આપણે સોસાયટીને આવા બનાવટી વિડિયોથી બચાવવાની જરૂર છે.
ગઈ કાલે સાતારામાં એક ચૂંટણીસભામાં સ્ટેજ પર બિરાજમાન કરવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કરતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના કરાડમાં એક પ્રચારસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘વિરોધીઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે ફાઇટ આપી શકતા નથી તેથી તેઓ ટેક્નૉલૉજીનો દુરુપયોગ કરીને સોશ્યલ મીડિયામાં બનાવટી વિડિયો વાઇરલ કરી રહ્યા છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને આવા વિડિયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવા વિડિયોથી લોકોએ ખાસ સંભાળવાનું રહેશે અને એવા વિડિયો મળે તો તેમણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ અને આવા બનાવટી વિડિયો બનાવતા લોકોને ઉઘાડા પાડવા જોઈએ. AIનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા મારા, ગૃહપ્રધાન અમિત શાહ અને BJP પ્રેસિડન્ટ જે. પી. નડ્ડાના બનાવટી વિડિયો પ્રસારિત કરાઈ રહ્યા છે. આ લોકો મારા અવાજનો ઉપયોગ કરીને પણ બનાવટી વિડિયો બનાવી રહ્યા છે.’
આવતા એક મહિનામાં એક મોટી ઘટના બને એવો પ્લાન બની રહ્યો છે. આપણે સોસાયટીને આવા બનાવટી વિડિયોથી બચાવવાની જરૂર છે. જે લોકો આવા બનાવટી વિડિયો બનાવે છે તેમની સામે ચૂંટણીપંચ પગલાં ભરે એવી હું માગણી કરું છું. - નરેન્દ્ર મોદી