વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ ઉદ્ધવસેનામાંથી અસલી અવાજ ઊઠ્યો
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય અને મહાવિકાસ આઘાડીનો ભારે રકાસ થયા બાદ ઉદ્ધવસેનામાં આગામી ચૂંટણી સ્વબળે લડવાનો સૂર ઊઠવા માંડ્યો છે. મંગળવારે પરાજયનાં કારણ જાણવા માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના હારી ગયેલા નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કૉન્ગ્રેસ અને શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાનિક નેતાઓએ મહા વિકાસ આઘાડી માટે કામ ન કરવાને લીધે પરાજય થયો હોવાનો મત અનેક નેતાઓએ વ્યક્ત કર્યો હતો. UBTના વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થવાથી મોટા ભાગના અમારા પક્ષના નેતા અને કાર્યકરોનું માનવું છે કે ત્રણ પક્ષની ખીચડીને લીધે આપણી આવી હાલત થઈ છે. આથી આગામી ચૂંટણીઓમાં સત્તા મળે કે ન મળે શિવસેનાએ મહાવિકાસ આઘાડીમાંથી બહાર પડીને સ્વબળે ચૂંટણી લડવી જોઈએ. આપણી હિન્દુત્વની વિચારધારાને કાયમ
રાખવા માટે આવો નિર્ણય લેવાની જરૂર છે.’