શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે સંજય રાઉત વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે, આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ થશે
ફાઇલ તસવીર
શિવસેના સાંસદ સંજય રાઉત (MP Sanjay Raut) વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ (Non-bailable Warrant) જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ (BJP)ના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા (Kirit Somaiya)ની પત્ની મેધા સોમૈયા (Megha Somaiya) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે કોર્ટે આ વૉરંટ જાહેર કર્યું છે. શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટે આ કાર્યવાહી કરી છે. આ કેસની આગામી સુનાવણી 24 જાન્યુઆરીએ થશે.
મેધા સોમૈયા વતી એડવોકેટ લક્ષ્મણ કનાલ હાજર રહ્યા હતા. લક્ષ્મણ કનાલે જણાવ્યું હતું કે, "મેધા સોમૈયાની જુબાની આજે કોર્ટમાં નોંધવામાં આવી છે. અમે માનનીય કોર્ટના ધ્યાન પર લાવ્યા છીએ કે સંજય રાઉત આ કેસમાં પહેલા હાજર ન હતા. તેથી, કોર્ટે આજે તેમની સામે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. તેથી તેની આગળ ધરપકડ કરવામાં આવશે. તેમણે આગામી તારીખે હાજર થવું પડશે. જો તે હાજર ન થાય તો કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરશે."
ADVERTISEMENT
વૉરંટ જાહેર કરવાની માગણીનો સ્વીકાર
દરમિયાન, મેધા સોમૈયાના વકીલોએ શિવડી કોર્ટમાં સંજય રાઉત વિરુદ્ધ વૉરંટ જાહેર કરવાની માગ કરી હતી. સંજય રાઉત તેમની સામેના માનહાનિના કેસની સુનાવણીમાં વારંવાર ગેરહાજર રહેતા હોવાથી આ માગણી કરવામાં આવી હતી. કિરીટ અને મેધા સોમૈયા બંને આ સુનાવણી માટે કોર્ટમાં હાજર હતા, પરંતુ સંજય રાઉત સતત ગેરહાજર રહ્યા હતા. સંજય રાઉતે મેધા પર 100 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સોમૈયાના વકીલોએ દલીલ કરી હતી કે જ્યાં સુધી વૉરંટ જાહેર ન થાય ત્યાં સુધી રાઉત આવશે નહીં, પરંતુ રાઉતના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે રાઉત આગામી તારીખે હાજર થશે.
દરમિયાન આજે કોર્ટે મેધા સોમૈયાનું નિવેદન નોંધ્યું હતું. "મેં સંજય રાઉત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કારણ કે તેમણે મને બદનામ કરવા ખોટો આરોપ લગાવ્યો છે. રાઉતે 12મી એપ્રિલ 2022ના રોજ સામના ઓનલાઈનમાં એક લેખ લખ્યો હતો અને મારા પર કરોડો રૂપિયાનું શૌચાલય કૌભાંડ ચલાવવાનો ખોટો આરોપ લગાવ્યો હતો, જેના કારણે મારી બદનામી થઈ હતી." મેધા સોમૈયાએ કોર્ટમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: લોકલ ટ્રેનમાં થઈ મહિલાની છેડતી
લેખમાં કહેવામાં આવ્યું છે કે મેધા સોમૈયાએ પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે મેધા સોમૈયાએ આ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરીને 3 કરોડ 90 લાખનું કૌભાંડ કર્યું છે.