અત્યારે નોએલ તાતાને તાતા ટ્રસ્ટના ચૅરમૅનપદે નિયુક્ત કરાયા છે, પણ રતન તાતા એવું માનતા હતા કે તેમની પાસે વધારે અનુભવ હોવો જોઈતો હતો
ભાયખલાના રુસ્તમબાગમાં પારસી સમુદાયના લોકોએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખેલી સભામાં નોએલ તાતાની બન્ને પુત્રીઓ લેહ અને માયા હાજર રહી હતી. (તસવીરો: અતુલ કાંબળે)
૮૬ વર્ષની વયે નિધન પામેલા રતન નવલ તાતાના સ્થાને તાતા ટ્રસ્ટ્સના ચૅરમૅનપદે નોએલ તાતાની નિમણૂક કરવામાં આવી છે પણ રતન તાતા તેમના સાવકા ભાઈ નોએલ તાતા વિશે ૨૦૧૧માં આ પદ માટે શું માનતા હતા એનો ખુલાસો તેમના વિશે લખવામાં આવેલી બુકમાં થયો છે.
રતન તાતા વિશે લેખક થૉમસ મૅથ્યુએ લખેલી બુક ‘રતન તાતા અ લાઇફ’ શુક્રવારે હાર્પરકોલિન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ બુકમાં લખવામાં આવ્યું છે કે ૨૦૧૧માં તાતા ગ્રુપની ધુરા સંભાળવા માટે જ્યારે ઇન્ટરવ્યુ થતા હતા ત્યારે આ સિલેક્શનની પ્રક્રિયાથી રતન તાતાએ ખુદને વેગળા રાખી દીધા હતા.
ADVERTISEMENT
બુકમાં જણાવ્યા મુજબ ૨૦૧૧માં રતન તાતાના સ્થાને નવા ચૅરમૅનની સિલેક્શન સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવી રહી હતી ત્યારે તાતા ગ્રુપના લોકો માનતા હતા કે આ પ્રક્રિયામાં રતન તાતા હિસ્સો બને પણ તેમણે આ માટે ના પાડી દીધી હતી. તાતા ગ્રુપમાં જ ઘણા ઉમેદવાર હતા અને એથી રતન તાતા એવું માનતા હતા કે સિલેક્શન સમિતિ એકમતીથી કે બહુમતીથી કોઈ એકને પસંદ કરે, ચૅરમૅનની પસંદગીના આધાર પર નહીં. વળી બીજું કારણ વ્યક્તિગત હતું, કારણ કે કંપની અને પારસી સમાજના લોકો નોએલ તાતાને તેમનો ઉત્તરાધિકારી માનતા હતા. જોકે બુકમાં લખવામાં આવ્યું છે કે રતન તાતા માટે કેવળ વ્યક્તિની પ્રતિભા અને મૂલ્યો મહત્ત્વપૂર્ણ હતાં; ધર્મ, સમાજ કે ક્ષેત્ર નહીં. તેમણે તો વિદેશી ઉમેદવાર પર પણ વિચાર કરવાની છૂટ આપી હતી.
સાયરસ મિસ્ત્રીના બ્રિટિશ શિક્ષણથી હું અંજાઈ ગયો હતોઃ રતન તાતા
થૉમસ મૅથ્યુએ લખેલી બુક ‘રતન તાતા અ લાઇફ’માં તાતા ગ્રુપના ચૅરમૅનપદે સાયરસ મિસ્ત્રીની પસંદગીની બાબતે લખવામાં આવ્યું છે. એમાં જણાવ્યા મુજબ આ પસંદગી પરિસ્થિતિજન્ય હતી. સિલેક્શન સમિતિ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં નિષ્ફળ રહી હતી. આ મુદ્દે રતન તાતાને ટાંકીને લખવામાં આવ્યું છે કે સાયરસ મિસ્ત્રીના બ્રિટિશ શિક્ષણથી હું અંજાઈ ગયો હતો. મેં ભોળાભાવે વિચાર્યું કે આટલા પ્રભાવશાળી શિક્ષણ મેળવનારા વ્યક્તિનું ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) અલગ હશે. મેં મારા ઉત્તરાધિકારીને પસંદ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું એ વિશે ખેદ વ્યક્ત કરું છું. મેં કહ્યું હતું કે હું ૨૦૧૨ની ૨૮ ડિસેમ્બરે પદ છોડી દઈશ. આના કારણે સિલેક્શન સમિતિ પર અનાવશ્યક દબાણ આવ્યું હતું અને તેમણે ઉતાવળમાં ફેંસલો લીધો હતો. આના પરિણામે સાયરસ મિસ્ત્રીની પસંદગી થઈ હતી.
બુકમાં આ મુદ્દે વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે રતન તાતા સાયરસ મિસ્ત્રી દ્વારા લેવામાં આવતા નિર્ણયો પર સહમતી દર્શાવતા નહોતા. રતન તાતાને એમ લાગ્યું કે તાતા ગ્રુપની સાફ છબી અને નિષ્પક્ષ પ્રતિષ્ઠાને સાયરસ મિસ્ત્રીના નિર્ણયોના કારણે નુકસાન પહોંચી રહ્યું છે. તેઓ એવા બિઝનેસમાં જઈ રહ્યા હતા જેમાં લાંચ અને ભ્રષ્ટાચાર હોય છે જે તાતાના નામને ખરાબ કરી શકે એમ હતો.
નોએલ તાતાના વિરોધમાં નહોતા
બુકમાં લખવામાં આવ્યું છે કે નોએલ તાતાની પસંદગી ના થાય તો પણ રતન તાતા નહોતા ઇચ્છતા કે તેમને નોએલના વિરોધીના રૂપમાં જોવામાં આવે. બુકમાં રતન તાતાને ટાંકીને લખવામાં આવ્યું છે કે જો નોએલ તાતાએ કઠીન કાર્યનો અનુભવ લીધો હોત તો તેઓ પોતાની યોગ્યતાને વધારે મજબૂતીથી રજૂ કરી શક્યા હોત. કંપનીમાં ટોચના પદને પામવા માટે સફળતાપૂર્વક સ્પર્ધા આપવા માટે નોએલ તાતાએ વધારે અનુભવી હોવું જરૂરી હતું.