મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં એકનું મોત અને ૬ જણ ઘાયલ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શનિવારે મધરાત બાદ મુંબઈથી પુણે જઈ રહેલી વૈભવ ટ્રાવેલ્સની બસનો ખોપોલી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે છ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મુંબઈથી પુણે જઈ રહેલી વૈભવ ટ્રાવેલ્સની બસના ૪૩ વર્ષના ડ્રાઇવર શિરીષ ડેખળેએ ખોપોલી પાસે બસના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી ટ્રક સાથે બસ અથડાવી દીધી હતી. આ દુર્ઘટનામાં તેને તો કંઈ થયું નહોતું અને તે બચી ગયો હતો, પણ તેની બાજુમાં બેસેલા બસના બીજા ડ્રાઇવર રાજુ ગાવડેને ગંભીર ઈજા થઈ હતી અને એને કારણે તેનું મૃત્યુ થયું હતું. રાજુ ગાવડેએ મૂળ સાંગલીનો રહેવાસી હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ, બોરઘાટ પોલીસ, દેવદૂત રેસ્ક્યુ ટીમ, ડેલ્ટા ફોર્સ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટીના જવાનો ઘટનાસ્થળે બચાવકાર્ય માટે ધસી ગયા હતા. આ બધી જ એજન્સીના જવાનોએ સહિયારું અભિયાન હાથ ધરીને બસમાંથી ૬ ઘાયલોને બહાર કાઢ્યા હતા અને તેમને એમજીએમ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે મૃત બસ-ડ્રાઇવર રાજુ ગાવડેના મૃતદેહને ખોપોલી નગરપાલિકાની હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
આ અકસ્માતને કારણે મુંબઈ-પુણે લેન પર ટ્રાફિક જૅમ થયો હતો. ત્યાર બાદ હાઇવે પોલીસે અકસ્માત થયેલાં વાહનોને સાઇડ પર કરતાં ધીમે-ધીમે વાહનોને ત્યાંથી પસાર કરાતાં હતાં. એથી આ સમય દરમ્યાન મોટરિસ્ટોને ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો.