માતોશ્રીના દરવાજા ખુલ્લા હોવાનું શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ કહ્યું ઃ જોકે દેવેન્દ્ર ફડણવીસે પંકજા મુંડે ક્યારેય બીજેપી નહીં છોડે એવો દાવો કર્યો
ફરી એક વાર નારાજ પંકજા મુંડેને ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાવાની ઑફર
મુંબઈ ઃ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ બીજેપીમાં સાઇડલાઇન કરવામાં આવી રહેલાં પંકજા મુંડેને શિવસેનામાં સામેલ થવાની ઑફર આપી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે પંકજા મુંડે ક્યારેય બીજેપી નહીં છોડે એટલે તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં સામેલ થવાનો સવાલ જ નથી થતો.
છેલ્લા કેટલાક સમયથી ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેની બીજેપીમાં અવગણના થઈ રહી હોવાનું જણાઈ આવે છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ પંકજા મુંડે માટે માતોશ્રીના દરવાજા ખુલ્લા હોવાનું ખુદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હોવાનું કહ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું હતું કે ‘બીજેપીને મરાઠવાડાનાં ગામડાંઓમાં પહોંચાડવાનું કામ ગોપીનાથ મુંડેએ કર્યું હતું. તેમની પુત્રી પંકજા મુંડે સાથે બીજેપી અન્યાય કરી રહી છો. પંકજા યુતિના સાચા વારસ છે એટલે તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથમાં આવવું જોઈએ.’
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે આ વિશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પંકજા મુંડેનું ઘર બીજેપી છે. આથી તેઓ બીજેપીમાંથી ક્યાંય જશે નહીં. કેટલાક લોકો આવી વાતો કરીને ચર્ચા જગાવે છે, પણ તેમના કહેવાથી કંઈ થવાનું નથી.’
કૉન્ગ્રેસના વિધાનસભ્યને એક વર્ષની સજા કરાઈ
૨૦૧૭માં સરકારી વીજળી કંપનીના કર્મચારીઓની મારપીટ કરવાના મામલામાં નાગપુરની સેશન્સ કોર્ટે કૉન્ગ્રેસના વિધાનસભ્ય સુનીલ કેદારને એક વર્ષની કેદની સજા ગઈ કાલે સંભળાવી હતી. વીજળી કંપનીના મદદનીશ એન્જિનિયર સહિત અન્ય કર્મચારીઓની મારપીટ કરવાના મામલામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય સુનીલ કેદારને કોર્ઠે દોષી ઠેરવ્યા હતા. ૨૦૧૭માં નાગપુર જિલ્લાના તેલગાવ ખાતે ખેતરમાં સરકારી વીજળી કંપનીના ટાવર બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામથી ખેડૂતોને પાકનું નુકસાન થઈ રહ્યું હતું એટલે કેટલાક ખેડૂતોએ કૉન્ગ્રેસના સ્થાનિક વિધાનસભ્ય સુનીલ કેદારને આ બાબતે ફરિયાદ કરી હતી. આથી સુનીલ કેદાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મદદનીશ એન્જિનિયર સહિત અન્ય કર્મચારીઓની મારપીટ કરીને કામ બંધ કરાવ્યું હતું. આ બાબતે નાગપુરના કેળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ગઈ કાલે નાગપુરની સેશન્સ કોર્ટે વિધાનસભ્ય સુનીલ કેદારને દોષી ઠેરવીને તેમને એક વર્ષની કેદની સજા કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: અજિતદાદા, અમારી વચ્ચે ફૂટ પડાવવાનો પ્રયાસ કામ નહીં આવે
મુંબઈમાં કૉન્ક્રીટના રસ્તાના કામમાં કૌભાંડ?
રાજ્ય સરકાર મુંબઈના તમામ રસ્તા કૉન્ક્રીટના બનાવીને ખાડામુક્ત કરવાની યોજના પર કામ કરી રહી છે ત્યારે ગઈ કાલે યુવાસેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના રસ્તાઓ બનાવવા માટે નવાં ટેન્ડર જાહર કરવામાં આવી રહ્યાં છે. શહેરના ૪૦૦ કિલોમીટરના રસ્તા કૉન્ક્રીટના કરવામાં આવશે. માર્ચ ૨૦૨૨ સુધી તમામ કૉન્ટ્રૅક્ટરો એસ્ટિમેટ કિંમતના વીસ ટકાની અંદર બીડ કરતા હતા, જેમાં જીએસટીનો પણ સમાવેશ રહેતો. અત્યારે રાજ્ય સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાનું કામ આપ્યું છે. આમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શંકા ઊપજે છે.’
પત્રકારો સાથેની વાતચીતમાં આદિત્ય ઠાકરેએ વિધાનસભ્ય સદા વરવણકરે ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં પુરવાર થયું હોવા છતાં તેમની સામે કાર્યવાહી ન કરવા બદલ એકનાથ શિંદે સરકારની ટીકા કરી હતી.