સંરક્ષણ ખાતાએ ૨૩ ડિસેમ્બરના આદેશને સસ્પેન્ડ કરી દેતાં આવી સ્થિતિ નિર્માણ થઈ
ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ૨૩ ફેબ્રુઆરીએ ઇશ્યુ કરવામાં આવેલો નવો ઑર્ડર
મુંબઈમાં ડિફેન્સ એનઓસીને લીધે અટકી પડેલા પ્રોજેક્ટ ક્લિયર થવાની આશા સંરક્ષણ ખાતાના ૨૦૨૨ની ૨૩ ડિસેમ્બરના સર્ક્યુલરને લીધે જાગી હતી, પણ આ સર્ક્યુલરને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવાના ડિફેન્સ મિનિસ્ટ્રીના નવા સર્ક્યુલરથી ફરી એક વાર જૈસે થૈની સ્થિતિ સર્જાઈ છે. ૨૩ ફેબ્રુઆરીના આ સર્ક્યુલરમાં ૨૩ ડિસેમ્બરના આદેશને નવો આદેશ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
૨૩ ડિસેમ્બરનો આદેશ ઈસ્ટર્ન સબર્બ્સના રહેવાસીઓ માટે ખુશીની લહેર લઈ આવ્યો હતો, જ્યારે વેસ્ટર્ન સબર્બ્સ અને ખાસ કરીને મલાડ-કાંદિવલીના પ્રોજેક્ટ્સ માટે એ બાધારૂપ બન્યો હતો.
૨૩ ડિસેમ્બરની માર્ગદર્શિકાને સ્થગિત કરી દેતાં નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરના અંતરમાં આવતા અનેક પ્રોજેક્ટના રહેવાસીઓનાં સપનાં રોળાઈ જવાની ફરી એક વાર નોબત આવી છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી મહાનગરપાલિકાએ નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરની અંદર આવતા પ્રોજેક્ટનાં બિલ્ડિંગના પ્લાનને મંજૂરી આપવાનો ઇનકાર કરતાં હજારો લોકો બેઘર બનીને રોડ પર આવી ગયા હતા. ઈસ્ટર્ન સબર્બ્સમાં નૌકાદળના ઇન્સ્ટોલેશનની અમુક મીટરની અંદર આવતા પ્રોજેક્ટ કરવા માટે ડિફેન્સની એનઓસીની જરૂર પડતી હતી. જોકે ૨૩ ડિસેમ્બરે સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરીને નૌકાદળનાં સ્થાપનોના ૫૦૦ મીટરના અંતરને ઘટાડી દીધું હતું, જેને કારણે હજારેક રહેવાસીઓ માટે તેમનાં મકાનોના બાંધકામ માટેનો માર્ગ મોકળો બન્યો હતો.
ADVERTISEMENT
બીજી બાજુ મલાડ-કાંદિવલીના જે પ્રોજેક્ટ્સ સીઓડી (સેન્ટ્રલ ઑર્ડિનન્સ ડેપો)થી ૫૦ મીટરની હદમાં હતા એવા પ્રોજેક્ટ્સને જ બાંધકામ માટે પરવાનગી આપવામાં આવતી નહોતી, પણ ૨૩ ડિસેમ્બરના આદેશને લીધે આ લિમિટ ૫૦૦ મીટર થઈ જતાં ઘણા પ્રોજેક્ટને ડિફેન્સમાંથી એનઓસી મળવાનું બંધ થઈ ગયું હતું. જોકે આવા પ્રોજેક્ટ માટે ફરી એક વાર ડેવલપમેન્ટનાં દ્વાર ખૂલી જશે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે.