રત્નાગિરિના બારસુમાં રિફાઇનરીનો વિરોધ કરી રહેલા લોકો પર દેવેન્દ્ર ફડણવીસે લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હોવાનો આરોપ સંજય રાઉતે કર્યા બાદ નીતેશ રાણેએ કર્યો સવાલ
નીતેશ રાણે અને સંજય રાઉત
મુંબઈ ઃ મૉરિશ્યસ ગયેલા દેવેન્દ્ર ફડણવીસે રત્નાગિરિના બારસુમાં રિફાઇનરીનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરવાનો પોલીસને આદેશ આપ્યો હોવાનો દાવો સંજય રાઉતે કર્યો હતો. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મોડી રાતે ખુલાસો કરવો પડ્યો હતો કે પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ સંજય રાઉતને સવાલ કર્યો હતો કે ‘તેઓ મૉરિશ્યસમાં શું હોટેલમાં કપડાં ધોવા ગયા હતા? દેવેન્દ્ર ફડણવીસે લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હોવાની તેમને કેવી રીતે ખબર પડી?’
સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિતના લોકો દ્વારા દરરોજ સરકાર અને એકનાથ શિંદે જૂથ પર જાત-જાતના આરોપ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બીજેપી કે એકનાથ શિંદે તેમને ગંભીરતાથી નહોતાં લેતાં, પણ આવા આરોપથી લોકોમાં ગેરસમજ થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં તેમના દાવા અને આરોપનો જવાબ આપવાની જવાબદારી બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેને સોંપવામાં આવી છે.
રત્નાગિરિના બારસુમાં રિફાઇનરી બનાવવા માટે સર્વેક્ષણનું કામ હાથ ધરાયું છે એનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોને આંદોલનના સ્થળેથી હટાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લાઠીચાર્જ કરાવ્યાનો આરોપ થયો હતો. આ વિશે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘સંજય રાઉત મૉરિશ્યસની હોટેલમાં કપડાં ધોવા ગયા હતા કે તેમને ખબર પડી કે દેવેન્દ્ર ફડણવીસે લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો છે? રિફાઇનરીના નામે રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન માતોશ્રીમાં ઘડાઈ રહ્યો છે અને લાઠીચાર્જ કરવાનો આદેશ પણ અહીંથી જ અપાયો હોવાની શંકા ઊભી કરે છે.’
ઉદ્ધવ ઠાકરેએ ૫૦૦ કરોડનો વ્યવહાર કર્યો હતો?
રાજ્યમાં જૈતાપુર અણુઊર્જા પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું સર્વેક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે કોલસાથી વીજનિર્માણ કરતા ૩૪ ઉદ્યોગપતિઓએ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી અને અણુઊર્જા પ્રોજેક્ટ ન થાય એ માટે ઉદ્ધવ ઠાકરેએ ઉદ્યોગપતિઓ સાથે ૫૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હોવાનો ગંભીર આરોપ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ગઈ કાલે કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં નારાયણ રાણેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જૈતાપુર અણુઊર્જા પ્રોજેક્ટ ન થાય એ માટે ઉદ્ધવ ઠાકરેએ કોલસાથી વીજળી ઉત્પન્ન કરતા ઉદ્યોગપતિઓ સાથે ૫૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. આ સંબંધે પાંચ કરોડ રૂપિયા તેમને આપવામાં પણ આવ્યા હતા. આથી ઉદ્ધવ ઠાકરેને બીજાઓ પર ખોખાં લેવાનો આરોપ કરવાનો અધિકાર નથી. હવે તેઓ બારસુની રિફાઇનરીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કોંકણમાં પગ મૂકશે તો જોવા જેવી થશે. તેઓ કોંકણમાં આવવાની તારીખ જાહેર કરે. અહીં આવશે તો પોતે ભાગી શકશે? એનો વિચાર કરીને આવે. અહીંથી મુંબઈ સુધી તેમણે ભાગવું પડશે. તેઓ સરખી રીતે ચાલી શકતા નથી ત્યારે દોડવાનો વિચાર પણ ન કરે.’
છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ઉજવણી કરાશે
છત્રપતિ શિવાજી મહારાજનો ૩૫૦ વર્ષ પહેલાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. મોગલોનો મુકાબલો કરીને ભારતમાં હિન્દવી રાષ્ટ્રની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજનો ૧૬૭૪ની ૬ જૂને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં આ ઐતિહાસિક દિવસને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે. આ નિમિત્તે રાયગડમાં પહેલી અને બીજી જૂને મોટા પાયે ઉજવણી કરવામાં આવશે. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર જ નહીં, ભારતના આરાધ્યદેવ અને હિન્દવી રાષ્ટ્રની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૬ જૂને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે આ અત્યંત ઐતિહાસિક દિવસે રાયગડમાં મોટા પાયે ઉજવણી કરવામાં આવશે. આપણને સૌને પ્રેરણા આપતા મહારાજાના રાજ્યાભિષેકના આ મહત્ત્વના દિવસે રાયગડની સાથે રાજ્યના તમામ જિલ્લામાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવશે. આખું વર્ષ આ ઉજવણી થશે.’
કાર્યકરોની એક જ ઇચ્છા છે કે અજિતદાદા બને મુખ્ય પ્રધાન
છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષના નેતા અજિત પવાર રાજ્યના મુખ્ય પ્રધાન બને એવી અટકળો અને ચર્ચા થઈ રહી છે. ખુદ અજિત પવારે આ વાતનો રદિયો આપ્યો છે. આમ છતાં તેમના સમર્થકો દ્વારા મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગમાં તેમના ભાવિ મુખ્ય પ્રધાનનાં પોસ્ટરો લગાવવાનો સિલસિલો કાયમ છે. હવે મીરા-ભાઈંદરમાં એનસીપીના કાર્યકરોએ કેટલાંક પોસ્ટરો લગાવ્યાં છે, જેમાં તેમને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે સંબોધવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘એક જ દાદા... અજિતદાદા... તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ.’ કાર્યકરોની ઇચ્છા છે કે અજિતદાદા પવાર મુખ્ય પ્રધાન બને. પોસ્ટરમાં એનસીપીના સ્થાનિક નેતા ડૉ. આસિફ શેખનો ફોટો મૂકવામાં આવ્યો છે.