રામાયણ અને મહાભારતનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા રાજ્ય સરકારને પત્ર લખશે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી
Exclusive
પાઠ્યપુસ્તકની પ્રતીકાત્મક તસવીર
સનાતન ધર્મના બે ધાર્મિક મહાકાવ્ય રામાયણ અને મહાભારત હવે શાળાઓમાં ભણાવાશે. નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ શાળાના પાઠ્યપુસ્તકોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. NCERT દ્વારા સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું છે કે, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોને સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય આ સમિતિએ શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.
મહત્ત્વની વાત એ છે કે રામાયણ અને મહાભારતને પાઠ્યક્રમમાં ઉમેરવાનું સૂચન ઉત્તર મુંબઈના બીજેપીના સાંસદ ગોપાલ શેટ્ટી (North Mumbai MP Gopal Shetty)એ વર્ષ ૨૦૧૯માં સંસદમાં આપ્યું હતું. તે સમયે સંબંધિત મંત્રાલય તરફથી આ સૂચન સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાત સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. હવે આ સમિતિએ પોતાના રિપોર્ટમાં પણ સમાન ભલામણ કરી છે.
ADVERTISEMENT
આ મામલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાંસદ ગોપાલ શેટ્ટી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, “હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે સરકારે મારા સૂચનને ધ્યાનમાં રાખીને તેના પર યોગ્ય પગલું ભર્યું છે. રામાયણ અને મહાભારત જેવા પવિત્ર ગ્રંથો શાળામાં ભણાવાશે તો વિદ્યાર્થીઓ પણ સનાતન ધર્મ વિશે વધુ ઊંડાણથી જાણશે અને તેમનામાં પણ ‘વસુધૈવ કુટુંબકમ’ (પૃથ્વી એક પરિવાર)ની ભાવના વિકસિત થશે, જે આપણને સારા સમાજની રચના કરવામાં મદદ કરશે. NCERTએ તો આ મામલે ભલામણ કરી છે અને રાજ્ય સરકારો પણ પોતાના રાજ્યમાં તેના પર અમલ કરી શકે છે.”
મહારાષ્ટ્ર રાજ્ય સરકારને પત્ર લખશે ગોપાલ શેટ્ટી
મહારાષ્ટ્રમાં હાલ બીજેપીની સરકાર છે. શું મહારાષ્ટ્રમાં પણ શાળાના પાઠ્યક્રમમાં મહાભારત અને રામાયણના પાઠ ઉમેરવામાં આવશે? આ પ્રશ્નનો જવાબ આપતા સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું કે, “હું ચોક્કસ આ મામલે રાજ્ય સરકારને પત્ર લખીને વિનંતી કરીશ કે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ સૂચન અમલમાં મૂકવું જોઈએ.”
સીઆઈ ઈસાકે જણાવ્યું હતું કે, “7થી 12 ધોરણના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે.” તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે, કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, દેશભક્તિ અને તેમના રાષ્ટ્ર માટે ગૌરવની ભાવના કેળવાય છે. દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી, તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કેટલાક બોર્ડ પહેલાથી જ રામાયણ અને મહાભારત શીખવે છે, પરંતુ આ વધુ વિગતવાર રીતે થવું જોઈએ.
આ પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારે સરકારી શાળાઓમાં રામાયણ, ગીતા અને મહાભારત જેવા ગ્રંથો ભણાવવાનો નિર્ણય લીધો હતો. આની જાહેરાત કરતાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, આ ગ્રંથોમાં મનુષ્યને નૈતિક અને સંપૂર્ણ બનાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે, “આ શાસ્ત્રો શીખવીને અમે બાળકોને નૈતિક અને સંપૂર્ણ બનાવીશું.”