Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રખર નારીવાદી સોનલ શુક્લના પુસ્તકનું પ્રકાશનપર્વ

પ્રખર નારીવાદી સોનલ શુક્લના પુસ્તકનું પ્રકાશનપર્વ

Published : 09 September, 2022 11:06 AM | Modified : 09 September, 2022 04:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના ગુજરાતી લેખોના  પુસ્તક ‘ઘટના અને અર્થઘટન : સ્ત્રીની આંખે, વીરાંગના’નું પ્રકાશનપર્વ વાચા સંસ્થા દ્વારા વિલે પાર્લેની મણિબેન નાણાવટી કૉલેજ ખાતે ગઈ કાલે યોજાયું હતું

પ્રખર નારીવાદી અને કર્મઠ લેખિકા સોનલ શુક્લ

પ્રખર નારીવાદી અને કર્મઠ લેખિકા સોનલ શુક્લ


પ્રખર નારીવાદી અને કર્મઠ લેખિકા સોનલ શુક્લની પહેલી મૃત્યુતિથિએ તેમના ગુજરાતી લેખોના  પુસ્તક ‘ઘટના અને અર્થઘટન : સ્ત્રીની આંખે, વીરાંગના’નું પ્રકાશનપર્વ વાચા સંસ્થા દ્વારા વિલે પાર્લેની મણિબેન નાણાવટી કૉલેજ ખાતે ગઈ કાલે યોજાયું હતું. સોનલબહેને લગભગ ચાલીસ વરસ સુધી મુંબઈનાં અખબારોમાં નારી ચેતનાને ઉજાગર કરતી કૉલમ દ્વારા લગભગ ૨૦૦૦ લેખો લખ્યા હતા. એમાંથી આ પહેલા પુસ્તકમાં જુદી-જુદી ‘વીરાંગના’ઓ વિશેના ૭૨ લેખ સમાવવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલતાં જાણીતા લેખક, વિવેચક અને કટારલેખક દીપક મહેતાએ લગભગ ૬૦ વરસની પોતાની સોનલબહેન સાથેની મૈત્રીના કેટલાક અનુભવો ટાંકીને કહ્યું હતું કે ‘સોનલબહેનની નારીવાદી સક્રિયતા ફક્ત સ્ત્રીઓને તેમના અધિકારો મેળવવામાં મદદરૂપ થવા પૂરતી મર્યાદિત નહોતી. ઉપરથી નીચે સુધી સામાજિક પરિવર્તનના એજન્ટ બનવું અને માત્ર મહિલાઓ માટે જ નહીં; સમાજમાં દલિત, વંચિત અને ઉપેક્ષિત તમામ લોકો માટે પરિવર્તનના નિમિત્ત બનવું એ તેમનો આદર્શ હતો.’


આ પ્રસંગે ‘સ્ત્રીઅધિકાર માટેની ચળવળ સામેના પડકારો અને તેના પ્રતિભાવ’ વિશે યોજાયેલા પરિસંવાદમાં ડૉ. વિભૂતિ પટેલ, ઍડ્વોકેટ ફ્લાવિયા એગ્નસ, ડૉ. વહીદા નયનાર અને ડૉ. ગીતા ચઢ્ઢાએ વિષયનાં વિવિધ પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ખેવના દેસાઈએ સૂઝ અને કુશળતાપૂર્વક કર્યું હતું. આ ઉપરાંત યજ્ઞા પરમાર, દીનેશ્વરી ઠોન્સે, ડૉ. રાજશ્રી ત્રિવેદી, મીનળ પટેલ અને ડૉ. ટ્વિન્કલ સંઘવીએ પ્રસંગોચિત વક્તવ્યો આપ્યાં હતાં.



કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ


વાચાના ડિરેક્ટર યજ્ઞા પરમારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “લિંગની નજરથી દરેક વિષય અથવા સમસ્યાને જોવી એ સોનલબહેનના જીવનનો એક અમૂલ્ય ભાગ હતો. એમના લેખોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવા એ નારીના ઇતિહાસ સર્જનની શરૂઆત છે. સોનલબહેનનું જીવન મહિલા આંદોલન સાથે જ જોડાયેલું હતું માટે અમારું માનવું છે કે આ પ્રકારનો કાર્યક્રમ તેમને ખરી શ્રદ્ધાંજલિ છે.”

આ સંદર્ભે વાત કરતાં મણીબેન નાણાવટી કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજશ્રી ત્રિવેદીએ જણાવ્યું કે “સોનલબહેને લખેલા લેખોનો હજી માત્ર પહેલો ભાગ પ્રકાશિત થયો છે. આગળ પણ આ ક્રમ ચાલુ રહેશે. મને વિશ્વાસ છે કે સોનલબહેનના આ લેખો ગુજરાતી વાચકો સુધી સીમિત નહીં રહે ભવિષ્યમાં જરૂર આનો અનુવાદ થશે અને તે વિશ્વસ્તરે ખ્યાતિ પામશે.” તેમણે કહ્યું કે “પરિસંવાદમાં મહિલા સાથે વિવિધ સ્તરે થતાં ભેદભાવ અને ઘરેલું હિંસા જેવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.”


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2022 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK