બે દિવસની રાજ્યની મુલાકાતે આવેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યો દાવો
ગઈ કાલે બોરીવલી (વેસ્ટ)માં આવેલા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્મૃતિ પાર્કમાં જનરલ નૉલેજની ક્વિઝ રમી રહેલા જે. પી. નડ્ડા અને દેવેન્દ્ર ફડણવીસ.
મુંબઈ (પી.ટી.આઇ.) : ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક સમારોહમાં બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બુધવારે દાવો કર્યો હતો કે ‘અમેરિકા, ચીન અને જપાન હવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે, કારણ કે એમણે કોરોના પેન્ડેમિક દરમ્યાન અઢળક પૈસા ખર્ચ્યા હતા; જ્યારે ભારત સરકાર કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સમાન ક્ષેત્રમાં ખર્ચ કરવાના હેતુથી ૨૦ લાખ કરોડનું પૅકેજ લઈને આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા હોવાને કારણે આ મદદ મળે છે.’
મહારાષ્ટ્રમાં અગાઉની મહાવિકાસ આઘાડી સરકારને સંપૂર્ણ રીતે ભ્રષ્ટ ગણાવતા જે. પી. નડ્ડાએ આરોપ લગાવ્યો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના વહીવટી તંત્રે તમામ સારાં કાર્યોને અટકાવ્યાં હતાં, પરંતુ હવે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર લોકોના પ્રશ્નોને વાચા આપશે. તેઓ ગઈ કાલે બે દિવસની રાજ્યની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે તેમણે બોરીવલીમાં આવેલા ભારત રસ્ત અટલ બિહારી વાજપેયી સ્મૃતિ પાર્કમાં ગયા હતા. ત્યાં તેમની સાથે દેવેન્દ્ર ફડણવીસથી લઈને બીજેપીના ટોચના તમામ નેતાઓ હાજર હતા. ત્યાંથી તેઓ કાંદિવલીના ઠઠ્ઠાઈ ભાટિયા હૉલમાં પન્ના પ્રમુખની બેઠકમાં સામેલ થયા હતા. આ સિવાય પણ શહેરમાં મહાનુભાવોના સ્મૃતિસ્થળોએ તેમણે દર્શન કર્યા હતા. ગઈ કાલે તેમણે દાવો કર્યો હતો કે મુંબઈ મહાનગરપાલિકામાં બીજેપીનો જ મેયર હશે.