આરોપીએ ખંડણીની રકમમાં કર્યો ૯૦ ટકાનો ઘટાડો
નીતિન ગડકરી (ફાઇલ તસવીર)
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ફરી એક વાર ધમકીભર્યો ફોન આવતાં તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમની નાગપુરમાં આવેલી પબ્લિક રિલેશન્સ ઑફિસમાં ધમકીભર્યો ફોન કરનારે ૧૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. વળી ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંથા જણાવ્યું હતું. તેણે એક નહીં, ત્રણ ફોન કર્યા હતા. જોકે મજાની વાત એ છે કે આ પહેલાં જાન્યુઆરી મહિનામાં પણ નીતિન ગડકરીને આ જ રીતનો ધમકીભર્યો ફોન આવ્યો હતો અને એ ફોન કરનારે પણ પોતાનું નામ જયેશ પૂજારી જ કહ્યું હતું. નવાઈની વાત એ છે કે એ વખતે ૧૦૦ કરોડની માગણી કરાઈ હતી. હવે ત્રણ જ મહિના બાદ એમાં ૯૦ ટકાનો ઘટાડો કરી ૧૦૦ કરોડને બદલે ૧૦ કરોડની માગણી કરાઈ છે.
નાગપુર ઝોન-૨ના ડીસીપી મદનેએ કહ્યું હતું કે ‘બે કૉલ સવારના અને એક કૉલ બપોરે ૧૨ વાગ્યે આવ્યો હતો. કૉલ કરનારે કહ્યું હતું કે જો ૧૦ કરોડ નહીં આપવામાં આવે તો તે નીતિન ગડકરીને નુકસાન પહોંચાડશે અને તેમના પર હુમલો કરશે. એથી સાવચેતીની દૃષ્ટિએ હાલ તેમની ઑફિસ અને નિવાસસ્થાન એમ બન્ને જગ્યાએ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમે એ કૉલ કરનારને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’
ADVERTISEMENT
દાઉદના સાગરીત અને ત્યાર બાદ તેનાથી છૂટા પડીને પોતાની ગૅન્ગ જમાવનાર નામચીન ગૅન્ગસ્ટર રવિ પૂજારીને ગયા વર્ષે સેનેગલથી ઝડપી લેવાયો હતો અને ત્યાર બાદ ભારત લાવવામાં આવ્યો હતો. હાલ તે કર્ણાટકની બેલગાવીની જેલમાં બંધ છે. તે હત્યાના કેસમાં ગુનેગાર પુરવાર થયો છે અને કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી છે. તેણે નીતિન ગડકરીને ખંડણી માટે કૉલ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે.