સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં રવિવારે ૨૮ એપ્રિલે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો કરવા માટે ઉપનગરીય વિભાગોમાં મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે
ફાઇલ તસવીર
ટ્રૅક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણીની કામગીરી હાથ ધરવા માટે ૨૭ એપ્રિલે મધરાતે વસઈ રોડ યાર્ડ ખાતે અપ અને ડાઉન દિવા લાઇન પર રાતે ૧૨.૧૫ વાગ્યાથી વહેલી સવારે ૩.૧૫ વાગ્યા સુધી ત્રણ કલાકનો જમ્બો બ્લૉક લેવામાં આવશે. રવિવારે ૨૮ એપ્રિલે વેસ્ટર્ન રેલવે ઉપનગરીય વિભાગમાં દિવસના સમયે કોઈ બ્લૉક નથી.
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં રવિવારે ૨૮ એપ્રિલે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો કરવા માટે ઉપનગરીય વિભાગોમાં મેગા બ્લૉક રાખવામાં આવ્યો છે. થાણે-કલ્યાણ અપ અને ડાઉન ધીમી લાઇનો પર સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એ દરમ્યાન થાણેની લોકલ ડાઉન સ્લો લાઇન પર દોડશે. બ્લૉક પહેલાંની છેલ્લી લોકલ સવારે ૯.૫૩ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ઊપડતી ટિટવાલા માટે હશે. બ્લૉક બાદ પ્રથમ લોકલ બદલાપુર માટે સ્પેશ્યલ લોકલ હશે જે CSMTથી બપોરે ૩.૦૫ વાગ્યે ઊપડશે. અપ ધીમી લાઇન પર બ્લૉક પહેલાંની છેલ્લી લોકલ CSMT માટે સવારે ૧૦.૨૫ વાગ્યે કલ્યાણથી ઊપડશે. બ્લૉક પછી પ્રથમ લોકલ કલ્યાણથી સાંજે ૪.૧૭ વાગ્યે પરેલ માટે ઊપડશે. CSMT-ચૂનાભઠ્ઠી/બાંદરા અપ હાર્બર લાઇન સવારે ૧૧.૪૦થી સાંજે ૪.૪૦ વાગ્યા સુધી અને ચૂનાભઠ્ઠી/બાંદરા-CSMT અપ હાર્બર લાઇન સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી પ્રભાવિત રહેશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન પનવેલ અને કુર્લા (પ્લૅટફૉર્મ-નંબર ૮) વચ્ચે વિશેષ સેવાઓ ચાલશે. હાર્બર લાઇનના મુસાફરો બ્લૉકના સમયગાળા દરમ્યાન સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધી મેઇન લાઇન અને વેસ્ટર્ન લાઇન મારફત મુસાફરી કરી શકશે.