રોડ બનાવવાની સાથે રિપેર કરવા માટે ચેતક એન્ટરપ્રાઇઝિસ કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો.
મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર મોટા પ્રમાણમાં ખાડા પડ્યા
મુંબઈ-ગોવા નૅશનલ હાઇવે પર મોટા પ્રમાણમાં ખાડા પડ્યા હોવાની ફરિયાદો મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે દિવસ પહેલાં અહીં ચાલી રહેલા કામની ચકાસણી કરી હતી. એ સમયે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કામમાં બેદરકારી કરનારી કંપનીઓ સામે સખત હાથે કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના બે દિવસ બાદ રાયગડની માણગાવ પોલીસે ચેતક એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ કંપની સામે સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરીને કંપનીના સંચાલક હકુમચંદ જૈન, જનરલ મૅનેજર અવધેશકુમાર સિંહ અને એન્જિનિયર સુજિત કાંબળેને આરોપી બનાવ્યા છે. પોલીસે એન્જિનિયર સુજિત કાંબળેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. રોડ બનાવવાની સાથે રિપેર કરવા માટે ચેતક એન્ટરપ્રાઇઝિસ કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીએ ઇન્દાપુરથી વડપાલે દરમ્યાન હાઇવેનું કામ બરાબર કર્યું ન હોવાથી ૨૦૨૦થી અત્યાર સુધીમાં હાઇવેના આ પટ્ટામાં ૧૭૦ અકસ્માત થયા છે, જેમાં ૯૭ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૨૦૮ લોકોને ઈજા થઈ છે.