઈ એમ ધારતું હોય કે ધમકી આપવાથી અમારા અવાજને દબાવી શકાશે તો એ તેની ધારણા ખોટી છે. પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘મને મહારાષ્ટ્ર પોલીસ પર પૂરતો વિશ્વાસ છે. દેશમાં વાણીસ્વાતંત્ર્ય છે અને દેશના કોઈ પણ નાગરિકને તેનો મત દર્શાવવાનો અધિકાર છે. જો કોઈ એમ ધારતું હોય કે ધમકી આપવાથી અમારા અવાજને દબાવી શકશે તો તેની એ ધારણા ખોટી છે.’