હાલમાં કોવૅક્સિન જ અવેલેબલ હોવાથી લોકોને સતાવી રહ્યો છે આ પ્રશ્ન. જોકે સરકારે આ બન્ને વૅક્સિન લેનારા લોકો કોર્બેવૅક્સનો બૂસ્ટર લઈ શકે છે એવી સ્પષ્ટતા કરી છે. મુંબઈમાં ૭૫ લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનો બાકી
ફાઇલ તસવીર
કોરોના વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં જે લોકોએ કોવિડ વૅક્સિનનો બૂસ્ટર એટલે કે પ્રિકૉશન ડોઝ લીધો છે તેમને બહુ વાંધો નહીં આવે. મુંબઈની વાત કરીએ તો અહીં કોવિડ વૅક્સિનના પહેલા અને બીજા ડોઝ મોટા ભાગના લોકોએ લઈ લીધા છે, પરંતુ અત્યાર સુધી માત્ર ૧૬ ટકા એટલે કે ૧૪.૫૦ લાખ મુંબઈગરાઓએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. બીજા શબ્દોમાં કહીએ તો મુંબઈમાં ૯૨ લાખમાંથી ૭૫.૫૦ લાખ લોકોએ ત્રીજો ડોઝ લેવાનું બાકી છે એટલે અત્યારે ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ BF.7 મુંબઈમાં ફેલાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. બીજું, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પહેલો અને બીજો ડોઝ મોટા ભાગના લોકોએ કોવિશીલ્ડનો લીધો છે, જે અત્યારે ઉપલબ્ધ નથી. પ્રિકૉશન ડોઝ તરીકે અત્યારે ઉપલબ્ધ કોવૅક્સિન રસી આપવા સંબંધમાં કોઈ સ્પષ્ટતા નથી એટલે કેવી રીતે બધા કોરોનાના નવા વાઇરસ સામે સંરક્ષણ મેળવશે એનો સવાલ ઊભો થયો છે.
અત્યારે માત્ર કોવૅક્સિન રસી જ ઉપલબ્ધ છે એટલે જેમના પહેલા અને બીજા ડોઝ આ વૅક્સિનના થયા છે તેઓ પ્રિકૉશન ડોઝ તરીકે આ રસી મુકાવી રહ્યા છે. જોકે મોટા ભાગના લોકોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોવિશીલ્ડ રસી મુકાવી હતી એટલે તેઓ અત્યારની સ્થિતિમાં બૂસ્ટર ડોઝ મુકાવવા જઈ રહ્યા છે, પણ કોવિશીલ્ડ રસી ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
આ બધા વચ્ચે સુધરાઈની હૉસ્પિટલ અને વૉર્ડ ઑફિસોમાં લોકોએ બૂસ્ટર ડોઝ ક્યાંથી મળશે એની ઇન્ક્વાયરી કરવાનું શરૂ કરી દીધું છે. લોકોને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન એ છે કે અત્યારે માત્ર કૉવેક્સિન જ મળતી હોવાથી તેઓ પહેલાં બે ડોઝ કૉવિશિલ્ડના લીધા હોય તો કૉવેક્સિન લઈ શકે? આવી જ હાલત મુંબઈની આસપાસના વિસ્તાર મીરા-ભાઈંદર, થાણે, કલ્યાણ-ડોમ્બિવલીમાં છે. જોકે, સરકારે ઑગસ્ટમાં જ એક પરિપત્ર બહાર પાડીને કહ્યું હતું કે કોવૅક્સિન અને કોવીશિલ્ડના બે ડોઝ લેનારી વ્યક્તિ કોર્બેવૅક્સનો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
મુંબઈ બીએમસીના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) સંજીવકુમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર અને નિષ્ણાતોના મંતવ્ય મુજબ ચીનમાં અત્યારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો નવો વેરીઅન્ટ BF.7થી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો અને ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરવો જરૂરી છે. મુંબઈની વાત કરીએ તો અત્યાર સુધી ૯૨ લાખ લોકોના પહેલા અને બીજા ડોઝ થઈ ચૂક્યા છે, પણ માત્ર ૧૬ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આ બહુ ચિંતાજનક બાબત છે. અત્યારે માત્ર કોવૅક્સિનની રસી જ ઉપલબ્ધ છે એટલે જેમના પહેલા અને બીજા ડોઝ આ રસીના થયા છે તેમણે વહેલી તકે એ મુકાવી દેવી જોઈએ. કોવિશીલ્ડ વૅક્સિન વહેલી તકે પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકારને રજૂઆત કરીશું.’
મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ‘મિડ-ડે’ને ભારત સરકારે ૨૨ ડિસેમ્બરે વૅક્સિન બાબતે જાહેર કરેલા પત્ર વિશે કહ્યું હતું કે ‘ભારતીય કે વિદેશી નાગરિકે વિદેશમાં કોવિડ વૅક્સિનનો કોઈ પણ ડોઝ લીધો હોય તેઓ ભારતમાં ઉપલબ્ધ કોઈ પણ રસી મુકાવી શકે છે. કોવિશીલ્ડ વૅક્સિન મુકાવનારાઓએ બૂસ્ટર ડોઝ લેવા માટે થોડી રાહ જોવી પડશે. ટૂંક સમયમાં આ રસી આવી ગયા બાદ બધાએ વહેલી તકે મુકાવી લેવી હિતાવહ છે. ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવો ફરજિયાત નથી કરાયું, પણ બધા પહેરશે તો આ ચેપી વાઇરસ ફેલાતો રોકાશે અને આપણે સ્થિતિ પર કાબૂ મેળવી શકીશું.’