બીએમસી એને માટે મુંબઈ પાર્કિંગ પૂલ નામની ઍપ બનાવવા જઈ રહી છે
હવે મોબાઇલ પર જાણી શકાશે કે તમારી નજીક ક્યાં પાર્કિંગ મળશે
મુંબઈ ઃ જો બધું સમુસૂતરું પાર પડ્યું તો ટૂંક સમયમાં મુંબઈગરાને સતાવતી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે. બીએમસી આ માટે ડિજિટલ ટેક્નૉલૉજી અને ઇન્ટરનેટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી ‘મુંબઈ પાર્કિંગ પૂલ’ (એમપીપી) ઍપ બનાવવાનું વિચારી રહી છે,
જેથી લોકો મોબાઇલ પર જ તેમના લોકેશનની બાજુમાં ક્યાં પાર્કિંગ પ્લૅસ ખાલી છે એ જાણી શકશે. આ માટે તેમણે એ ઍપ બનાવવા બાબતે ઍડ્વાઇઝરની નિયુક્તિ કરવાની હોવાથી એ માટે ટેન્ડર મંગાવ્યાં છે.
હાલ મુંબઈમાં બીએમસીના પે ઍન્ડ પાર્ક છે અને ઘણી જગ્યાએ પ્રાઇવેટ પાર્કિંગ પણ છે. એ સિવાય મેઇન રોડ છોડીને અંદરની બાયલેન્સમાં પણ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઘણી સાંકડી અને નાની ગલીઓમાં ઓડ ઍન્ડ ઇવન ફૉર્મ્યુલા વાપરી એ પ્રમાણે વાહનો પાર્ક કરવા દેવાય છે. એમ છતાં મુંબઈમાં વાહનોની સંખ્યા જોતાં પાર્કિંગ પ્લેસ હંમેશાં ઓછી પડે છે. લોકો તેમનાં વાહનો સેફ રહે એ માટે પાર્કિંગ માટે પૈસા આપવા તૈયાર હોય છે એમ છતાં, જગ્યા મળતી નથી. એથી ઘણી વાર લોકોએ નછૂટકે અન્ય જગ્યાએ વાહનો પાર્ક કરવા પડે છે અને ત્યાર બાદ આરટીઓની કાર્યવાહીમાં દંડ ચૂકવવો પડે છે. મુંબઈગરાઓ તેમના લોકેશનની આજુબાજુમાં જ ક્યાં પાર્કિંગ પ્લૅસ છે એ મોબાઇલ પર જાણી શકે તો ઘણી બધી સમસ્યાનો અંત આવી શકે એમ છે. એથી બીએમસીએ આ પ્રકારની ઍપ વિકસાવવાનું નક્કી કર્યું છે. જોકે એ માટે બીએમસીએ તેમના દરેક પાર્કિંગ લોટની માહિતી, પ્રાઇવેટ પાર્કિંગની માહિતી અને અન્ય બાબતો એ કંપની સાથે શૅર કરવાની રહેશે, એની બધી જ ડીટેઇલ આપવાની રહેશે. એક વાર એ ઍપ બની જશે પછી આ સમસ્યાનો અંત આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે.