સરકાર એક્સપોર્ટ ડ્યુટી માફ કરવા પર વિચારશે એવા આશ્વાસન પછી લિલામી તો શરૂ થઈ, પણ વેપારીઓએ ૨૪.૧૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે માલ ખરીદવાનો ઇનકાર કરી દેતાં માર્કેટો બંધ-ખોલ થઈ રહી છે
ફાઇલ તસવીર
બુધવારે બંદરો પર ઊભેલાં કાંદાનાં કન્ટેનરો પર સરકાર એક્સપોર્ટ ડ્યુટી માફ કરવા પર વિચારશે એવા આશ્વાસન પછી ગઈ કાલથી મહારાષ્ટ્રમાં કાંદાનાં બજારોમાં લિલામીની શરૂઆત થઈ ગઈ હતી. જોકે મહારાષ્ટ્રના પિંપળગાવમાં ખેડૂતોએ વેપારીઓને સરકારે જાહેર કરેલા ૨૪.૧૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે માલ ખરીદવા દબાણ કરીને લિલામ રોકાવી દીધું હતું. વેપારીઓએ આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એને કારણે થોડા સમય માટે લિલામ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર પછી ખેડૂતો ઝૂકી જતાં ફરીથી લિલામીની શરૂઆત થઈ હતી. આવી જ હાલત મહારાષ્ટ્રની બધી જ માર્કેટોમાં છે. વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભાવની રકઝક વચ્ચે માર્કેટો બંધ-ખોલ થઈ રહી છે.
આ બાબતની માહિતી આપતાં પિંપળગાવના કાંદાના એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘ફક્ત પિંપળગાવમાં જ નહીં; નાશિક, અહમદનગર બધી જ માર્કેટોમાં ખેડૂતો ૨૪ રૂપિયે પ્રતિ કિલોનો ભાવ ડિમાન્ડ કરી રહ્યા છે, પરંતુ વેપારીઓ સરકારના ભાવ સાથે સહમત નથી. અહમદનગરમાં ગઈ કાલે સવારે ૧૬થી ૨૩ રૂપિયે પ્રતિ કિલોના ભાવ ખરીદી કરવામાં આવી હતી. ત્યાં ૩૫૦ ગાડીની આવક હતી. અમારે ત્યાં બંધ-ખોલ વચ્ચે અહમદનગરના ભાવની આસપાસ જ ભાવમાં ખરીદી ચાલી રહી છે. નાશિકમાં માર્કેટ બંધ ખોલ થયા કરે છે. ખેડૂતો હવે સરકારી ભાવ પકડીને બેઠા છે.’
ADVERTISEMENT
મંગળવારે કેન્દ્ર સરકારના ખાદ્યપ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખેડૂતો અને ગ્રાહકોના બંનેના હિતમાં ૨૪.૧૦ રૂપિયે પ્રતિ કિલો કાંદા ખરીદવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારી એજન્સીઓ નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ અને નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા દેશના વિવિધ પ્રદેશોમાં ગ્રાહકોને ૨૫ રૂપિયે કિલો સબસિડીવાળા કાંદા વેચાણ કરશે.
જોકે પુણેના ૪૫ વર્ષના સંતોષ ઘાગે સરકારના ૨૪ રૂપિયે પ્રતિ કિલો ભાવ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખેડૂતો જે ફર્સ્ટ ક્વૉલિટી કાંદાનું ઉત્પાદન કરે એના ૨૪ રૂપિયા ભાવ મળે, પરંતુ આ માલ ૧૦૦ ગૂણીમાંથી ૧૦ ગૂણી માંડ હોય છે એટલે આ ભાવની આશા રાખી કેમ શકાય. અત્યારે ખેડૂતો પાસે જૂનો પાક છે. સરકાર ખેડૂતો પર ભલમનસાઈની વાતો કરતી હોય છે, પણ ખેડૂત હંમેશાં સરકાર અને વેપારીઓની વચ્ચે ભીંસાતો હોય છે.’