અત્યાર સુધીમાં કોઈ દેશમાંથી એવી આંકડાકીય માહિતી મળી નથી જે આ સબ-વેરિઅન્ટને ગંભીર પુરવાર કરી શકે
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)નાં ચીફ સાયન્ટિસ્ટ ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથને ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં કોવિડ-૧૯ વાઇરસના વેરિઅન્ટ ઓમાઇક્રોનનો પેટા-વાઇરસ એક્સબીબી વધુ એક કોવિડ લહેરનું કારણ બની શકે છે.
ડેવલપિંગ કન્ટ્રીઝ વૅક્સિન મૅન્યુફૅક્ચરર્સ નેટવર્કની પુણેમાં યોજાયેલી એજીએમમાં પત્રકારો સાથે બોલતાં તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે ‘હજી સુધી કોઈ દેશમાંથી એવો ડેટા પ્રાપ્ત થયો નથી જે સૂચવે કે નવો વેરિઅન્ટ ક્લિનિકલી વધુ ગંભીર છે. ઓમાઇક્રોનના કુલ ૩૦૦ કરતાં વધુ સબ-વેરિઅન્ટ છે. હાલમાં જે એક્સબીબી સબ-વેરિઅન્ટ છે એ એક રીકૉમ્બિનન્ટ વાઇરસ છે. અગાઉ પણ કેટલાક રીકૉમ્બિનન્ટ વાઇરસ જોયા હતા જે ખૂબ જ રોગપ્રતિકારકવિરોધી છે અને ઍન્ટિ-બૉડીઝને દૂર કરી શકે છે. આ જ કારણે એક્સબીબી સબ-વેરિઅન્ટને પગલે કેટલાક દેશોમાં ચેપની બીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
જોકે અત્યાર સુધીમાં કોઈ દેશમાંથી એવી આંકડાકીય માહિતી મળી નથી જે આ સબ-વેરિઅન્ટને ગંભીર પુરવાર કરી શકે.
કોવિડ વાઇરસના ચેપને કારણે પ્રત્યેક અઠવાડિયે ૮,૦૦૦થી ૯,૦૦૦ વ્યક્તિનાં મૃત્યુ નોંધાઈ રહ્યાં હોવાથી આપણે મહામારીનો અંત આવ્યો છે એમ ન કહી શકીએ. એનો અર્થ એ છે કે આપણે સાવચેતી રાખીને કોવિડના પ્રોટોકૉલનું પાલન કરવું આવશ્યક છે. હવે આપણી પાસે આ મહામારીથી બચવા માટે અનેક સાધનો છે, જેમાં વૅક્સિન મુખ્ય છે.