સંજય રાઉતે તેમની પાર્ટી ૧૮ લોકસભાની બેઠક લડશે એવું કહ્યાના એક દિવસ બાદ કૉન્ગ્રેસે કહ્યું કે એવું કંઈ નક્કી નથી થયું
નસીમ ખાન (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા નસીમ ખાને શુક્રવારે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો આગામી વર્ષની લોકસભાની ચૂંટણી માટે સીટની વહેંચણીની ફૉર્મ્યુલા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરશે.’
મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને કૉન્ગ્રેસનો સમાવેશ થાય છે. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી રચાયેલા ત્રિપક્ષીય ગઠબંધને ૨૦૧૯ના નવેમ્બરથી જૂન ૨૦૨૨ સુધી રાજ્યમાં શાસન કર્યું હતું. એકનાથ શિંદે અને પક્ષના ૩૯ વિધાનસભ્યોએ શિવસેનાના નેતૃત્વ સામે કરેલા બળવા બાદ તેમની સરકાર પડી ભાંગી હતી.
ADVERTISEMENT
રાજ્ય કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ નસીમ ખાને કહ્યું હતું કે તમામ ૪૮ લોકસભા મતવિસ્તારોની સમીક્ષા કરવા અને એક ફૉર્મ્યુલાની ભલામણ કરવા માટે ત્રણેય ગઠબંધન ભાગીદારોના નેતાઓની એક સમિતિ બનાવવામાં આવશે, જેને ત્રણેય પક્ષોના નેતૃત્વ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે સીટની વહેંચણી ચૂંટણીલક્ષી ગુણોના આધારે કરવામાં આવશે અને સાથી પક્ષોમાંથી એકસાથે જોડાયેલા વર્તમાન સાંસદ સાથેનો મતવિસ્તાર, પક્ષ પાસે રહેશે એવો કોઈ માપદંડ નથી.
એક દિવસ પહેલાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે અવિભાજિત શિવસેનાએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ૧૮ બેઠકો જીતી હતી અને આ બેઠકો તેમની પાર્ટી પાસે રહેશે.
એ અંગે વાત કરતાં નસીમ ખાને કહ્યું હતું કે ૨૦૧૯માં શિવસેના દ્વારા જીતવામાં આવેલી ૧૮ બેઠકો ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં હતી અને એ મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી માટેનો માપદંડ નથી.
નસીમ ખાને વધુમાં જણાવ્યું હતું કે ‘૧૫ મેએ શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી મહાવિકાસ આઘાડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
મહાવિકાસ આઘાડીના નેતાઓ એ સુનિશ્ચિત કરવા માટે સંમત થયા છે કે બેઠકોની વહેંચણીની પ્રક્રિયા સરળ અને કોઈ પણ વિવાદ વિના થશે.’