પંદર દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનું ૧૯૯૧થી ૧૯૯૯માં ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા પ્રવીણ આમરેને કહેવામાં આવ્યું છે.
પ્રવીણ આમરે
ભારતીય ક્રિકેટ ટીમના અને મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેને રત્નાગિરિના તહસીલદારે નદીમાંથી ગેરકાયદે રેતી કાઢવા માટે નોટિસ મોકલીને તેની પાસેથી ૧૨.૬૫ લાખ રૂપિયા શા માટે વસૂલ કરવામાં ન આવે એવો સવાલ પૂછ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પંદર દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનું ૧૯૯૧થી ૧૯૯૯માં ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા પ્રવીણ આમરેને કહેવામાં આવ્યું છે. રત્નાગિરિ તાલુકાના જયગડ પાસેની રીળ ગ્રામપંચાયતની હદમાં પ્રવીણ આમરેએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવા ઉપરાંત આ બાંધકામ માટે વાપરવામાં આવેલી રેતી પણ નદીમાંથી ગેરકાયદે કાઢવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રવીણ આમરે ૧૧ ટેસ્ટ અને ૩૭ વન-ડે રમ્યો હતો. ૧૯૯૧માં સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં પ્રવીણ આમરેએ સેન્ચુરી ફટકારી હતી. સચિન તેન્ડુલકરના કોચ રમાકાંત આચરેકર પાસે જ પ્રવીણ આમરેએ ક્રિકેટનું કોચિંગ લીધું હતું. રમાકાંત આચરેકરે એક સમયે કહ્યું હતું કે પ્રવીણ આમરે સચિન તેન્ડુલકર કરતાં પણ સારો બૅટ્સમૅન બનશે.

